ટેકનોલોજી

AI સામે હજારો લોકો રસ્તા પર ઊતર્યા, માઇક્રોસોફ્ટના ડેટા સેન્ટરમાં ઘૂસ્યા, પાણી પર પણ સંકટ!

9 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
AI સામે હજારો લોકો રસ્તા પર ઊતર્યા, માઇક્રોસોફ્ટના ડેટા સેન્ટરમાં ઘૂસ્યા, પાણી પર પણ સંકટ!

AI Data Center Protest In America: અમેરિકા અને યુરોપમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સામે ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. લોકોની ફરિયાદ એ છે કે AI ચલાવવા માટે જે ડેટા સેન્ટર્સ બનાવવામાં આવી રહ્યા છે તેના કારણે વિશ્વભરમાં પાણીની અછત સર્જાઈ શકે છે અને સામાન્ય લોકો પર તેની ગંભીર અસર પડશે. AIની મદદથી લોકો હવે તસવીરો બનાવી રહ્યા છે, વીડિયો તૈયાર કરી રહ્યા છે, પ્રશ્નોના જવાબો મેળવી રહ્યા છે અને પોતાનું કામ સરળ બનાવી રહ્યા છે. પરંતુ આ જ AIને ચલાવતી ટેક્નોલોજી વિરુદ્ધ યુરોપમાં હજારો લોકો રસ્તા પર ઊતરી આવ્યા છે.

AIની સામે લોકો કેમ વિરોધ કરી રહ્યા છે?

આયર્લેન્ડની રાજધાની ડબલિનથી લઈને ફિનલેન્ડના હેલસિંકી સુધી દેખાવો થયા છે. અમેરિકામાં પણ AI વિરુદ્ધ ઘણી જગ્યાએ મહિનાઓથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. નેધરલેન્ડ્સના એમ્સ્ટર્ડમમાં તો પ્રદર્શનકારીઓ માઇક્રોસોફ્ટના એક ડેટા સેન્ટરની કન્સ્ટ્રક્શન સાઇટમાં ઘૂસી ગયા હતા. સવાલ એ છે કે જે ટેક્નોલોજીને દુનિયા ભવિષ્ય માની રહી છે, તેની સામે લોકો વિરોધ કેમ કરી રહ્યા છે? હકીકતમાં, AI પાછળ માત્ર ચેટબોટ કે કોઈ સોફ્ટવેર હોતું નથી. તેના માટે મોટા-મોટા ડેટા સેન્ટર્સ બનાવવામાં આવી રહ્યા છે. આ ઈમારતોમાં હજારો સર્વર્સ લાગેલા હોય છે, જે AI મૉડલ્સને ટ્રેન કરવાથી લઈને યુઝર્સના પ્રશ્નોના જવાબો આપવા સુધીનું કામ કરે છે.

વીજળી, પાણી અને પર્યાવરણને લઈને ચિંતા

આ સર્વર્સને સતત વીજળી જોઈએ છે અને તેમને ઠંડા રાખવા માટે કૂલિંગ સિસ્ટમ્સ પણ સતત ચાલતી રહે છે. આ જ કારણે ડેટા સેન્ટરોની વધતી સંખ્યા હવે વીજળી, પાણી અને પર્યાવરણને લઈને ચિંતા વધારી રહી છે. એટલું જ નહીં, AI ડેટા સેન્ટરમાં વપરાતા ચિપસેટ્સના કારણે વિશ્વભરમાં ગેજેટ્સ પણ ઝડપથી મોંઘા થઈ રહ્યા છે, જેની સૌથી વધુ અસર સ્માર્ટફોનની કિંમતો પર પડી રહી છે.

ડબલિન અને હેલસિંકીમાં હજારો લોકો રસ્તા પર ઊતર્યા
7 નવેમ્બરે આયર્લેન્ડના ડબલિનમાં ડેટા સેન્ટર્સ સામે મોટો વિરોધ જોવા મળ્યો હતો. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, તેમાં લગભગ 2,000 લોકો જોડાયા હતા. જ્યારે ફિનલેન્ડની રાજધાની હેલસિંકીમાં લગભગ 1,300 લોકોએ પ્રદર્શન કર્યું હતું. ફિનલેન્ડના અન્ય નાના શહેરોમાં પણ આ પ્રકારનો વિરોધ જોવા મળ્યો હતો. ડબલિનમાં પ્રદર્શનકારીઓ શહેરના પાર્નેલ સ્ક્વેરથી કૂચ કરીને આઇરિશ સંસદ તરફ પહોંચ્યા હતા.

