Google AI Travel Features: મુસાફરીનું આયોજન કરતા લોકો માટે Google એક પછી એક નવા AI ફીચર્સ રજૂ કરી રહ્યું છે. હવે Google Searchના AI Modeમાં ટ્રાવેલ પ્લાનિંગને વધુ સરળ બનાવતા નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. યુઝર્સ હવે AIની મદદથી ફ્લાઇટના ભાવ ટ્રેક કરી શકશે, ભાવ બદલાય ત્યારે ઈ-મેઇલ અલર્ટ મેળવી શકશે, રિવોર્ડ પોઈન્ટ્સ અને માઇલ્સની માહિતી મેળવી શકશે અને હોટેલ પણ શોધી શકશે. જોકે, હોટેલ બુકિંગની સુવિધા હાલમાં અમેરિકામાં અંગ્રેજી ભાષામાં શરૂ કરવામાં આવી રહી છે.
ફ્લાઇટના ભાવ ઘટે કે વધે, Google AI આપશે જાણકારી
Google પોતાના લોકપ્રિય Google Flightsના પ્રાઇસ ટ્રેકિંગ ફીચરને હવે AI Modeમાં લાવી રહ્યું છે. યુઝર્સ AI Modeમાં પોતાના ડેસ્ટિનેશન અને મુસાફરીની તારીખ જણાવ્યા બાદ ફ્લાઇટના ભાવ ટ્રેક કરવા માટે કહી શકશે. એકવાર પ્રાઇસ ટ્રેકિંગ શરૂ થયા બાદ ફ્લાઇટના ભાવમાં ફેરફાર થશે ત્યારે Google ઈ-મેઇલ દ્વારા યુઝરને જાણ કરશે. Googleના જણાવ્યા અનુસાર, AI Mode 300થી વધુ એરલાઇન્સ અને ટ્રાવેલ વેબસાઇટ્સ પરથી ફ્લાઇટના તાજા ભાવ બતાવી શકે છે. આ પ્રાઇસ ટ્રેકિંગ ફીચર 180થી વધુ દેશો અને વિસ્તારોમાં ઉપલબ્ધ છે.
રિવોર્ડ પોઈન્ટ્સ અને માઇલ્સની પણ મળશે માહિતી
ટ્રાવેલ દરમિયાન રિવોર્ડ પોઈન્ટ્સ અથવા એરલાઇન માઇલ્સનો ઉપયોગ કરતા લોકો માટે પણ AI Mode ઉપયોગી બની શકે છે. હવે યુઝર્સ Google AIને કોઈ ચોક્કસ રિવોર્ડ પ્રોગ્રામ હેઠળ નોન-સ્ટોપ ફ્લાઇટ માટે કેટલા પોઈન્ટ્સ અથવા માઇલ્સની જરૂર પડશે તે પૂછી શકે છે. આ જ સુવિધા હોટેલ બુકિંગ માટે પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. એટલે કે પ્રવાસ માટે પૈસા ખર્ચતા પહેલાં યુઝર્સ પોતાના રિવોર્ડ પોઈન્ટ્સનો કેટલો ઉપયોગ કરી શકાય છે તેની માહિતી મેળવી શકશે.
કઈ એરલાઇન્સ અને હોટેલ્સને સપોર્ટ મળશે?
Googleના જણાવ્યા અનુસાર, આ રિવોર્ડ ફીચર દુનિયાભરમાં ઉપલબ્ધ છે. શરૂઆતના તબક્કામાં Alaska Airlines/Hawaiian Airlines, American Airlines, Choice Hotels International, Hilton અને Wyndham Hotels & Resortsને સપોર્ટ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત આગામી સમયમાં Accor, Flying Blue, Hyatt, LATAM Airlines અને Lufthansa Groupનો સપોર્ટ પણ ઉમેરવામાં આવશે.
હવે Google AIથી હોટેલ પણ શોધી શકાશે
Google AI Modeમાં હવે હોટેલ શોધવાની સુવિધા પણ ઉમેરવામાં આવી રહી છે. યુઝર્સ પોતાના ડેસ્ટિનેશન, મુસાફરીની તારીખો અને હોટેલ અંગેની પસંદગી જણાવશે તો AI Mode તેના આધારે હોટેલના વિકલ્પો બતાવશે. આ સાથે હોટેલના રિવ્યૂ અને અન્ય જરૂરી માહિતી પણ જોઈ શકાશે. પસંદગીની હોટેલ નક્કી કર્યા બાદ યુઝર્સ ‘Continue on Google’ વિકલ્પ દ્વારા ઇન્ટિગ્રેટેડ પાર્ટનરની મદદથી બુકિંગ પૂર્ણ કરી શકશે.
પેમેન્ટ માટે Google Payનો વિકલ્પ
હોટેલ બુકિંગની પ્રક્રિયા પૂર્ણ કરતી વખતે પેમેન્ટ માટે Google Payનો ઉપયોગ કરી શકાશે. જોકે, આ સુવિધા હાલમાં મર્યાદિત રીતે શરૂ કરવામાં આવી છે. હાલમાં Google AI Modeમાં હોટેલ બુકિંગની સુવિધા અમેરિકામાં અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. Google આગામી સમયમાં આ ટ્રાવેલ ફીચર્સને વધુ વિસ્તારો અને યુઝર્સ સુધી પહોંચાડે તેવી શક્યતા છે.
મુસાફરીનું પ્લાનિંગ બનશે વધુ સરળ
ફ્લાઇટના ભાવ પર નજર રાખવાથી લઈને રિવોર્ડ માઇલ્સનો ઉપયોગ અને હોટેલ શોધવા સુધીની સુવિધાઓ એક જ AI અનુભવમાં મળવાથી ટ્રાવેલ પ્લાનિંગ વધુ સરળ બની શકે છે. ખાસ કરીને ભાવમાં ઘટાડો થાય ત્યારે અલર્ટ મળવાથી યોગ્ય સમયે બુકિંગ કરીને મુસાફરીના ખર્ચમાં બચત કરવાની તક મળી શકે છે.








