How to Check Fake vs Real Smartphone Online: આજના ડિજિટલ યુગમાં કપડાં, બ્રાન્ડેડ શૂઝ, ઘડિયાળો કે ઈયરબડ્સ જ નહીં, પણ પ્રીમિયમ સ્માર્ટફોનના પણ ડુપ્લિકેટ મોડેલ બજારમાં ધૂમ વેચાઈ રહ્યા છે. ખાસ કરીને ફેસ્ટિવલ સેલ, ઓનલાઈન ડિસ્કાઉન્ટ કે લોકલ માર્કેટમાં સસ્તા ભાવની લાલચ આપીને ગ્રાહકોને નકલી ફોન પધરાવી દેવાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. આ નકલી ફોન બહારથી જોવામાં બિલકુલ ઓરિજિનલ સ્માર્ટફોન જેવા જ દેખાય છે, પરંતુ તેની અંદર વપરાતા પાર્ટ્સ અને સોફ્ટવેર અત્યંત હલકી ગુણવત્તાના હોય છે, જેનાથી ગ્રાહકોના હજારો રૂપિયા પાણીમાં જાય છે.
અસલી અને નકલી ફોન વચ્ચેનો મોટો તફાવત
દેખાવમાં સરખા લાગતા આ ફોનમાં પરફોર્મન્સ, સુરક્ષા અને ટકાઉપણાની દ્રષ્ટિએ આસમાન-જમીનનો તફાવત હોય છે. ડુપ્લિકેટ ફોનમાં નબળી પ્રોસેસિંગ સ્પીડ, ખરાબ કેમેરા ક્વોલિટી અને લોકલ બેટરીનો ઉપયોગ કરવામાં આવે છે. આટલું જ નહીં, આવા નકલી ઉપકરણોમાં સુરક્ષા કવચ (Security Updates) હોતું નથી, જેના કારણે તમારો અંગત ડેટા ચોરી થવાનું કે ફોન હેક થવાનું જોખમ અનેકગણું વધી જાય છે. આ સિવાય હલકી બેટરીને કારણે ફોન ગરમ થવો કે બ્લાસ્ટ થવો જેવી હોનારતનો ડર પણ રહે છે.
IMEI નંબર: મોબાઈલ ફોનની સાચી ઓળખ
કોઈપણ સ્માર્ટફોન અસલી છે કે ડુપ્લિકેટ તે ઓળખવાની સૌથી સરળ અને સચોટ ચાવી તેનો IMEI (International Mobile Equipment Identity) નંબર છે. દરેક સ્માર્ટફોનમાં 15 અંકનો એક યુનિક આઈડી નંબર હોય છે. તમારા મોબાઈલમાંથી *#06# ડાયલ કરીને અથવા ફોનના સેટિંગ્સમાં જઈને તમે આ IMEI નંબર મેળવી શકો છો. જો ફોન ઓરિજિનલ હશે તો તેનો IMEI નંબર સરકારના ટેલિકોમ ડેટાબેઝ સાથે મેચ થશે, જ્યારે નકલી ફોનમાં IMEI નંબર ફેક અથવા બ્લોક થયેલો જોવા મળશે.
'સંચાર સાથી' પોર્ટલથી કરો ઘરબેઠા ઓનલાઈન વેરિફિકેશન
ભારત સરકારના દૂરસંચાર વિભાગ (DoT) દ્વારા ગ્રાહકોની સુરક્ષા માટે 'સંચાર સાથી' (Sanchar Saathi) નામનું સત્તાવાર પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. જો તમે નવો કે જૂનો ફોન ખરીદ્યો હોય અને તેની અસલિયત તપાસવી હોય, તો સૌથી પહેલાં અધિકૃત વેબસાઇટ sancharsaathi.gov.in પર જાઓ. હોમપેજ પર આપેલા 'Citizen Centric Services' વિભાગમાં જઈને 'Know Your Mobile / IMEI Verification' વિકલ્પ પસંદ કરો.
સ્ટેપ-બાય-સ્ટેપ વેરિફિકેશન પ્રક્રિયા
તમારો મોબાઈલ વેરિફાય કરવા માટે પોર્ટલ પર તમારો મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો. ત્યારબાદ તમારા નંબર પર એક OTP આવશે. OTP સબમિટ કર્યા પછી એક નવું પેજ ખુલશે, જ્યાં તમારે તમારા સ્માર્ટફોનનો 15 અંકનો IMEI નંબર દાખલ કરીને સબમિટ કરવાનો રહેશે. આટલું કરતા જ સ્ક્રીન પર તમારા ઉપકરણની બ્રાન્ડ, મોડેલ, ડિવાઈસ સ્ટેટસ અને ઉત્પાદકની સંપૂર્ણ વિગતો દેખાશે. જો આ વિગતો તમારા ફોન સાથે મેચ થાય તો તમારો ફોન 100% અસલી છે, અન્યથા તે ડુપ્લિકેટ હોઈ શકે છે.








