Elon Musks XAI Moon Factory Plan Revealed: દુનિયાના સૌથી અમીર વ્યક્તિ અને ટેક ટાયકૂન ઇલોન મસ્કે ફરી એકવાર પોતાની દૂરંદેશી અને વિવાદાસ્પદ યોજનાઓથી વૈજ્ઞાનિક જગતમાં હલચલ મચાવી દીધી છે. મસ્કની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની xAI ની તાજેતરમાં યોજાયેલી 45 મિનિટની ઇન્ટર્નલ મીટિંગનો વીડિયો સાર્વજનિક થયો છે, જેમાં મસ્કે માનવ ઇતિહાસના સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સનો ખુલાસો કર્યો છે. મસ્ક હવે પૃથ્વીની મર્યાદાઓ ઓળંગીને ચંદ્ર પર AI સેટેલાઇટ ફેક્ટરી સ્થાપવાની તૈયારી કરી રહ્યા છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સૂર્યની પ્રચંડ ઊર્જાને કેપ્ચર કરવાનો અને બ્રહ્માંડમાં અન્ય સભ્યતાઓના પુરાવા શોધવાનો છે.
સૂર્ય ઊર્જા અને ચંદ્ર પર 'માસ ડ્રાઇવર'
ઇલોન મસ્કના જણાવ્યા મુજબ, તેઓ સૂર્યની કુલ ઊર્જાના 1% હિસ્સાનો ઉપયોગ કરવાનું લક્ષ્ય ધરાવે છે. આ આંકડો સાંભળવામાં નાનો લાગે છે, પરંતુ તે પૃથ્વી પર અત્યારે વપરાતી કુલ ઊર્જા કરતાં લાખો ગણો વધારે હશે. આ ઊર્જાનો ઉપયોગ કરવા માટે મસ્ક ચંદ્ર પર એવી ફેક્ટરીઓ સ્થાપવા માંગે છે જે સ્વાયત્ત રીતે AI સેટેલાઇટ્સનું નિર્માણ કરશે. આ ફેક્ટરીઓમાં એક ખાસ 'માસ ડ્રાઇવર' (ઇલેક્ટ્રોમેગ્નેટિક લોન્ચર) સ્થાપિત કરવામાં આવશે, જે રોકેટના પરંપરાગત બળતણ વગર સેટેલાઇટ્સને સીધા અંતરિક્ષમાં ફેંકશે. મસ્કનું માનવું છે કે આ AI ક્લસ્ટરો ગેલેક્સીના ઊંડાણ સુધી વિસ્તરી શકે છે. આ મિશન પાછળ તેમનો એક રસપ્રદ હેતુ 'એલિયન્સ'ની શોધ પણ છે. મસ્ક માને છે કે બ્રહ્માંડમાં આપણે એકલા નથી અને આ ટેકનોલોજીની મદદથી અન્ય ગ્રહો પર પ્રાચીન સભ્યતાઓના અવશેષો કે ખંડેરો શોધી શકાય છે.
xAI માં મોટા ફેરફારો
કંપનીના આંતરિક માળખા વિશે વાત કરતા મસ્કે સ્વીકાર્યું કે xAI માં મોટા પાયે ફેરફારો કરવામાં આવ્યા છે. કંપનીની શરૂઆત કરનાર 12 મુખ્ય સભ્યોમાંથી હવે માત્ર 6 સભ્યો જ મસ્ક સાથે રહ્યા છે, જ્યારે બાકીના અડધા સભ્યોને ઓર્ગેનાઈઝેશનલ સ્ટ્રક્ચરના નામે કાઢી મૂકવામાં આવ્યા છે. મસ્ક હવે વધુ ઝડપથી અને પરિણામલક્ષી ટીમો સાથે કામ કરવા માંગે છે.
