AI Workload Bengaluru Techie Video: AI આવતા જ એવો દાવો કરવામાં આવ્યો હતો કે, તેનાથી માનવ શ્રમ ઘટશે અને કામ કરવાની પ્રક્રિયા વધુ સરળ બનશે. જોકે, આઇટી હબ તરીકે ઓળખાતા બેંગલુરુના એક ટેક પ્રોફેશનલે સોશિયલ મીડિયા પર શેર કરેલા વીડિયોમાં સાવ અલગ જ વાસ્તવિકતા દર્શાવી છે. તેમના જણાવ્યા મુજબ AI ટુલ્સના કારણે કામ સરળ થવાને બદલે મેનેજમેન્ટ અને લીડર્સની અપેક્ષાઓ આસમાને પહોંચી ગઈ છે, જેના લીધે કર્મચારીઓ પર વર્કલોડ અને માનસિક દબાણ ઘણું વધી ગયું છે.
સરળ કામથી શરૂ થઈને નોકરીના ડર અને અપેક્ષાઓ સુધીની સફર
ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતા રૂપાલી તિવારી નામના ટેક પ્રોફેશનલે જણાવ્યું હતું કે, શરૂઆતમાં જ્યારે AI ટુલ્સનો ઉપયોગ શરૂ થયો ત્યારે બધાને લાગતું હતું કે દૈનિક કામકાજ ઘણું સરળ થઈ ગયું છે પરંતુ, સાથે સાથે નોકરી જવાનો ડર પણ સતાવતો હતો. થોડા સમય પછી પરિસ્થિતિ તદ્દન બદલાઈ ગઈ. કંપનીના મેનેજરો એવું માનવા લાગ્યા કે, જો AI આટલું બધું કામ ઓટોમેટિક કરી રહ્યું છે તો કર્મચારીઓ હવે પહેલા કરતાં ઘણી વધુ જવાબદારીઓ એકસાથે સંભાળી શકે છે.
કર્મચારીઓને એક સમયે 5ના બદલે 25 ટાસ્ક
રૂપાલીના દાવા મુજબ, પહેલા જે પ્રોજેક્ટમાં એક કર્મચારીને 5 ટાસ્ક આપવામાં આવતા હતા ત્યાં હવે તેને 20થી 25 કામ સોંપવામાં આવી રહ્યા છે. હવે તમે ગમે તેટલું કામ કરો તો પણ મેનેજમેન્ટ માટે તે પૂરતું નથી હોતું. રૂપાલીએ પોતાના એક સોફ્ટવેર એન્જિનિયર મિત્રનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે, તે એક મોટી કંપનીમાં એકસાથે આશરે 10 પ્રોજેક્ટ સંભાળી રહ્યો છે, જ્યાં તે પોતે જ કોડિંગ કરે છે, પોતે જ રિવ્યુ કરે છે અને પોતે જ તેને ડિપ્લોય પણ કરે છે.
10 વર્ષનું કામ 6 મહિનામાં પૂરું કરવાનો ટાર્ગેટ
વીડિયોમાં રૂપાલીએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, AI આવ્યા પછી કામ કરવાની ઝડપ અને કંપનીઓની અપેક્ષાઓ એટલી હદે વધી ગઈ છે જાણે કે તેઓ 10 વર્ષનું કામ 6 મહિના કે 1 વર્ષમાં પૂરું કરાવવા માંગતા હોય. તેમણે એ સવાલ પણ પૂછ્યો કે, શું આ અનુભવ માત્ર તેમની કંપની કે આઇટી સેક્ટર પૂરતો મર્યાદિત છે, કે પછી અન્ય ક્ષેત્રોના કર્મચારીઓ પણ આ જ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.
કાર્યક્ષમતા અને બર્નઆઉટ વચ્ચેનું સંતુલન
AI અને વર્કપ્લેસ કલ્ચર અંગે તાજેતરમાં થયેલા વૈશ્વિક સર્વેક્ષણો પણ આ જ વાસ્તવિકતા તરફ ઈશારો કરે છે.
પ્રોડક્ટિવિટી વિરુદ્ધ બર્નઆઉટ: વૈશ્વિક રિસર્ચ મુજબ AIના ઉપયોગથી પ્રોડક્ટિવિટી વધે છે પરંતુ તે કર્મચારીઓ માટે 'બર્નઆઉટ' (અતિશય થાક અને માનસિક તણાવ) નું કારણ પણ બની રહી છે.
જવાબદારીનો મલ્ટિપ્લાયર: કંપનીઓ નવા કર્મચારીઓની ભરતી કરવાને બદલે હાલના કર્મચારીઓ પાસે જ AI ના નામે 2x થી 3x વધુ કામ કરાવી રહી છે.
નૈતિક ઉપયોગની જરૂરિયાત: નિષ્ણાતો માને છે કે, જો કંપનીઓ AIનો ઉપયોગ કર્મચારીઓનું શોષણ કરવાને બદલે તેમના કલ્યાણ અને કામના કલાકો ઘટાડવા માટે કરે તો જ AIના સાચા લાભો મેળવી શકાય છે. રૂપાલીની આ પોસ્ટ પર હજારો નેટિઝન્સે સહમતિ દર્શાવી છે. હવે મોટો સવાલ એ જ ઊભો થાય છે કે, શું AI કર્મચારીઓનું કામ સરળ બનાવવા આવ્યું છે કે પછી કંપનીઓ માટે વધુ આઉટપુટ મેળવવાનું સાધન બની ગયું છે.








