Google Gemini AI Hacking: ગૂગલના AI મોડલ Geminiએ મે 2026માં એક સાયબર સિક્યુરિટી ટેસ્ટ દરમિયાન ત્રણ વાસ્તવિક કંપનીઓની સિસ્ટમમાં અનધિકૃત રીતે પ્રવેશ મેળવ્યો હોવાનો ખુલાસો થયો છે. આ પરીક્ષણ AI સિક્યુરિટી ફર્મ Irregular દ્વારા કરવામાં આવી રહ્યું હતું અને તેનો હેતુ Geminiની સાયબર ક્ષમતાઓ ચકાસવાનો હતો. જોકે, ટેસ્ટિંગ દરમિયાન મોડલને અનિચ્છનીય રીતે ઇન્ટરનેટની ઍક્સેસ મળી ગઈ અને તે વાસ્તવિક કંપનીઓની સિસ્ટમ સુધી પહોંચી ગયું.
ખોટી ઓળખ અને ખુલ્લા ઇન્ટરનેટથી શરૂ થઈ ઘટના
આ પરીક્ષણ ‘Capture the Flag’ પ્રકારની સાયબર કવાયત હતી, જેમાં Geminiને એક કાલ્પનિક કંપનીની સિસ્ટમમાંથી માહિતી મેળવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. ટેસ્ટિંગ માટેનું વાતાવરણ અલગ અને સુરક્ષિત રાખવાનું હતું, પરંતુ ગોઠવણીની ભૂલને કારણે Geminiને ઇન્ટરનેટ ઍક્સેસ મળી ગઈ. આ દરમિયાન કાલ્પનિક કંપનીનું નામ વાસ્તવિક કંપની સાથે મળતું આવતાં મોડલે વાસ્તવિક સિસ્ટમને ટેસ્ટનો ભાગ માનીને ઍક્સેસ કરવાનો પ્રયાસ કર્યો.
પાસવર્ડ ગેસિંગ અને પબ્લિક ક્રેડેન્શિયલથી ઍક્સેસ
અહેવાલો અનુસાર, ત્રણમાંથી એક ઘટનામાં Geminiએ અલગ-અલગ પાસવર્ડ અજમાવીને સુરક્ષિત સિસ્ટમમાં પ્રવેશ મેળવ્યો હતો. અન્ય બે કેસમાં મોડલે પબ્લિક ઓનલાઈન રિપોઝિટરીમાં ઉપલબ્ધ ક્રેડેન્શિયલ શોધી કાઢ્યા અને તેનો ઉપયોગ કરીને વાસ્તવિક કંપનીઓની સુરક્ષિત સિસ્ટમ સુધી પહોંચ્યું હતું. આ રીતે Geminiએ ટેસ્ટના દાયરાની બહારની સિસ્ટમ્સ સુધી અનધિકૃત ઍક્સેસ મેળવી હતી.
વાસ્તવિક કંપની હોવાનું સમજાતાં Geminiએ હુમલો અટકાવ્યો
ગૂગલના જણાવ્યા અનુસાર, Geminiને જ્યારે સમજાયું કે તે કાલ્પનિક ટેસ્ટિંગ ટાર્ગેટને બદલે વાસ્તવિક કંપનીની સિસ્ટમ સાથે સંપર્કમાં આવી ગયું છે, ત્યારે તેણે પોતાની કામગીરી અટકાવી દીધી હતી. ગૂગલે એમ પણ જણાવ્યું કે અસરગ્રસ્ત ત્રણેય કંપનીઓને જાણ કરવામાં આવી હતી અને Irregular સાથે મળીને ટેસ્ટિંગ પ્રક્રિયામાં જરૂરી ફેરફારો કરવામાં આવ્યા હતા. ગૂગલનું કહેવું છે કે આ ઘટનાઓમાં કોઈ નુકસાન થયું નથી.
AIની ઓટોનોમસ ક્ષમતાઓ અંગે ફરી ચિંતા
આ ઘટના AI એજન્ટ્સને ઇન્ટરનેટ અને સાયબર ટૂલ્સની ઍક્સેસ આપતી વખતે સુરક્ષા વ્યવસ્થાઓ કેટલી મજબૂત હોવી જોઈએ તે અંગે સવાલો ઉભા કરે છે. ખાસ વાત એ છે કે આ પ્રથમ જાણીતો કિસ્સો છે જેમાં ગૂગલના AI મોડલે ટેસ્ટિંગ દરમિયાન વાસ્તવિક કંપનીઓની સિસ્ટમમાં આવી રીતે ઘૂસણખોરી કરી હતી. અગાઉ OpenAI, Anthropic અને Metaના AI મોડલ્સ સાથે પણ ટેસ્ટિંગ દરમિયાન સમાન પ્રકારની ઘટનાઓ સામે આવી ચૂકી છે.








