NASA invites ISRO to moon base project: વિશ્વની બે અગ્રણી સ્પેસ એજન્સીઓ ISRO અને NASA વચ્ચેનો સહયોગ હવે નવી ઊંચાઈએ પહોંચતો જોવા મળી રહ્યો છે. બેંગલુરુમાં યોજાયેલા ‘બેંગલુરુ સ્પેસ એક્સપો 2026’ દરમિયાન અમેરિકી રાજદૂત સર્ગિયો ગોરે મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું કે NASAએ ભારતની ISROને પોતાના આગામી ‘મૂન બેઝ’ કાર્યક્રમમાં ભાગીદાર બનવા સત્તાવાર આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું કે અમેરિકા ઈચ્છે છે કે ચંદ્ર પર માનવ સંશોધન અને કાયમી બેઝ સ્થાપિત કરવાની દિશામાં ભારત તેની સાથે ખભેખભો મિલાવીને આગળ વધે.
ડેટા કે માહિતીની આપ-લે સુધી સીમિત નથી રહ્યો
સર્ગિયો ગોરે ભારત-અમેરિકા સ્પેસ પાર્ટનરશિપને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. તેમના જણાવ્યા અનુસાર, બંને દેશો વચ્ચેનો સહયોગ હવે માત્ર ડેટા કે માહિતીની આપ-લે સુધી સીમિત નથી રહ્યો, પરંતુ ‘કો-ડિઝાઇનિંગ’, ‘કો-ફંડિંગ’ અને માનવ સંશોધન જેવા ક્ષેત્રોમાં આગળ વધી રહ્યો છે. ભારતીય સ્પેસ સ્ટાર્ટઅપ્સને અમેરિકી બજારમાં તકો આપવા માટે પણ તેમણે આહ્વાન કર્યું હતું. બંને દેશો અદ્યતન સ્પેસ ટેક્નોલોજી અને સ્ટાર્ટઅપ્સને સાથે મળીને વિકસાવવા તરફ આગળ વધી રહ્યા છે.
સ્પેસ સેક્ટરની ભૂમિકા ઝડપથી વધી રહી છે
અમેરિકી રાજદૂતના મતે, 21મી સદીમાં સ્પેસ ટેક્નોલોજી વૈશ્વિક અર્થતંત્રનું મહત્વનું એન્જિન બની રહી છે. સેટેલાઇટ નેવિગેશન, વૈશ્વિક સંચાર, AI મોડલ્સ માટેની ટેક્નોલોજી અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં સ્પેસ સેક્ટરની ભૂમિકા ઝડપથી વધી રહી છે. આ સમગ્ર સહયોગમાં ભારત અને અમેરિકા દ્વારા શરૂ કરવામાં આવેલી TRUST એટલે કે ‘Transforming the Relationship Utilising Strategic Technology’ પહેલને પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ અંતર્ગત ‘ટ્રસ્ટ ફેલોશિપ’ દ્વારા બંને દેશોના સ્પેસ વૈજ્ઞાનિકો અને સંશોધકો સાથે મળીને કામ કરી રહ્યા છે.
ISRO આ મૂન બેઝ કાર્યક્રમમાં સત્તાવાર રીતે જોડાય
આ જાહેરાતથી ભારતના ચંદ્ર અભિયાન અને વૈશ્વિક સ્પેસ સહયોગને નવી દિશા મળવાની શક્યતા છે. જો ISRO આ મૂન બેઝ કાર્યક્રમમાં સત્તાવાર રીતે જોડાય છે, તો ભવિષ્યમાં ચંદ્ર પર લાંબા ગાળાના માનવ મિશન, વૈજ્ઞાનિક સંશોધન અને નવી સ્પેસ ટેક્નોલોજીના વિકાસમાં ભારતની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ બની શકે છે. આ સહયોગ માત્ર બે દેશોની સ્પેસ એજન્સીઓ વચ્ચેની ભાગીદારી નહીં, પરંતુ ભવિષ્યના ચંદ્ર સંશોધનમાં ભારતની વધતી વૈશ્વિક ભૂમિકાનું પણ સંકેત બની શકે છે.








