Govt Cracks Down on Telegram Piracy: ભારત સરકારે ફિલ્મો, વેબ સીરિઝ અને OTT કન્ટેન્ટની પાઇરસી મુદ્દે ટેલિગ્રામને કડક નોટિસ ફટકારી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે પ્લેટફોર્મને 15 દિવસનું અલ્ટિમેટમ આપીને પાઇરેટેડ કન્ટેન્ટ શોધવા, બ્લોક કરવા અને હટાવવા માટે પોતાની સિસ્ટમ વધુ મજબૂત બનાવવા જણાવ્યું છે. સરકારના આ પગલાને કારણે ટેલિગ્રામ પર દબાણ વધી ગયું છે.
માત્ર ચેનલ બ્લોક કરવાથી નહીં ચાલે
સરકારે સ્પષ્ટ કર્યું છે, કે હવે ટેલિગ્રામ માત્ર સરકારના આદેશની રાહ જોઈને બેસી નહીં શકે. અગાઉ પાઇરેટેડ કન્ટેન્ટ ચલાવતી 3,000થી વધુ ચેનલો પર પ્રતિબંધ મુકાયા બાદ પણ સમસ્યા યથાવત રહી હતી. આઈટી એક્ટ 2000 અને આઈટી રૂલ્સ 2021 હેઠળ મધ્યસ્થી તરીકે ટેલિગ્રામે પોતે જ સક્રિય બનીને પાઇરસી રોકવા માટે પગલાં લેવા પડશે.
બોટ્સ, એડમિન અને રિપીટર્સ પર થશે કાર્યવાહી
મંત્રાલયે ટેલિગ્રામને વારંવાર કૉપિરાઇટનો ભંગ કરતા ચેનલ, ગ્રૂપ, બોટ્સ, એકાઉન્ટ્સ અને તેમના એડમિન્સ સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે. સાથે જ પ્રોડ્યુસર્સ, OTT પ્લેટફોર્મ્સ અને કાયદા અમલીકરણ એજન્સીઓ માટેની ફરિયાદ નિવારણ વ્યવસ્થાની સંપૂર્ણ વિગતો પણ સરકારને સોંપવાની રહેશે. સરકારે યાદ અપાવ્યું છે, કે કૉપિરાઇટ એક્ટ 1957 અને સિનેમેટોગ્રાફ એક્ટ 1952 હેઠળ પાઇરસી માત્ર નાગરિક નહીં પરંતુ ગુનાહિત અપરાધ પણ છે.
15 દિવસમાં આપવો પડશે એક્શન રિપોર્ટ
તાજેતરમાં NEET-UG પરીક્ષા દરમિયાન પણ ટેલિગ્રામ પર કામચલાઉ પ્રતિબંધ મૂકાયો હતો, જેને દિલ્હી હાઈકોર્ટે માન્યતા આપી હતી. હવે પાઇરસી મામલે સરકાર ટેલિગ્રામ સામે વધુ કડક વલણ અપનાવી રહી છે. ટેલિગ્રામને 15 દિવસની અંદર સરકારે માંગેલી કાર્યવાહીનો અહેવાલ સોંપવો પડશે, નહીં તો વધુ કડક પગલાં લેવાઈ શકે છે.








