Frontier AI Debate: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઝડપી વિકાસને લઈને સિલિકોન વેલીમાં નવી ચર્ચા શરૂ થઈ છે. એન્થ્રોપિકના CEO ડારિયો અમોડેઈએ AI સલામતીની ચિંતાઓને ધ્યાનમાં રાખીને ફ્રન્ટિયર AI મોડેલ્સના વિકાસની ગતિ ધીમી કરવાની અપીલ કરી છે. તેમના આ નિવેદન બાદ ટેક ઉદ્યોગના અનેક મોટા નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. કેટલાક ટેક દિગ્ગજોએ AI વિકાસમાં વધુ સાવચેતી અને સ્વતંત્ર મૂલ્યાંકનની જરૂરિયાત સ્વીકારી છે, જ્યારે કેટલાકે આ પ્રકારની અપીલ પાછળના હેતુ અને સરકારી નિયમનની માંગ પર સવાલો ઉઠાવ્યા છે.
ડારિયો અમોડેઈએ શું કહ્યું?
અમોડેઈએ 12 સપ્ટેમ્બરે ‘વી મસ્ટ પેસ ધ ફ્રન્ટિયર’ નામનો નિબંધ પ્રકાશિત કર્યો હતો. તેમાં તેમણે ચેતવણી આપી હતી કે AI સંશોધન એટલી ઝડપથી આગળ વધી રહ્યું છે કે તેને સુરક્ષિત રીતે વિકસાવવા માટે પૂરતો સમય અને વ્યવસ્થા મળી રહી નથી. તેમણે ખાસ કરીને બે ચિંતાજનક બાબતોનો ઉલ્લેખ કર્યો હતો:
AIમાં સ્વ-સુધારણાના પ્રારંભિક સંકેતો
OpenAI અને Hugging Face સાથે જોડાયેલી તાજેતરની ઘટના અમોડેઈએ ફ્રન્ટિયર AI મોડેલ્સની તપાસ માટે સ્વતંત્ર તૃતીય-પક્ષ મૂલ્યાંકનકારોને કંપનીના કર્મચારીઓ જેવી ઍક્સેસ આપવાની પણ ભલામણ કરી હતી.
સેમ ઓલ્ટમેન: સ્વતંત્ર મૂલ્યાંકનકારો જરૂરી
OpenAIના CEO સેમ ઓલ્ટમેને અમોડેઈના કેટલાક સૂચનોનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે ફ્રન્ટિયર AI ક્ષેત્રમાં આગળ વધવું જરૂરી છે, પરંતુ તેની સાથે સુરક્ષા અને દેખરેખની વ્યવસ્થા પણ મજબૂત હોવી જોઈએ.
ઓલ્ટમેને સ્વતંત્ર મૂલ્યાંકનકારોને મોડેલ્સ સુધી કર્મચારી જેવી ઍક્સેસ આપવાના વિચારને યોગ્ય ગણાવ્યો અને કહ્યું કે OpenAI પણ આ દિશામાં કામ કરશે. તેમણે ફેડરલ સ્તરે ફ્રન્ટિયર AI માટે એકસમાન સલામતી ધોરણો બનાવવાનું સ્વાગત કર્યું, પરંતુ એ માટે એન્ટિ-ટ્રસ્ટ મુક્તિ અથવા નવા કાયદાની રાહ જોવાની જરૂર નથી તેમ પણ જણાવ્યું.
એલોન મસ્કે પણ આપ્યું સમર્થન
સ્પેસએક્સના CEO એલોન મસ્કે અમોડેઈના વિચારો સાથે સહમતિ વ્યક્ત કરી છે. મસ્ક અગાઉ પણ AI વિકાસ પર અસ્થાયી રોક લગાવવાની અપીલ કરનારા ટેક નેતાઓમાં સામેલ રહ્યા હતા. મસ્કનું માનવું છે, કે AI મોડેલ્સ હવે અગાઉની સરખામણીએ વધુ શક્તિશાળી બની રહ્યા છે અને તેઓ વાસ્તવિક દુનિયામાં એજન્ટ તરીકે કામ કરવાની ક્ષમતા ધરાવે છે. તેથી સલામતી અંગેની ચિંતાઓને અવગણવી જોખમી બની શકે છે.
સત્ય નડેલાએ સુરક્ષા સાથે ઝડપી વિકાસની વાત કરી
માઈક્રોસોફ્ટના CEO સત્ય નડેલાએ પણ સ્વતંત્ર ઓડિટર્સ અને AI સલામતી માટે ઉદ્યોગવ્યાપી પ્રયાસોને સમર્થન આપ્યું છે. જો, કે નડેલાએ સાથે જ કહ્યું કે AIના ફાયદા વધુને વધુ દેશો, સમુદાયો અને કંપનીઓ સુધી પહોંચવા જોઈએ. તેમના મતે, AI ક્ષેત્રમાં ઓપન-સોર્સ અને ક્લોઝ્ડ-સોર્સ બંને મોડેલ્સને વિકસવાની તક મળવી જોઈએ. તેમણે ચેતવણી આપી કે AI ટેક્નોલોજી પર માત્ર થોડા જ સંગઠનોનું નિયંત્રણ ન હોવું જોઈએ.