માઇક્રોસોફ્ટના નામ પર કટાક્ષ અને ભવિષ્યની ટેકનોલોજી
મસ્કે xAI ને ચાર મુખ્ય ટીમોમાં વહેંચી દીધી છે: ગ્રોક (ચેટબોટ), કોડિંગ, ઇમેજિન (વીડિયો જનરેશન) અને સૌથી મહત્વની 'મેક્રોહાર્ડ' (Macrohard) ટીમ. રસપ્રદ વાત એ છે કે, મસ્કે માઇક્રોસોફ્ટ (Microsoft) ના નામ પર કટાક્ષ કરવા માટે પોતાના ડેટા સેન્ટરની છત પર મોટા અક્ષરે 'Macro Hard' લખાવ્યું છે. મેક્રોહાર્ડ પ્રોજેક્ટ માત્ર સોફ્ટવેર બનાવવા પૂરતો મર્યાદિત નથી. તે સંપૂર્ણ કંપનીઓનું 'ડિજિટલ સિમ્યુલેશન' તૈયાર કરશે. એટલે કે, કોઈપણ મોટો બિઝનેસ નિર્ણય લેતા પહેલા AI તેનું કમ્પ્યુટર મોડેલ બનાવીને પરિણામોની આગાહી કરશે. એટલું જ નહીં, આ પ્રોજેક્ટ હેઠળ AI પોતે જ રોકેટ એન્જિન અને જટિલ મશીનોની ડિઝાઇન તૈયાર કરશે, જેમાં માનવીય ભૂલની કોઈ શક્યતા રહેશે નહીં.
કોડિંગ અને વીડિયો જનરેશનમાં ક્રાંતિ
મસ્કે દાવો કર્યો છે કે આ વર્ષના અંત સુધીમાં માણસોને કમ્પ્યુટર કોડ લખવાની જરૂર જ નહીં પડે. AI મોડેલ્સ પોતે જ 'બાઇનરી' (0 અને 1 ની ભાષા) માં ફાઇલો બનાવી દેશે, જે કોઈપણ હ્યુમન પ્રોગ્રામર કરતાં વધુ ચોક્કસ અને ઝડપી હશે. આગામી 2-3 મહિનામાં તેમનો 'ગ્રોક કોડ' વિશ્વનો સર્વશ્રેષ્ઠ કોડિંગ મોડેલ બની જશે તેવી તેમને અપેક્ષા છે. મનોરંજન અને કન્ટેન્ટ ક્રિએશન ક્ષેત્રે પણ xAI મોટું કદમ ઉઠાવી રહ્યું છે. ઇમેજિન ટીમ વર્ષના અંત સુધીમાં એવા AI મોડેલ્સ લોન્ચ કરશે જે કોઈપણ માનવીય હસ્તક્ષેપ વગર 20 મિનિટ સુધીના લાંબા અને ઉચ્ચ ગુણવત્તાવાળા વીડિયો જનરેટ કરી શકશે.
વિશ્વનું સૌથી મોટું મગજ
મસ્ક અત્યારે 'મેમ્ફિસ ક્લસ્ટર' નામના વિશ્વના સૌથી મોટા GPU સુપરકમ્પ્યુટરનો ઉપયોગ કરી રહ્યા છે. આ ડેટા સેન્ટર માત્ર 6 અઠવાડિયાના રેકોર્ડ સમયમાં તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં 1363 કિલોમીટર લાંબી ફાઈબર કેબલ્સનો ઉપયોગ થયો છે. આ સુપરકમ્પ્યુટર 1 ગીગાવોટથી વધુ વીજળીનો વપરાશ કરશે અને તેનો ઉપયોગ 'ગ્રોક' ના અત્યંત એડવાન્સ વર્ઝનને ટ્રેન કરવા માટે કરવામાં આવી રહ્યો છે. એનવીડિયાના CEO જેન્સેન હુઆંગે પણ કબૂલ્યું છે કે મસ્ક જેટલી ઝડપે AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોઈ બનાવી શકતું નથી.
'એવરીથિંગ એપ' તરફ પ્રયાણ
મસ્કનો અંતિમ ધ્યેય 'ગ્રોક' ને માત્ર એક ચેટબોટ સુધી સીમિત રાખવાનો નથી, પરંતુ તેને એક 'એવરીથિંગ એપ' (Everything App) માં પરિવર્તિત કરવાનો છે. તેમની વોઇસ ટીમે માત્ર 6 મહિનામાં એવું મોડેલ તૈયાર કર્યું છે જે ઓપન-AI (OpenAI) ના લોકપ્રિય મોડેલ્સને ટક્કર આપી રહ્યું છે. મસ્ક માને છે કે 'કમ્પ્યુટ એડવાન્ટેજ' (વધુમાં વધુ મશીની શક્તિ) જ તેમને આ ટેકનોલોજી યુદ્ધમાં વિજેતા બનાવશે.








