Usain Bolt 100m record Break: માનવ ઇતિહાસમાં જે ઝડપ એક સમયે અશક્ય માનવામાં આવતી હતી, તે સિદ્ધિ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સે હાંસલ કરી છે. સ્માર્ટફોન કંપની Honor દ્વારા વિકસાવવામાં આવેલા હ્યુમનોઇડ રોબોટ 'લાઇટનિંગ'એ 100 મીટરની દોડ માત્ર 9.32 સેકન્ડમાં પૂર્ણ કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ પ્રદર્શન 17 વર્ષ પહેલાં જમૈકાના દિગ્ગજ દોડવીર ઉસેન બોલ્ટે બર્લિન વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં બનાવેલા 9.58 સેકન્ડના વર્લ્ડ રેકોર્ડ કરતાં પણ ઝડપી હોવાનું જણાવાયું છે.
લાઇટનિંગે પોતાની અસાધારણ ગતિનું પ્રદર્શન કર્યું
બીજી 'વર્લ્ડ હ્યુમનોઇડ રોબોટ ગેમ્સ' પૂર્વે યોજાયેલા ટ્રાયલ દરમિયાન લાઇટનિંગે પોતાની અસાધારણ ગતિનું પ્રદર્શન કર્યું હતું. દોડ દરમિયાન રોબોટે 14.5 મીટર પ્રતિ સેકન્ડની પીક સ્પીડ મેળવી હતી. આ પહેલી વખત નથી જ્યારે લાઇટનિંગે પોતાની ઝડપથી લોકોનું ધ્યાન ખેંચ્યું હોય. એપ્રિલમાં યોજાયેલી 21 કિલોમીટરની બેઇજિંગ હાફ મેરેથોનમાં પણ તેણે 50 મિનિટ અને 26 સેકન્ડમાં અંતર પૂર્ણ કરીને નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું.
169 સેન્ટિમીટર અને પગની લંબાઈ 95 સેન્ટિમીટર
ચાઇના સેન્ટ્રલ ટેલિવિઝનના અહેવાલ મુજબ, હાફ મેરેથોન દરમિયાન રોબોટની ઊંચાઈ 169 સેન્ટિમીટર અને પગની લંબાઈ 95 સેન્ટિમીટર હતી. આગામી રોબોટ ગેમ્સને ધ્યાનમાં રાખીને સંશોધકોએ તેના પગની લંબાઈમાં વધુ 10 સેન્ટિમીટરનો વધારો કર્યો છે. આ ફેરફારથી તેની સ્ટ્રાઇડ લંબાઈ અને દોડવાની ક્ષમતામાં નોંધપાત્ર સુધારો થયો હોવાનું માનવામાં આવે છે, જેના કારણે લાઇટનિંગ હવે વધુ ઝડપથી દોડી શકે છે.
વિવિધ કન્ઝ્યુમર એપ્લિકેશન્સમાં વધારવાની યોજના
ચીન હ્યુમનોઇડ રોબોટિક્સને ભવિષ્યના મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ઉદ્યોગ તરીકે વિકસાવવા પર ભાર મૂકી રહ્યું છે. એડવાન્સ્ડ AI, અત્યાધુનિક સેન્સર અને વધુ શક્તિશાળી હાર્ડવેરના સંયોજનથી આવા રોબોટ્સનો ઉપયોગ મેન્યુફેક્ચરિંગ, લોજિસ્ટિક્સ અને વિવિધ કન્ઝ્યુમર એપ્લિકેશન્સમાં વધારવાની યોજના છે. લાઇટનિંગનું આ પ્રદર્શન રોબોટિક્સ ટેક્નોલોજી કેટલી ઝડપથી આગળ વધી રહી છે તેનો વધુ એક મહત્વપૂર્ણ સંકેત બની શકે છે.