ડેમિસ હાસાબિસે ઉદ્યોગવ્યાપી ધોરણોની તરફેણ કરી
Google DeepMindના ચેરમેન ડેમિસ હાસાબિસે પણ અમોડેઈના નિબંધને યોગ્ય દિશામાં એક પગલું ગણાવ્યું છે. તેમણે કહ્યું કે ફ્રન્ટિયર AI માટે ઉદ્યોગવ્યાપી માનક સંસ્થા બનાવવાની જરૂર છે. આ સંસ્થા AI મોડેલ્સના મૂલ્યાંકન માટે પ્રોટોકોલ તૈયાર કરી શકે અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા ક્ષેત્રોમાં યોગ્ય સરકારી એજન્સીઓ તથા નેશનલ લેબ્સ સાથે મળીને કામ કરી શકે.
ડેવિડ સૅક્સે અમોડેઈની માંગ પર સવાલ ઉઠાવ્યા
અમોડેઈના ટીકાકાર અને અમેરિકી રાષ્ટ્રપતિના ટેક્નોલોજી સલાહકાર ડેવિડ સૅક્સે આ અપીલને લઈને અલગ મત વ્યક્ત કર્યો છે. સૅક્સે સવાલ કર્યો કે જો AI કંપનીઓને વિકાસ ધીમો કરવો હોય તો તેઓ પોતાની રીતે આવું કેમ નથી કરતી? તેમણે કહ્યું કે સુપરઇન્ટેલિજન્સ ન બનાવવાનો સૌથી સરળ રસ્તો એ છે કે કંપનીઓ તેને ન બનાવવાનો નિર્ણય લે. તેમના મતે, વિકાસ ધીમો કરવાની વાત સાથે મનપસંદ નિયમનકારી માળખાની માંગ કરવી યોગ્ય નથી.
Hugging Faceના CEOએ પારદર્શિતાની વાત કરી
Hugging Faceના CEO ક્લેમેન્ટ ડેલાંગે કહ્યું કે AI સલામતી માત્ર થોડા ફ્રન્ટિયર AI લેબ્સના બંધ દરવાજા પાછળ ઉકેલી શકાય નહીં. તેમણે વધુ પારદર્શિતા, ઓપન સહકાર અને વ્યાપક ભાગીદારીની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. Hugging Faceએ આ ક્ષેત્રમાં ઓપન એલાઈનમેન્ટ પહેલ શરૂ કરવાની પણ જાહેરાત કરી છે.
Cohere CEOએ કાર્ટેલ બનવાની ચેતવણી આપી
કેનેડિયન AI કંપની Cohereના CEO એડન ગોમેઝે સવાલ કર્યો કે શું થોડા જ મોટા AI સંગઠનોને સમગ્ર વિશ્વ માટે ટેક્નોલોજીના નિયમો અને સલામતી ધોરણો નક્કી કરવાની છૂટ આપવી જોઈએ? તેમણે આરોપ લગાવ્યો કે કેટલીક પ્રભુત્વ ધરાવતી AI કંપનીઓ સ્પર્ધાના નિયમો બદલવા અને અન્ય કંપનીઓ માટે શરતો નક્કી કરવા માંગે છે.
Nvidiaના જેન્સન હુઆંગ હજુ સહમત નથી
Nvidiaના CEO જેન્સન હુઆંગે અમોડેઈની ચેતવણીઓનું સીધું સમર્થન કર્યું નથી. હુઆંગ અગાઉ પણ કહી ચૂક્યા છે કે કેટલીક AI લેબ્સ સલામતીની ચિંતાઓને પોતાના વ્યાવસાયિક હિત માટે આગળ ધપાવી રહી છે. તેમણે એવો સવાલ ઉઠાવ્યો હતો કે શું AI કંપનીઓ સુરક્ષાના મુદ્દાઓને આગળ ધપાવીને પોતાના નવા સાયબર સિક્યોરિટી પ્રોડક્ટ્સ માટે બજારમાં માંગ ઊભી કરવા માંગે છે?
AI ક્ષેત્રમાં બે સ્પષ્ટ જૂથો
અમોડેઈની અપીલ બાદ સિલિકોન વેલીમાં બે અલગ વિચારધારાઓ સ્પષ્ટ થઈ છે. એક જૂથ AIના ઝડપી વિકાસ સાથે કડક સલામતી ધોરણો, સ્વતંત્ર ઓડિટ અને સરકારી દેખરેખની તરફેણ કરે છે. જ્યારે બીજું જૂથ માને છે કે વધારે નિયમનથી સ્પર્ધા અને નવીનતા પર નકારાત્મક અસર પડી શકે છે. આ ચર્ચા હવે માત્ર AIની ગતિ ધીમી કરવી કે નહીં તે પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ AI ટેક્નોલોજી પર નિયંત્રણ કોનું હોવું જોઈએ અને ભવિષ્યના સલામતી ધોરણો કોણ નક્કી કરશે તે મુદ્દે પણ કેન્દ્રિત થઈ છે.








