India-France Rafale Deal: ભારત સરકાર પોતાની વાયુસેનાની તાકાત વધારવા માટે ફ્રાન્સ પાસેથી 114 રાફેલ ફાઇટર જેટ ખરીદવાની મોટી યોજના પર કામ કરી રહી છે. આ પ્રસ્તાવિત સંરક્ષણ સોદો અંદાજે 35 થી 40 અબજ ડોલર (લગભગ ₹3.30 લાખ કરોડ) જેટલી જંગી રકમનો છે. આટલી મોટી રકમ ખર્ચવામાં આવી રહી હોવા છતાં, ફ્રાન્સે ટેક્નોલોજી ટ્રાન્સફર (Technology Transfer) અને સેન્સિટિવ પાર્ટ્સના મામલે પોતાની સ્પષ્ટ રેખા ખેંચી દીધી છે. ફ્રેન્ચ પક્ષે સ્પષ્ટ કરી દીધું છે કે ભલે ફાઇટર જેટનું એસેમ્બલિંગ ભારતમાં કરવામાં આવે, પરંતુ તેની મુખ્ય કંટ્રોલ સિસ્ટમ અને ડિઝાઇનનું નિયંત્રણ સંપૂર્ણપણે ફ્રાન્સના હાથમાં જ રહેશે.
M88 એન્જિનના સંવેદનશીલ ભાગોનું ફ્રાન્સમાં જ નિર્માણ
રાફેલ વિમાનમાં વપરાતા શક્તિશાળી M88 એન્જિનનું નિર્માણ કરતી પ્રખ્યાત ફ્રેન્ચ કંપની 'સફ્રાં' (Safran) ના વલણથી પણ આ સ્પષ્ટ થઈ ગયું છે. કંપનીના વડા દ્વારા અગાઉ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે ભારતમાં એન્જિન માટે એસેમ્બલી લાઇન સ્થાપવામાં આવશે અને મેન્ટેનન્સ સેન્ટર પણ બનશે, પરંતુ એન્જિનના સૌથી મહત્ત્વપૂર્ણ અને અત્યંત સંવેદનશીલ પાર્ટ્સ માત્ર ફ્રાન્સમાં જ બનાવવામાં આવશે. ભારતને માત્ર સામાન્ય સ્પેરેપાર્ટ્સ અને રિપેરિંગ સંબંધિત સુવિધાઓ જ મળશે, જ્યારે ગર્ભિત એન્જિન ટેક્નોલોજી અને કોર પાર્ટ્સની સપ્લાય માટે ફ્રાન્સ પર જ નિર્ભર રહેવું પડશે.
ટાટા અને ડસોલ્ટ વચ્ચે ભાગીદારી છતાં મર્યાદિત અધિકારો
આ ડીલ અંતર્ગત ફ્રાન્સની 'ડસોલ્ટ એવિએશન' અને ભારતીય કંપની 'ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ' વચ્ચે થયેલા કરાર મુજબ હૈદરાબાદના પ્લાન્ટમાં વિમાનનું મુખ્ય માળખું એટલે કે ફ્યુઝલેજ (Fuselage) તૈયાર કરવામાં આવશે. આ પ્લાન્ટમાં વિમાનનો આગળનો, પાછળનો તેમજ વચ્ચેનો હિસ્સો અને સાઇડ પેનલ્સ બનશે. નાણાકીય વર્ષ 2028થી શરૂ થનાર આ પ્રોજેક્ટમાં દર મહિને બે ફ્યુઝલેજ તૈયાર કરવાનું લક્ષ્ય છે. જોકે, આ તમામ કામ ડસોલ્ટના બ્લૂપ્રિન્ટ અને નિર્ધારિત ધોરણો અનુસાર જ થશે. ભારત કે ટાટા પાસે આ વિમાનના ડિઝાઇનમાં મનસ્વી ફેરફાર કરવાનો કે તેને અન્ય દેશોમાં વેચવાનો કોઈ અધિકાર રહેશે નહીં.
રાફેલનો 'સોર્સ કોડ' આપવા માટે ફ્રાન્સનો સાફ ઇનકાર
આ સમગ્ર સોદામાં સૌથી મોટો વિવાદ કે ચર્ચાનો વિષય વિમાનનો 'સોર્સ કોડ' (Source Code) છે. ફ્રાન્સે રાફેલ ફાઇટર જેટનો સોર્સ કોડ ભારતને આપવાનો સાફ ઇનકાર કરી દીધો છે. જોકે, ભારતીય વાયુસેના પોતાની જરૂરિયાત મુજબ દેશી મિસાઇલોને તેની સાથે ઇન્ટિગ્રેટ કરી શકશે, પરંતુ વિમાનની મુખ્ય લડાકુ સિસ્ટમ, રડાર અને મિશન કમ્પ્યુટર જેવા મૂળ સોફ્ટવેરમાં ભારત પોતાની રીતે કોઈ છેડછાડ કે અપગ્રેડેશન કરી શકશે નહીં. કોઈપણ મોટા ફેરફાર માટે ફ્રાન્સની મંજૂરી લેવી અનિવાર્ય રહેશે.








