Apple Services Outage: દુનિયાભરમાં એપલના યુઝર્સને બુધવારની રાત્રે મોટી ટેક્નિકલ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એપલની અનેક લોકપ્રિય સેવાઓ અચાનક ઠપ થઈ જતાં iPhone, MacBook અને અન્ય એપલ ડિવાઇસ વાપરતા લાખો યુઝર્સ પરેશાન થયા હતા. iCloud, App Store, Apple Pay, Apple Music અને સપોર્ટ સર્વિસ સહિતની સેવાઓમાં અવરોધ સર્જાયો હતો. ભારત સહિત અનેક દેશોના યુઝર્સે સોશિયલ મીડિયા પર પોતાની મુશ્કેલીઓ વ્યક્ત કરી હતી. ખાસ વાત એ છે કે છેલ્લા એક જ અઠવાડિયામાં આ ચોથો મોટો ટેક્નિકલ આઉટેજ છે.
એપલની કઈ-કઈ સેવાઓમાં સર્જાયો અવરોધ?
આઉટેજ ટ્રેક કરતી જાણીતી વેબસાઇટ Downdetector પર હજારો ફરિયાદો નોંધાઈ હતી. યુઝર્સને એપલની અલગ-અલગ સેવાઓનો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડી હતી.
iCloud: અનેક યુઝર્સે ફરિયાદ કરી હતી કે તેમના iPhone અને Mac ડિવાઇસમાંથી અચાનક iCloud લોગઆઉટ થઈ ગયું હતું. વારંવાર ટેક્નિકલ એરર આવતાં ફરીથી લોગઇન કરવામાં મુશ્કેલી પડી હતી.
App Store: એપલ યુઝર્સને નવા એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં અને App Store એક્સેસ કરવામાં અડચણોનો સામનો કરવો પડ્યો હતો.
Apple Pay: ડિજિટલ પેમેન્ટ કરતી વખતે યુઝર્સને મુશ્કેલી પડી હતી. કેટલીક જગ્યાએ ખરીદી દરમિયાન પેમેન્ટ ટ્રાન્ઝેક્શન અટકી ગયાં હતાં.
Apple Music: સંગીતના શોખીનો પણ આ આઉટેજથી પ્રભાવિત થયા હતા. અમેરિકા સહિતના દેશોમાં યુઝર્સ મ્યુઝિક સ્ટ્રીમ કરી શક્યા નહોતા.
iPhone Activation અને Developer Tools: નવા ડિવાઇસને એક્ટિવેટ કરવા માગતા ગ્રાહકો અટવાયા હતા. આ ઉપરાંત ડેવલપર્સ માટેની App Store Connect સર્વિસમાં પણ અવરોધ સર્જાયો હતો, જેની અસર તેમના કામકાજ પર પડી હતી.
એક જ અઠવાડિયામાં ચોથો મોટો ટેક્નિકલ આઉટેજ
છેલ્લા સાત દિવસમાં અમેરિકામાં ટેક્નોલોજી અને ડિજિટલ સેવાઓને લગતી આ ચોથી મોટી ઘટના હોવાનું સામે આવ્યું છે. આ સિલસિલાની શરૂઆત ગત ગુરુવારે માઇક્રોસોફ્ટની સેવાઓમાં સર્જાયેલા મોટા આઉટેજથી થઈ હતી. ત્યારબાદ એરલાઇન્સની કમ્યુનિકેશન સિસ્ટમમાં અચાનક અવરોધ સર્જાયો હતો. મંગળવારે અમેરિકાની બેંકિંગ સિસ્ટમમાં પણ થોડા સમય માટે મોટો ટેક્નિકલ અવરોધ જોવા મળ્યો હતો. હવે એપલની લોકપ્રિય સેવાઓ ઠપ થતાં ડિજિટલ સિસ્ટમની વિશ્વસનીયતા અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે.
ધીમે-ધીમે સેવાઓ સામાન્ય થઈ
આઉટેજની જાણ થતાં જ એપલના એન્જિનિયરોએ ટેક્નિકલ ખામી દૂર કરવા કામગીરી શરૂ કરી હતી. ત્યારબાદ ધીમે-ધીમે સેવાઓ ફરી શરૂ થવા લાગી હતી અને યુઝર્સ સામાન્ય રીતે પોતાના ડિવાઇસનો ઉપયોગ કરી શકતા થયા હતા. જોકે, આ ટેક્નિકલ ખામી પાછળનું ચોક્કસ કારણ શું હતું તે અંગે એપલ તરફથી સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ ઘટનાએ ફરી એકવાર બતાવ્યું છે કે ડિજિટલ સેવાઓ પર વધતી નિર્ભરતા વચ્ચે એક નાની ટેક્નિકલ ખામી પણ દુનિયાભરના લાખો યુઝર્સને મુશ્કેલીમાં મૂકી શકે છે.








