How to Use Google Maps Offline: અજાણ્યા શહેરો કે વિસ્તારોમાં પ્રવાસ કરતી વખતે જો અચાનક મોબાઈલ નેટવર્ક જતું રહે કે પછી ઈન્ટરનેટ ડેટા પૂરો થઈ જાય, તો રસ્તો શોધવો એક મોટો પડકાર બની જાય છે. ખાસ કરીને એવી જગ્યાઓ પર જ્યાં આસપાસ મદદ માટે કોઈ ન મળે, ત્યારે મુસાફરી મુશ્કેલ બની શકે છે. આ જ સમસ્યાના ઉકેલ માટે ગૂગલ મેપ્સ (Google Maps) નું એક અત્યંત ઉપયોગી ફીચર કામ આવે છે, જે તમને ઈન્ટરનેટ વગર પણ સચોટ નેવિગેશન પૂરું પાડે છે. જો તમે પણ વારંવાર મુસાફરી કરતા હોવ, તો આ ખાસ ફીચર વિશે અગાઉથી જાણવું ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
ગૂગલ મેપ્સમાં આ રીતે સેવ કરો કોઈપણ વિસ્તારનો ઓફલાઈન નકશો
નબળા નેટવર્ક કે નો-નેટવર્ક ઝોનમાં મુસાફરી કરતા પહેલા ઘર બેઠા જ મેપ ડાઉનલોડ કરી લેવો સૌથી સારો વિકલ્પ છે. આ પ્રક્રિયા માટે સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં ગૂગલ મેપ્સ એપ ઓપન કરો અને જમણી બાજુ ઉપર આપેલા તમારા પ્રોફાઈલ આઈકોન પર ટેપ કરો. ત્યાં દેખાતા વિકલ્પોમાંથી "Offline maps" નામના ઓપ્શનને સિલેક્ટ કરો. આ પછી "Select your own map" પર ક્લિક કરતા જ સ્ક્રીન પર એક નકશો દેખાશે, જેમાં તમે તમારી જરૂરિયાત મુજબના વિસ્તારની સીમાઓ (બાઉન્ડ્રી) નક્કી કરી શકો છો. વિસ્તાર ફિક્સ કર્યા બાદ નીચે આપેલા 'Download' બટન પર ક્લિક કરો, જેથી તે નકશો સીધો તમારા ફોનમાં સેવ થઈ જશે અને નેટ વગર પણ સરળતાથી કામ કરશે.
ઓફલાઈન મેપ વાપરતી વખતે ધ્યાનમાં રાખવા જેવા કેટલાક મહત્વના મુદ્દાઓ
ગૂગલ મેપનું આ ઓફલાઈન ફીચર ખૂબ જ ઉપયોગી છે, પરંતુ તે ઓનલાઈન મોડ જેટલી સંપૂર્ણ સુવિધાઓ આપતું નથી. ઈન્ટરનેટ કનેક્શન ન હોવાના કારણે તમને રસ્તામાં ટ્રાફિકના લાઈવ અપડેટ્સ કે અચાનક રૂટ ડાયવર્ટ થવાની માહિતી મળી શકતી નથી. વળી, ડાઉનલોડ કરેલા મેપમાં કાર કે બાઈક માટે ડ્રાઈવિંગ ડિરેક્શન સરળતાથી મળી જાય છે, પરંતુ પબ્લિક ટ્રાન્સપોર્ટ, ચાલવા કે સાયકલિંગના રૂટના વિકલ્પો મર્યાદિત હોઈ શકે છે. તેથી, સફર શરૂ કરતા પહેલા ખાતરી કરી લો કે તમે જે જગ્યાએ જવાના છો તે સમગ્ર રૂટનો નકશો યોગ્ય રીતે ડાઉનલોડ થઈ ગયો છે કે નહીં.
ફોનની સ્ટોરેજ અને બેટરી મેનેજમેન્ટની ખાસ કાળજી રાખો
ઓફલાઈન નકશાઓ તમારા ફોનની ઈન્ટરનલ મેમરી કે સ્ટોરેજમાં જગ્યા રોકે છે, તેથી જેટલો મોટો વિસ્તાર ડાઉનલોડ કરશો તેટલી વધુ સ્પેસ રોકાશે. આથી, માત્ર તે જ શહેરો કે રૂટના મેપ ડાઉનલોડ કરો જેની તમને ખરેખર જરૂર હોય અને ફોન ખાલી રાખવા સમયાંતરે જૂના મેપ ડિલીટ કરતા રહો. આ ઉપરાંત, લાંબી રોડ ટ્રિપ દરમિયાન સ્માર્ટફોનની બેટરી બચાવવી પણ એટલી જ જરૂરી છે. સતત સ્ક્રીન ચાલુ રાખવાથી બેટરી ઝડપથી ઉતરી શકે છે, જેના માટે સ્ક્રીનની બ્રાઇટનેસ ઓછી રાખવી, બેકગ્રાઉન્ડની બિનજરૂરી એપ્સ બંધ રાખવી અને વૉઇસ નેવિગેશનનો વધુ ઉપયોગ કરવો ફાયદાકારક રહે છે.








