Instagram accounts hacked via AI:આજના ડિજિટલ યુગમાં સાયબર ગુનેગારો સતત નવી-નવી રીતો શોધી રહ્યા છે. અત્યાર સુધી સામાન્ય લોકો અને મોટી કંપનીઓ હેકર્સના નિશાને રહેતી હતી, પરંતુ હવે હેકર્સે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સિસ્ટમોને પણ છેતરવાનો રસ્તો શોધી કાઢ્યો છે. તાજેતરમાં સામે આવેલા એક ચોંકાવનારા કિસ્સામાં હેકર્સે Meta AIને ગેરમાર્ગે દોરી અનેક હાઈ-પ્રોફાઇલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પર કબજો મેળવ્યો હોવાનું સામે આવ્યું છે. આ હુમલામાં જાણીતી કોસ્મેટિક બ્રાન્ડ સેફોરા, ઓબામા યુગના વ્હાઇટ હાઉસ સાથે સંકળાયેલા ઇંસ્ટાગ્રામ હેન્ડલ અને અમેરિકન સ્પેસ ફોર્સના એક વરિષ્ઠ અધિકારીના એકાઉન્ટ સહિત અનેક એકાઉન્ટ્સને નિશાન બનાવવામાં આવ્યા હતા. ખાસ વાત એ છે, કે હેકર્સે ફિશિંગ અથવા મેલવેરનો ઉપયોગ કર્યા વગર Metaના AI આધારિત સપોર્ટ સિસ્ટમનો જ દુરુપયોગ કર્યો હતો. Metaએ આ મામલે જણાવ્યું છે, કે કંપનીએ ખામી શોધી કાઢી છે અને તેને સુધારી દેવામાં આવી છે. જોકે, આ ઘટનાએ AI આધારિત સુરક્ષા વ્યવસ્થાઓની વિશ્વસનીયતા અંગે નવા પ્રશ્નો ઊભા કર્યા છે.
કેવી રીતે બહાર આવ્યું કૌભાંડ?
સાયબર સુરક્ષા ક્ષેત્રે કાર્યરત રિસર્ચર ZachT અને Dark Web Informerએ સૌપ્રથમ આ ખામી અંગે માહિતી જાહેર કરી હતી. ત્યારબાદ X (પૂર્વે Twitter), Reddit અને Telegram જેવા પ્લેટફોર્મ્સ પર અનેક યુઝર્સે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયાની ફરિયાદો નોંધાવી હતી. આ ફરિયાદો બાદ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો.
Meta AIને કેવી રીતે છેતરવામાં આવ્યું?
સામાન્ય રીતે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરવા માટે હેકર્સ ફિશિંગ લિંક્સ, મેલવેર અથવા યુઝરના ફોન અને ઈમેઈલ સુધી પહોંચવાનો પ્રયાસ કરતા હોય છે. પરંતુ આ ઘટનામાં હેકર્સે એક અલગ જ રીત અપનાવી. સૌપ્રથમ હેકર્સે VPNનો ઉપયોગ કરીને એવું દર્શાવ્યું કે તેઓ તે જ વિસ્તારથી લોગિન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જ્યાંથી મૂળ એકાઉન્ટ ચલાવવામાં આવતું હતું. ત્યારબાદ તેઓ ઇન્સ્ટાગ્રામના લોગિન પેજ પર ગયા અને “Forgot Password” વિકલ્પ પસંદ કર્યો. આ પછી “Get Support” ફીચર મારફતે Meta AI સપોર્ટ અસિસ્ટન્ટ સાથે વાતચીત શરૂ કરવામાં આવી. હેકર્સે ખૂબ જ વિચારીને તૈયાર કરાયેલા પ્રોમ્પ્ટ્સનો ઉપયોગ કરીને AIને વિશ્વાસ અપાવ્યો કે તેઓ જ એકાઉન્ટના વાસ્તવિક માલિક છે અને એકાઉન્ટમાં નવા ઈમેઈલ એડ્રેસની જરૂર છે. જ્યારે AI અસિસ્ટન્ટ આ વાતમાં વિશ્વાસ કરી બેઠું, ત્યારે તેને વેરિફિકેશન કોડ મૂળ માલિકને મોકલવાના બદલે હેકર્સના નિયંત્રણ હેઠળના ઈમેઈલ એડ્રેસ પર મોકલી દીધો. ત્યારબાદ હેકર્સે તે કોડનો ઉપયોગ કરીને પાસવર્ડ રીસેટ કર્યો અને એકાઉન્ટ પર સંપૂર્ણ કબજો મેળવી લીધો.
વારંવાર પ્રયાસ પછી મળતી હતી સફળતા
આ પદ્ધતિ દરેક વખતે પ્રથમ પ્રયાસમાં સફળ થતી નહોતી. ઘણી વખત હેકર્સને Meta AIને મનાવવા માટે એક જ પ્રક્રિયા વારંવાર કરવી પડતી હતી. તેમ છતાં, કેટલાક કિસ્સાઓમાં તેઓ સફળ રહ્યા અને કોઈપણ ઈમેઈલ ઇનબોક્સ અથવા ફોન નંબરનો સીધો ઍક્સેસ મેળવ્યા વિના એકાઉન્ટ હેક કરવામાં સફળ થયા. આ ઘટના દર્શાવે છે, કે AI ટેક્નોલોજી કેટલીય અદ્યતન બની જાય, તેમ છતાં સાયબર ગુનેગારો તેની ખામીઓ શોધવાનો પ્રયાસ કરતા જ રહે છે. તેથી AI આધારિત સિસ્ટમો માટે વધુ મજબૂત સુરક્ષા વ્યવસ્થા અને માનવીય ચકાસણીના સ્તરો ઉમેરવાની જરૂરિયાત હવે પહેલાં કરતાં વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે.








