phone number data leak: સાઇબર ગુનેગારોને હવે નવું હથિયાર મળી ગયું છે. એક વેબસાઈટ તેમની કામગરીને ખૂબ સરળ બનાવી રહી છે. આ વેબસાઇટ પર તમારો ફોન નંબર દાખલ કરો એટલે તમારી ઘણી ખાનગી માહિતી મળી જાય છે અને તે તમારી લોકેશન પણ બતાવી શકે છે.
સાઈબર ક્રાઇમનું નવું હથિયાર, ખતરનાક વેબસાઇટ
સાઇબર ગુનેગારો તમારી સાથે ઠગાઈ કરવા માટે રોજ નવી રીતો અજમાવતા રહે છે. તેઓ તમારી ખાનગી માહિતી એકત્રિત કરે છે અને પછી તેની મદદથી તમને છેતરવાનો પ્રયાસ કરે છે. રોજબરોજ ઓનલાઇન છેતરપિંડીના નવા કેસો સામે આવી રહ્યા છે. આજકાલ સાઇબર ગુનેગારો માટે એક વેબસાઇટ નવા હથિયાર તરીકે કામ કરી રહી છે. આ વેબસાઈટમાં તમારો ફોન નંબર નાખવાથી તમારી લોકેશનથી લઈને અન્ય ઘણી ખાનગી વિગતો મળી શકે છે. આ વેબસાઇટ એટલી ખતરનાક છે કે તે તમારા લાઈવ મૂવમેન્ટ્સ પણ બતાવી શકે છે.
માત્ર ફોન નંબર પરથી યુઝરની માહિતી જાહેર
આ વેબસાઇટ ProxyEarth એક રાકેશ નામના વ્યક્તિએ બનાવી છે. આરોપ છે કે તે ભારતીય યુઝર્સના ફોન નંબરની મદદથી તેમની લોકેશન અને ખાનગી માહિતી લીક કરે છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ વેબસાઇટ ભારતના ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રહેલા લૂપ-હોલ્સનો લાભ લઈને લોકોને ફોન નંબર પરથી બધી માહિતી જાહેર કરી દે છે. ફોન નંબરના આધારે આ વેબસાઇટ નજીકના મોબાઇલ ટાવરની લોકેશન અથવા ટાવર ટ્રાયેન્ગ્યુલેશન ડેટાનો ઉપયોગ કરીને યુઝરની લાઈવ લોકેશન મળવી શકે છે.
ખાનગી માહિતી લીક કરવાનો આરોપ
આ વેબસાઇટ પર લોકોની ખાનગી માહિતી અને લાઈવ લોકેશન લીક કરવાનો આરોપ લાગ્યો હતો. જો કોઈ તમારો મોબાઇલ નંબર તેમાં મૂકે, તો તે તમારું અને તમારા પિતાનું નામ, વૈકલ્પિક નંબર, ઈમેલ આઈડી અને લોકેશન જેવી માહિતી શેર કરી દે છે. કેટલીક ઘટનાઓમાં તો આ વેબસાઇટ અત્યંત સચોટ લાઈવ લોકેશન પણ બતાવી દે છે.
કેવી રીતે કામ કરે છે આ વેબસાઇટ?
પ્રોક્સી અર્થ વેબસાઈટ મોબાઇલ ટાવરમાંથી મળતા સિગ્નલના આધારે યુઝરની લોકેશન અને ટેલિકોમ ડેટાનો રેકોર્ડ લઈને તેની વ્યક્તિગત માહિતી, જેમ કે નામ, જન્મ તારીખ, વૈકલ્પિક નંબર વગેરે બહાર પાડે છે. ઉદાહરણ તરીકે, તમે કોઈ ટેલિકોમ કંપનીનું સિમ કાર્ડ લેવા માટે જે-જે દસ્તાવેજો આપ્યા હોય, તેમાંથી મળેલી માહિતીનો ઉપયોગ આ વેબસાઇટ કરી લે છે. આ રીતે આ વેબસાઇટ સાઇબર ગુનેગારો માટે એક નવું અને ખતરનાક હથિયાર બની ગઈ છે.
રાકેશ કોણ છે?
આ વેબસાઇટ બનાવનાર રાકેશ પોતાને પ્રોગ્રામર અને વીડિયો એડિટર કહે છે. એવી માહિતી પણ મળી રહી છે કે તે પાયરેટેડ કન્ટેન્ટ વેચતી કેટલીક વેબસાઇટ્સ પણ ચલાવતો હતો. રાકેશનું કહેવું છે કે તે આ વેબસાઈટ બનાવીને કંઈ ખોટું કરી રહ્યો નથી. તે કહે છે કે, તે તો એ જ ડેટાનો ઉપયોગ કરી રહ્યો છે, જે પહેલેથી જ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે અને ડેટા લીકને કારણે જાહેર થઈ ગયો છે. તેની દલીલ છે કે તે આ વેબસાઇટનો ઉપયોગ માત્ર જાહેરાતો અને ટ્રાફિક ખેંચવા માટે કરે છે. આ વેબસાઇટ ગયા એક અઠવાડિયાથી લાઈવ છે અને હજી સુધી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે, જે ભારતીય યુઝર્સ માટે ઘણું મોટું જોખમ સાબિત થઈ શકે છે.








