JPMorgan Chase Outage: અમેરિકાની સૌથી મોટી બૅન્કોમાંની એક JPMorgan Chaseમાં સોમવારે સર્જાયેલી ટેકનિકલ ખામીએ દેશની બૅન્કિંગ અને નાણાકીય સેવાઓને અસર પહોંચાડી હતી. આ ખામીને કારણે હજારો ગ્રાહકોને પોતાના બૅન્ક ખાતાં એક્સેસ કરવામાં, બેલેન્સ તપાસવામાં અને નાણાં ટ્રાન્સફર કરવામાં મુશ્કેલી પડી હતી. આ વિક્ષેપની અસર માત્ર ચેઝ બૅન્ક પૂરતી મર્યાદિત ન રહેતાં બૅન્ક ઓફ અમેરિકા, વેલ્સ ફાર્ગો, યુએસ બૅન્ક અને ટ્રુઇસ્ટ જેવી મોટી બૅન્કો ઉપરાંત ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ ઝેલે પર પણ જોવા મળી હતી.
સોફ્ટવેર બગને કારણે સર્જાઈ સમસ્યા, સાયબર હુમલાનો ઇનકાર
સંપત્તિની દૃષ્ટિએ અમેરિકાની સૌથી મોટી બૅન્ક ચેઝે સ્પષ્ટતા કરી હતી કે તેની આંતરિક હાર્ડવેર સિસ્ટમમાં આવેલા સોફ્ટવેર બગને કારણે આ ટેકનિકલ વિક્ષેપ સર્જાયો હતો. બૅન્કે સાયબર હુમલાની શક્યતાને નકારી કાઢતાં જણાવ્યું હતું કે આ ઘટના સાયબર હુમલા સાથે સંબંધિત હોવાના કોઈ પુરાવા નથી. બૅન્કના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ગ્રાહકો પોતાના ખાતાં અને નાણાંનો ઉપયોગ કરી શકતા હતા, પરંતુ કેટલાક વ્યવહારો પૂર્ણ થવામાં સામાન્ય કરતાં વધુ સમય લાગી રહ્યો હતો. આ સમસ્યા માત્ર ઓનલાઈન અને મોબાઈલ બૅન્કિંગ પૂરતી મર્યાદિત નહોતી. ચેઝની અનેક શાખાઓમાં પણ ગ્રાહકોને નાણાં જમા કરાવવા અને ઉપાડવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
અન્ય બૅન્કો અને ઝેલે પેમેન્ટ સિસ્ટમ પર પણ અસર
આઉટેજ પર નજર રાખતી વેબસાઇટ ડાઉનડિટેક્ટર પર બપોરે 1:30 વાગ્યાની આસપાસ ચેઝ બૅન્ક અંગે લગભગ 4,500 ફરિયાદો નોંધાઈ હતી. જોકે, 2:22 વાગ્યા સુધીમાં આ ફરિયાદોનો આંકડો વધીને 20,000ને પાર થઈ ગયો હતો. ચેઝ ઉપરાંત વેલ્સ ફાર્ગોએ પણ પોતાની વેબસાઇટ પર ટેકનિકલ સમસ્યાની જાણકારી આપી હતી. બૅન્કે ગ્રાહકોને એટીએમ (ATM) અને ટેલિફોન બૅન્કિંગનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી. બીજી તરફ, બૅન્કો વચ્ચે સીધા નાણાં ટ્રાન્સફર કરતી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ ઝેલેએ જણાવ્યું હતું કે તેનું નેટવર્ક સામાન્ય રીતે કાર્યરત હતું, પરંતુ બૅન્કોની આંતરિક ટેકનિકલ ખામીને કારણે પેમેન્ટમાં વિલંબ થઈ રહ્યો હતો. યુએસ બૅન્કે પણ સ્પષ્ટ કર્યું હતું કે જે વ્યવહારોમાં ચેઝ બૅન્ક સામેલ હતી તેમાં જ વિલંબ જોવા મળ્યો હતો.
મોડી સાંજે સેવાઓ પૂર્વવત, ટેક્નોલોજીની વિશ્વસનીયતા પર સવાલ
સોમવારે મોડી સાંજે ચેઝ બૅન્કે પુષ્ટિ કરી હતી કે ટેકનિકલ સમસ્યાનું સમાધાન કરી લેવામાં આવ્યું છે અને હવે તમામ વ્યવહારો સામાન્ય રીતે થઈ રહ્યા છે. જોકે, આ ઘટનાએ અમેરિકાની બૅન્કિંગ વ્યવસ્થા માટે ટેક્નોલોજી પરની નિર્ભરતા અંગે સવાલો ઊભા કર્યા છે. નોંધનીય છે કે આ બૅન્કિંગ વિક્ષેપના થોડા દિવસો પહેલાં જ માઈક્રોસોફ્ટની આઉટલુક, ટીમ્સ અને કોપાયલટ જેવી સેવાઓ કલાકો સુધી ખોરવાઈ હતી. આ ઉપરાંત, ગયા અઠવાડિયે અમેરિકાના એર ટ્રાફિક કંટ્રોલની કોમ્યુનિકેશન સિસ્ટમમાં ખામી સર્જાતાં દેશભરમાં ફ્લાઈટ્સ રોકવી પડી હતી. એક પછી એક સામે આવી રહેલી આ ટેકનિકલ ખામીઓએ મહત્ત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વિશ્વસનીયતા અંગે ચિંતા વધારી છે. જોકે, આ તમામ ઘટનાઓ એકબીજા સાથે જોડાયેલી હોવાના કોઈ પુરાવા મળ્યા નથી.








