Rajnath Singh made a big announcement: દેશના સંરક્ષણ ક્ષેત્રને વધુ મજબૂત અને આત્મનિર્ભર બનાવવા માટે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે DRDO (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન) દ્વારા વિકસાવવામાં આવેલી તમામ પરંપરાગત મિસાઈલ સિસ્ટમોની ટેક્નોલોજી સ્થાનિક ઉદ્યોગોને ટ્રાન્સફર કરવા મંજૂરી આપી છે. આ નિર્ણય બાદ હવે ભારતીય ખાનગી કંપનીઓ પણ દેશમાં જ અદ્યતન મિસાઈલોના ઉત્પાદન ક્ષેત્રમાં પ્રવેશ કરી શકશે, જે અગાઉ મુખ્યત્વે સરકારી સંસ્થાઓ સુધી મર્યાદિત હતું.
ખાનગી ક્ષેત્ર અને MSME માટે ખુલશે નવી તકો
આ પહેલથી દેશના સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રમાં ખાનગી ઉદ્યોગોની ભાગીદારી નોંધપાત્ર રીતે વધશે. DRDO સંશોધન અને વિકાસ ઉપરાંત હવે સ્થાનિક ઉદ્યોગોની ક્ષમતાનો પણ વધુ ઉપયોગ કરશે. નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME) તેમજ અન્ય ટેક્નોલોજી ભાગીદારો માટે પણ આ નિર્ણય સુવર્ણ તક સમાન સાબિત થશે. તેના કારણે સંરક્ષણ ક્ષેત્રમાં નવી રોજગારીની તકો ઉભી થશે અને સમગ્ર સપ્લાય ચેઈન વધુ મજબૂત બનશે.
વિદેશી ઈમ્પોર્ટ પર નિર્ભરતા ઘટશે
સરકારનો મુખ્ય હેતુ દેશની સ્થાનિક ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવાનો અને સંરક્ષણ સાધનો માટે વિદેશ પરની નિર્ભરતા ઘટાડવાનો છે. મિસાઈલોના સ્થાનિક ઉત્પાદનથી અબજો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ બચશે. સાથે જ યુદ્ધ અથવા કટોકટી જેવી પરિસ્થિતિમાં સેનાને જરૂરી હથિયારોનો પુરવઠો વધુ ઝડપથી મળી શકશે. ખાનગી ક્ષેત્રના જોડાણથી ટેક્નોલોજીમાં નવીનતા, સ્પર્ધા અને ગુણવત્તામાં પણ વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભવિષ્યમાં ભારત મિસાઈલ નિકાસકાર પણ બની શકે
મિસાઈલ ઉત્પાદન શરૂ કરવા ઈચ્છતી કંપનીઓએ સરકાર દ્વારા નક્કી કરાયેલા તમામ ટેક્નિકલ અને ગુણવત્તા ધોરણો પૂર્ણ કરવા પડશે. જરૂરી મંજૂરી અને પ્રમાણપત્રો મેળવ્યા બાદ જ તેમને ઉત્પાદન કરવાની મંજૂરી મળશે. સંરક્ષણ મંત્રાલયનું માનવું છે કે આ પગલાથી ભારત માત્ર પોતાની સેનાની જરૂરિયાતો પૂરી કરવામાં જ નહીં, પરંતુ ભવિષ્યમાં મિત્ર દેશોને મિસાઈલ સિસ્ટમોની એક્સપોર્ટ કરીને વૈશ્વિક સંરક્ષણ બજારમાં પણ મજબૂત સ્થાન મેળવી શકશે.








