Nvidia CEO: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના આગમન સાથે સમગ્ર વિશ્વમાં નોકરીઓ છીનવાઈ જવાનો ભય સતાવી રહ્યો છે, ત્યારે સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં આયોજિત 'વર્લ્ડ ઇકોનોમિક ફોરમ' (WEF) માં વિશ્વની સૌથી મોટી સેમિકન્ડક્ટર કંપની Nvidiaના CEO જેન્સેન હુઆંગે ભવિષ્યના જોબ માર્કેટ અંગે અત્યંત મહત્વપૂર્ણ આગાહી કરી છે. હુઆંગના મતે, ભવિષ્યમાં ભલે કોડિંગ અને IT ક્ષેત્રની નોકરીઓ પર AI નો કબજો હોય, પરંતુ પ્લમ્બર, ઈલેક્ટ્રિશિયન અને કડિયાકામ (મિસ્ત્રી) જેવી નોકરીઓ કરવા વાળા કારીગરો માટે 'સુવર્ણ યુગ' આવી રહ્યો છે.
કારીગરો અને મેન્યુઅલ લેબર માટે શ્રેષ્ઠ સમય
બ્લેકરોકના CEO લેરી ફિંક સાથેની ચર્ચામાં જેન્સેન હુઆંગે જણાવ્યું હતું કે, AI ની વધતી જતી તેજીને કારણે ડેટા સેન્ટરોનું નિર્માણ પૂરજોશમાં થશે. આ ડેટા સેન્ટરો બનાવવા માટે માત્ર સોફ્ટવેરની જ નહીં, પણ મોટા પાયે મેન્યુઅલ મજૂરીની જરૂર પડશે. હુઆંગે કહ્યું, "આ કારીગરો માટે ઉત્તમ સમય છે. આપણને પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, બાંધકામ કામદારો અને સ્ટીલ કામદારોની પહેલા કરતા વધુ જરૂર પડશે. AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે માનવીય કૌશલ્ય અનિવાર્ય છે."
AI નોકરીઓનો 'હત્યારો' નહીં પણ 'સર્જક' બનશે
ઘણા નિષ્ણાતો માને છે કે AI નોકરીઓ ખતમ કરી નાખશે, પરંતુ હુઆંગ આ વાત સાથે સહમત નથી. તેમણે રેડિયોલોજીનું ઉદાહરણ આપતા સમજાવ્યું કે, જોકે AI એ રેડિયોલોજિસ્ટના ઘણા કાર્યોને સ્વચાલિત (Automate) કર્યા છે, તેમ છતાં આ ક્ષેત્રમાં નોકરીઓની સંખ્યામાં વધારો થયો છે. તેમના મતે, AI તેજી વાસ્તવમાં માનવ ઇતિહાસમાં સૌથી મોટી માળખાગત સુવિધાઓનું નિર્માણ કરશે, જે પરોક્ષ રીતે લાખો નવી રોજગારીની તકો ઊભી કરશે.
કોણ સુરક્ષિત રહેશે? AI ના 'ગોડફાધર'નો પણ સૂર પુરાયો
રસપ્રદ વાત એ છે કે, જેન્સેન હુઆંગના આ વિચારોને 'AI ના ગોડફાધર' તરીકે જાણીતા જ્યોફ્રી હિન્ટનનું પણ સમર્થન મળ્યું છે. હિન્ટને અગાઉ કહ્યું હતું કે, જે કામમાં શારીરિક હલનચલન અને સ્થળ પર જઈને નિર્ણય લેવાની જરૂર હોય છે (જેમ કે પ્લમ્બિંગ અથવા ઇલેક્ટ્રિકલ રિપેરિંગ), તે કામ કરતા લોકો AI થી સૌથી વધુ સુરક્ષિત રહેશે. કારણ કે રોબોટ્સ અને સોફ્ટવેર માટે માનવ જેવી શારીરિક કુશળતા અને લવચીકતા મેળવવી હજુ પણ ઘણું દૂરનું લક્ષ્ય છે.
ટેકનોલોજીના યુગમાં કુશળ કામદારોની માંગ ક્યારેય ઘટશે નહીં
હુઆંગે ભારપૂર્વક જણાવ્યું કે ટેકનોલોજીના આ યુગમાં કુશળ કામદારોની માંગ ક્યારેય ઘટશે નહીં. ઉલટું, ડિજિટલ દુનિયાને ચલાવવા માટે જે ભૌતિક માળખું જોઈએ છે, તેને તૈયાર કરવા માટે આ કારીગરો જ પાયાનો પથ્થર સાબિત થશે.








