Tech Layoffs 2026: વૈશ્વિક ટેક્નોલોજી ક્ષેત્રે નોકરીની સુરક્ષા સામે ફરી એકવાર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો થયો છે. સપ્ટેમ્બર 2026ના શરૂઆતના દિવસોમાં સામે આવેલા આંકડા ટેક પ્રોફેસનલ્સ માટે ચિંતાજનક ચિત્ર રજૂ કરે છે. વિશ્વભરની જાણીતી ટેક કંપનીઓ હવે વિશાળ સ્ટાફને બદલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ઓટોમેશન તરફ ઝડપથી વળી રહી છે. આ બદલાતા સમીકરણો વચ્ચે માત્ર સપ્ટેમ્બર મહિનાના પ્રથમ 10 જ દિવસોમાં 6,300થી વધુ કર્મચારીઓએ પોતાની રોજીરોટી ગુમાવવી પડી છે.
છટણી પાછળના મુખ્ય કારણો અને કંપનીઓની નવી રણનીતિ
ટેક ઇન્ડસ્ટ્રીમાં થઈ રહેલા આ મોટા ફેરફારો પાછળ માત્ર એક જ કારણ નથી, પરંતુ અનેક પરિબળો જવાબદાર છે. કોરોના મહામારી દરમિયાન કંપનીઓએ કરેલું જરૂર કરતાં વધુ હાયરિંગ, ધીમી પડતી આર્થિક વૃદ્ધિ અને મેનેજમેન્ટનું બિનજરૂરી મોટું કદ હવે કંપનીઓ માટે બોજ બની રહ્યું છે. કંપનીઓ હવે નફો વધારવા અને બિનજરૂરી ખર્ચ ઘટાડવા માટે સતત પ્રયત્નશીલ છે. આથી, તેઓ પરંપરાગત નોકરીઓ નાબૂદ કરીને તે નાણાંનું રોકાણ AI, ઓટોમેશન અને ક્લાઉડ કમ્પ્યુટિંગ જેવી આધુનિક ટેક્નોલોજીમાં કરી રહી છે.
અગ્રણી ગ્લોબલ અને ભારતીય ટેક બ્રાન્ડ્સનો નિર્ણય
આ છટણીની લહેરમાં વિશ્વની અગ્રણી કંપનીઓ સામેલ છે. રાઇડ-હેલિંગ પ્લેટફોર્મ ઉબેર (Uber) એ આશરે 3,300 કર્મચારીઓની છટણી કરી છે. ટેક જાયન્ટ એપલ (Apple) એ પણ પોતાની મહત્વની સેવાઓ જેવી કે Siri અને Vision Pro ટીમોમાંથી 200થી વધુ પદો રદ કર્યા છે. ડિજિટલ પેમેન્ટ કંપની પેપાલ (PayPal) એ ભારતમાં જ પોતાના 220 કર્મચારીઓને છૂટા કર્યા છે. આ ઉપરાંત ઝોમેટો (Zomato) અને ઓરેકલ (Oracle) જેવી દિગ્ગજ કંપનીઓએ પણ પોતાના સંગઠનાત્મક માળખાને નાનું અને વધુ સક્ષમ બનાવવા માટે છટણીનો સહારો લીધો છે.
'ઓછા કર્મચારીઓ અને વધુ નફો': કોર્પોરેટ જગતની નવી દિશા
ટેક ક્ષેત્રમાં અત્યારે 'Leaner and Smarter' એટલે કે ઓછા કર્મચારીઓ સાથે વધુ કાર્યક્ષમતા પ્રાપ્ત કરવાનો મંત્ર ચાલી રહ્યો છે. ઓટોમેશન અને AI ટૂલ્સની મદદથી જે કામ પહેલાં સૌથી વધુ કર્મચારીઓ કરતા હતા, તે કામ હવે અદ્યતન સૉફ્ટવેરની મદદથી ખૂબ જ ઓછા સમયમાં અને ઓછા ખર્ચે થઈ જાય છે. કંપનીઓના નિર્ધારિત લક્ષ્યાંકો હવે માનવબળ વધારવાને બદલે નફાકારકતા વધારવા પર કેન્દ્રિત બન્યા છે, જેના કારણે એન્ટ્રી-લેવલ અને મિડ-લેવલ બંને પ્રકારની નોકરીઓ પર સીધી અસર પડી રહી છે.
ભવિષ્યનો પડકાર અને આઈટી વર્કફોર્સ સામેનો યક્ષપ્રશ્ન
છટણીના આ ભયાનક વલણથી એક વાત સ્પષ્ટ થાય છે કે માત્ર પરંપરાગત ટેક સ્કિલ્સ ધરાવતા આઈટી પ્રોફેસનલ્સ માટે આગામી સમય વધુ પડકારજનક બનશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માનવ શ્રમનું સ્થાન ઝડપથી લઈ રહ્યું છે, ત્યારે કર્મચારીઓએ પોતાની ક્ષમતાઓ વધારવી અને નવી ટેક્નોલોજી સાથે અનુકૂલન સાધવું અનિવાર્ય બની ગયું છે. જો ટેક ગ્રોથની સાથે આ પ્રકારના જોબ કટ્સ ચાલુ રહેશે, તો ગ્લોબલ આઈટી માર્કેટમાં બેરોજગારીનો આંકડો વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.








