Australia Social Media Ban: ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે લાગુ કરવામાં આવેલા કડક સોશિયલ મીડિયા પ્રતિબંધ બાદ સરકારને જે પરિણામોની આશા હતી, તે સંપૂર્ણપણે મળ્યાં નથી. બાળકોને ઓનલાઈન બુલિંગ, હાનિકારક કન્ટેન્ટ અને અલ્ગોરિધમની અસરથી બચાવવાના હેતુથી લાગુ કરાયેલા આ નિયમો વચ્ચે Gen Alphaના બાળકો ફરી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ તરફ વળ્યા હોવાનું એક નવા રિપોર્ટમાં સામે આવ્યું છે. 25 ઓગસ્ટે પેરેન્ટલ કંટ્રોલ સોફ્ટવેર કંપની Qustodioના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે શરૂઆતના ઘટાડા બાદ 10થી 15 વર્ષની વયના બાળકોમાં સોશિયલ મીડિયા વપરાશ ફરી પ્રતિબંધ પહેલાંના સ્તરની નજીક પહોંચી ગયો છે.
બેન લાગુ થતાં શરૂઆતમાં વપરાશ ઘટ્યો હતો
ઓસ્ટ્રેલિયામાં ડિસેમ્બરથી 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં આ નિયમની અસર જોવા મળી હતી અને બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગમાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ તાજેતરના આંકડા દર્શાવે છે કે હવે આ ઘટાડો ઝડપથી ઓછો થઈ રહ્યો છે. ખાસ કરીને 13થી 15 વર્ષની વયના બાળકોમાં સોશિયલ મીડિયા વપરાશ ફરી પ્રતિબંધ પહેલાંના સ્તરની નજીક પહોંચ્યો હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.
TikTok પર બેન છતાં બાળકોની હાજરી યથાવત
રિપોર્ટ અનુસાર, 13થી 15 વર્ષની વયજૂથના આશરે 25.9% બાળકો હજુ પણ TikTokનો ઉપયોગ કરી રહ્યા છે. આ આંકડો પ્રતિબંધ પહેલાંની સરખામણીએ માત્ર આશરે 1 ટકા ઓછો હોવાનું જણાવાયું છે. 10થી 12 વર્ષની વયના બાળકોમાં તો ઘટાડો વધુ નજીવો રહ્યો છે. આ વયજૂથમાં TikTokના ઉપયોગમાં માત્ર 0.06 ટકાનો ઘટાડો નોંધાયો હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે. આ આંકડાઓથી સ્પષ્ટ થાય છે કે કાયદાકીય પ્રતિબંધ હોવા છતાં બાળકો સોશિયલ મીડિયા સુધી પહોંચવાના વિકલ્પો શોધી રહ્યા છે.
VPN અને ખોટી ઉંમર બની શકે છે બાળકોનું હથિયાર
સાયબર સેફ્ટી નિષ્ણાતોના મતે, કેટલાક બાળકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની ઉંમર સંબંધિત મર્યાદાઓને બાયપાસ કરવા માટે VPNનો ઉપયોગ કરી રહ્યા છે. કેટલાક બાળકો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ખોટી ઉંમર દર્શાવીને પણ પ્લેટફોર્મનો ઉપયોગ કરતા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત, પ્રતિબંધમાંથી બહાર રાખવામાં આવેલી WhatsApp જેવી મેસેજિંગ એપ્સનો ઉપયોગ પણ વધ્યો હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.
શું સોશિયલ મીડિયા બેન ખરેખર સફળ રહ્યો?
ઓસ્ટ્રેલિયન સંશોધકોના કેટલાક અભ્યાસોમાં પણ સોશિયલ મીડિયા પ્રતિબંધને કારણે બાળકો સંપૂર્ણપણે સોશિયલ મીડિયાથી દૂર થઈ ગયા હોવાના નક્કર પુરાવા મળ્યા નથી. આથી હવે સરકાર સામે સૌથી મોટો સવાલ એ છે કે માત્ર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મૂકવાથી બાળકોને ઓનલાઈન જોખમોથી ખરેખર બચાવી શકાય છે કે પછી તેમને સુરક્ષિત ડિજિટલ ઉપયોગ અંગે શિક્ષિત કરવો વધુ અસરકારક રસ્તો છે. ઓસ્ટ્રેલિયાનો આ અનુભવ વિશ્વના અન્ય દેશો માટે પણ મહત્વપૂર્ણ બની શકે છે, કારણ કે બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગને નિયંત્રિત કરવા માટે કાયદાકીય પ્રતિબંધ અને ડિજિટલ શિક્ષણ—બંનેમાંથી કયો રસ્તો વધુ અસરકારક છે તે અંગે વૈશ્વિક ચર્ચા ચાલી રહી છે.








