OpenAI Ceo Sam Altman: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જગતની દિગ્ગજ કંપની 'OpenAI' ના ચીફ એક્ઝિક્યુટિવ સેમ ઓલ્ટમેન માટે કાયદાકીય મુશ્કેલીઓ વધી રહી હોય તેમ જણાય છે. ઓલ્ટમેનની બહેન એની ઓલ્ટમેને બે દાયકા જૂના જાતીય શોષણના કેસમાં હવે ફેડરલ કોર્ટમાં સુધારેલી ફરિયાદ દાખલ કરી છે. આ પગલું એક ન્યાયાધીશે તેમની અગાઉની અરજી ફગાવી દીધા બાદ લેવામાં આવ્યું છે, જેમાં કોર્ટે જણાવ્યું હતું કે એની મિઝોરીના વિશિષ્ટ 'બાળ જાતીય શોષણ કાયદા' હેઠળ પોતાનો કેસ આગળ ધપાવી શકે છે.
શું છે સમગ્ર વિવાદ અને આરોપો?
એની ઓલ્ટમેને તેના ભાઈ સેમ ઓલ્ટમેન પર અત્યંત ગંભીર આક્ષેપો કર્યા છે. સુધારેલી ફરિયાદ મુજબ, 1997 થી 2006 દરમિયાન મિઝોરીના ક્લેટોન ઉપનગરમાં આવેલા તેમના પારિવારિક નિવાસસ્થાને સેમ દ્વારા અનેક વખત તેનું જાતીય શોષણ અને દુષ્કર્મ કરવામાં આવ્યો હતો. એનીના દાવા મુજબ, જ્યારે આ દુર્વ્યવહાર શરૂ થયો ત્યારે તેની ઉંમર માત્ર 3 વર્ષની હતી અને સેમ ઓલ્ટમેન 12 વર્ષનો હતો. આ સિલસિલો લગભગ નવ વર્ષ સુધી ચાલ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. હાલમાં સેમ ઓલ્ટમેનની ઉંમર 40 વર્ષ છે.
ન્યાયાધીશનો મહત્વનો ચુકાદો
20 માર્ચના રોજ સેન્ટ લુઈસના યુએસ ડિસ્ટ્રિક્ટ જજ ઝાચેરી બ્લુસ્ટોને આ મામલે સુનાવણી કરી હતી. જોકે સામાન્ય સંજોગોમાં આટલા જૂના દાવાઓની મુદત 2008માં સમાપ્ત થઈ ગઈ હતી, પરંતુ ન્યાયાધીશે નોંધ્યું કે મિઝોરીનો ખાસ કાયદો પીડિતોને વર્ષો પહેલા થયેલા બાળ શોષણ માટે દાવો કરવાની મંજૂરી આપે છે. આથી, અદાલતે એનીને મિઝોરીના બાળ જાતીય શોષણ કાયદા હેઠળ નવી અને સુધારેલી ફરિયાદ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો, જે અંતર્ગત બુધવારે ફેડરલ કોર્ટમાં દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા છે.
ઓલ્ટમેન પરિવારનો બચાવ અને માનસિક સ્થિતિના દાવા
સેમ ઓલ્ટમેને આ તમામ આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે અને પોતાની બહેન સામે માનહાનિનો દાવો પણ કર્યો છે. ઓલ્ટમેન પરિવાર અને સેમના વકીલોનું કહેવું છે કે એની ઓલ્ટમેન માનસિક રીતે અસ્થિર છે. કોર્ટના દસ્તાવેજોમાં સેમ ઓલ્ટમેને જણાવ્યું છે કે તેમનો પરિવાર એનીને આર્થિક અને અન્ય તમામ પ્રકારની સહાય પૂરી પાડી રહ્યો છે, પરંતુ તે નાણાં પડાવવા માટે પરિવાર પર દબાણ કરી રહી છે અને આ આરોપો તદ્દન પાયાવિહોણા છે.
વિશ્વની જાણીતી વ્યક્તિ અને અબજોની સંપત્તિ
સેમ ઓલ્ટમેન વિશ્વભરમાં ટેકનોલોજી ક્ષેત્રે મોટું નામ ધરાવે છે. 2022માં ChatGPTના લોન્ચિંગ બાદ તે વૈશ્વિક સ્તરે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્રાંતિના ચહેરા તરીકે ઉભરી આવ્યો છે. ફોર્બ્સ મેગેઝિનના અહેવાલ અનુસાર, તેની કુલ સંપત્તિ આશરે 3.3 બિલિયન ડોલર (અંદાજે 27,000 કરોડ રૂપિયાથી વધુ) છે. આવી સ્થિતિમાં, તેના પર લાગેલા આ ગંભીર કૌટુંબિક આક્ષેપો તેની પ્રતિષ્ઠા અને કંપનીના ભવિષ્ય માટે ચિંતાનો વિષય બની શકે છે. હાલમાં આ મામલે સેમ ઓલ્ટમેનના વકીલો દ્વારા સત્તાવાર ટિપ્પણીની રાહ જોવાઈ રહી છે, જ્યારે કાયદાકીય નિષ્ણાતો માને છે કે આ સિવિલ મુકદ્દમો આગામી દિવસોમાં વધુ ઉગ્ર વળાંક લઈ શકે છે.








