India US mega deal: ભારત અને અમેરિકાએ સમુદ્રના પેટાળમાં પથરાયેલા સંચાર કેબલોની સુરક્ષા માટે નવી વ્યૂહાત્મક ભાગીદારી શરૂ કરી છે. US-India TRUST પહેલ હેઠળ બંને દેશો Subsea Communications Cablesના વિશાળ નેટવર્કને સાયબર હુમલા, તોડફોડ અને ભૂ-રાજકીય જોખમોથી સુરક્ષિત બનાવવા સાથે મળીને કામ કરશે. વિશ્વના મોટાભાગના ઈન્ટરનેટ અને આંતરરાષ્ટ્રીય ડેટા ટ્રાફિક માટે આ કેબલો અત્યંત મહત્વપૂર્ણ હોવાથી બંને દેશોનું આ સહયોગ ડિજિટલ અર્થતંત્ર અને વૈશ્વિક સંચાર માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
વિશ્વસનીય સપ્લાય ચેઇન ઊભી કરવાની દિશા
TRUST એટલે Transforming the Relationship Utilizing Strategic Technologies. આ પહેલનો મુખ્ય હેતુ ભારત અને અમેરિકા વચ્ચે મહત્વપૂર્ણ અને ઉભરતી ટેકનોલોજીના ક્ષેત્રોમાં સહયોગ વધારવાનો છે. તેમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, સેમિકન્ડક્ટર, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, બાયોટેકનોલોજી, ઊર્જા અને સ્પેસ ટેકનોલોજી જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આ સહયોગ દ્વારા બંને દેશો આગામી પેઢીની ટેકનોલોજી માટે મજબૂત અને વિશ્વસનીય સપ્લાય ચેઇન ઊભી કરવાની દિશામાં પણ આગળ વધી રહ્યા છે.
AI આધારિત અર્થવ્યવસ્થાની મહત્વપૂર્ણ કરોડરજ્જુ
ભારત અને અમેરિકાની ભાગીદારી ખાસ કરીને અંડરસી કેબલ નેટવર્કને વધુ સુરક્ષિત, મજબૂત અને વૈવિધ્યસભર બનાવવા પર કેન્દ્રિત રહેશે. અમેરિકી દૂતાવાસ અનુસાર, દરિયાઈ કેબલો વૈશ્વિક ઈન્ટરનેટ, ક્લાઉડ સેવાઓ, ડેટા સેન્ટરો અને AI આધારિત અર્થવ્યવસ્થાની મહત્વપૂર્ણ કરોડરજ્જુ છે. આ નેટવર્કમાં કોઈ મોટો વિક્ષેપ આવે તો વૈશ્વિક ડિજિટલ સેવાઓ અને ડેટા ટ્રાન્સફર પર ગંભીર અસર થઈ શકે છે. તેથી બંને દેશો કેબલ નેટવર્કના સંરક્ષણ અને તેના વિસ્તરણ માટે સહયોગ વધારશે.
ભવિષ્યમાં વૈશ્વિક Subsea Cable Hub બનવાની ક્ષમતા
ભારત માટે આ ભાગીદારીનો વ્યૂહાત્મક લાભ પણ મોટો છે. ભારતની ભૌગોલિક સ્થિતિ, ઝડપથી વિસ્તરતી ડિજિટલ અર્થવ્યવસ્થા અને AI તથા ક્લાઉડ સેવાઓની વધતી માંગ તેને ભવિષ્યમાં વૈશ્વિક Subsea Cable Hub બનવાની ક્ષમતા આપે છે. આ સાથે AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડેટા સેન્ટર રોકાણ અને અદ્યતન ટેકનોલોજીની સપ્લાય ચેઇન મજબૂત કરવા માટે બંને દેશો સંયુક્ત રોડમેપ પર પણ કામ કરી રહ્યા છે.








