Sam Altman Loopt App Viral Video: આજના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના યુગમાં ઓપનએઆઈ (OpenAI)ના CEO સેમ ઓલ્ટમેન ટેકનોલોજીની દુનિયાનું સૌથી મોટું નામ ગણાય છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર તેમનો આશરે 20 વર્ષ જૂનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ખૂબ જ નાની વયના સેમ ઓલ્ટમેન બ્રાઈટ કલરની પોલો ટી-શર્ટ પહેરીને સ્ટેજ પર પોતાના પહેલા સ્ટાર્ટઅપ 'લૂપ્ટ' (Loopt) ના આઈડિયાનું પ્રેઝન્ટેશન આપતા જોવા મળે છે. આ વીડિયો એ સમયનો છે જ્યારે દુનિયામાં સ્માર્ટફોન અને એપ્લિકેશન ઈકોસિસ્ટમની શરૂઆત પણ થઈ નહોતી.
19 વર્ષની ઉંમરે સ્ટેનફોર્ડ યુનિવર્સિટી છોડી બનાવ્યો 'Loopt' એપ
વાત વર્ષ 2005ની છે, જ્યારે 19 વર્ષના સેમ ઓલ્ટમેન પ્રસિદ્ધ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા હતા. તેમણે પોતાના મિત્ર નિક સીવો સાથે મળીને 'લૂપ્ટ' (Loopt) એપ બનાવવા માટે કોલેજનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો. 'લૂપ્ટ' એક એવો લોકેશન-બેઝ્ડ સોશિયલ એપ હતો જેના દ્વારા યુઝર્સ પોતાના મિત્રોનું રિયલ-ટાઈમ લોકેશન જોઈ શકતા હતા અને આસપાસની જગ્યાઓ કે ઈવેન્ટ્સ વિશે જાણકારી મેળવી શકતા હતા. આ સ્ટાર્ટઅપ વાય કોમ્બિનેટર (Y Combinator) ના ૨૦૦૫ ના પ્રથમ બેચનો હિસ્સો હતું.
એપલના મંચ પરથી 2008માં રજૂ કર્યું હતું વિઝન
વર્ષ 2008માં એપલના પ્રખ્યાત 'WWDC' (વર્લ્ડવાઈડ ડેવલપર્સ કોન્ફરન્સ) ઈવેન્ટમાં સેમ ઓલ્ટમેને આઈફોન માટે લૂપ્ટ એપનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપ્યું હતું. આજે સ્નેપચેટ, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ કે ગૂગલ મેપ્સમાં લોકેશન શેર કરવું એ એક સામાન્ય બાબત છે પરંતુ, 2005થી 2008ના સમયગાળામાં આ વિચાર સમય કરતાં ઘણો આગળનો માનવામાં આવતો હતો. તે સમયે મોબાઈલ ઈન્ટરનેટ અને સ્માર્ટફોનનો ઉપયોગ અત્યંત મર્યાદિત હતો.
સુપરહિટ ન થવા છતાં કરોડો ડૉલરમાં વેચાઈ હતી કંપની
જોકે, 'લૂપ્ટ' એપ ફેસબુક કે ઈન્સ્ટાગ્રામ જેવું મોટું કન્ઝ્યુમર પ્લેટફોર્મ ન બની શક્યું અને મોટો યુઝરબેઝ મેળવવામાં અસફળ રહ્યું તેમ છતાં, તેની મજબૂત લોકેશન ટેકનોલોજી અને પેટન્ટ્સને કારણે વર્ષ 2012માં 'ગ્રીન ડોટ કોર્પોરેશન' (Green Dot Corporation) નામની કંપનીએ લૂપ્ટને આશરે 43.4 મિલિયન ડૉલર (આશરે 360 કરોડ રૂપિયા) માં ખરીદી લીધી હતી. આ એક્ઝિટથી સેમ ઓલ્ટમેનને મોટી સફળતા મળી અને તેમણે આગળ જઈને વાય કોમ્બિનેટરના પ્રેસિડેન્ટ તરીકે અને બાદમાં CHATGPT બનાવનાર OPENAIના સહ-સ્થાપક તરીકે ઈતિહાસ રચ્યો.