'Stop Dirty Data Centres' નામના અભિયાન હેઠળ પ્રદર્શનો થયા

તેમની માંગ હતી કે જ્યાં સુધી ડેટા સેન્ટરોની પર્યાવરણ અને સામાન્ય લોકો પર પડતી અસરોનું યોગ્ય આકલન ન થાય ત્યાં સુધી નવા ડેટા સેન્ટરો બનાવવા પર રોક લગાવવામાં આવે. પ્રદર્શનકારીઓને વીજળીના વધતા બિલ, પાણીનો વધુ વપરાશ અને સ્થાનિક લોકોના અભિપ્રાયની અવગણના થવા અંગે ચિંતા છે. આ પ્રદર્શનો 'Stop Dirty Data Centres' નામના અભિયાન હેઠળ થયા હતા. તેમાં પર્યાવરણ અને સ્થાનિક અધિકારો સાથે જોડાયેલા ઘણા જૂથો સામેલ છે. આ અભિયાન સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે મોટી ટેક કંપનીઓને પૂરતી જાહેર ચર્ચા વિના નવા ડેટા સેન્ટર્સ બનાવવાની છૂટ મળવી જોઈએ નહીં.

માઇક્રોસોફ્ટના ડેટા સેન્ટરમાં ઘૂસ્યા પ્રદર્શનકારીઓ
યુરોપમાં વિરોધની સૌથી મોટી તસવીર 6 નવેમ્બરે નેધરલેન્ડ્સના એમ્સ્ટર્ડમમાંથી સામે આવી હતી. અહીં માઇક્રોસોફ્ટના નવા ડેટા સેન્ટરની કન્સ્ટ્રક્શન સાઇટ પર પ્રદર્શનકારીઓ ઘૂસી ગયા હતા. કેટલાક લોકો બાંધકામ સ્થળે લાગેલી ક્રેન પર ચઢી ગયા અને ફ્લેયર્સ સળગાવ્યા હતા. પોલીસ સાથે પણ તેમની અથડામણ થઈ હતી. એસિસોએટેડ પ્રેસ અનુસાર, ડચ પોલીસે આ મામલે લગભગ 150 થી 200 લોકોને પરવાનગી વિના સાઇટમાં ઘૂસવાના આરોપસર અટકાયતમાં લીધા હતા. આ કાર્યવાહી ડેટા સેન્ટર્સ સામે ચાલી રહેલા મોટા વિરોધ વચ્ચે થઈ હતી. જોકે, એમ્સ્ટર્ડમમાં સાઇટની અંદર ઘૂસવાનું આ પગલું એક અલગ સ્થાનિક જૂથે ભર્યું હતું. માઇક્રોસોફ્ટે જણાવ્યું હતું કે, તે લોકોના શાંતિપૂર્ણ વિરોધ કરવાના અધિકારનું સન્માન કરે છે, પરંતુ ગેરકાયદેસર કે સુરક્ષાને જોખમમાં મૂકતી પ્રવૃત્તિઓને સમર્થન આપતું નથી. કંપનીનું કહેવું છે કે તે આ પ્રોજેક્ટને લઈને લોકોની ચિંતાઓને સમજે છે.

ડેટા સેન્ટરથી વીજળી અને પાણીનો વપરાશ કેમ વધે છે?
ડેટા સેન્ટરને સરળ ભાષામાં ઇન્ટરનેટ અને ડિજિટલ સેવાઓનું મોટું ગોડાઉન ગણી શકાય. જ્યારે તમે ક્લાઉડ પર ફોટો સેવ કરો છો, વીડિયો જુઓ છો કે AI ચેટબોટને સવાલ પૂછો છો, ત્યારે બેકએન્ડમાં ક્યાંક ને ક્યાંક ડેટા સેન્ટરના સર્વર્સ કામ કરી રહ્યા હોય છે. AIની વધતી માંગ સાથે આ સર્વર્સની સંખ્યા અને તેમની કમ્પ્યુટિંગ ક્ષમતા પણ વધી રહી છે. ખાસ કરીને મોટા AI મૉડલ્સને ટ્રેન કરવા અને ચલાવવા માટે ખૂબ મોટા પ્રમાણમાં કમ્પ્યુટિંગ પાવરની જરૂર પડે છે, જેનાથી વીજળીની માંગ વધે છે. સર્વર્સ સતત ગરમ થતા હોવાથી તેમને ઠંડા રાખવા માટે કૂલિંગ સિસ્ટમ્સ ચલાવવી પડે છે, જેમાં ઘણા ડેટા સેન્ટર્સ મોટા પાયે પાણીનો ઉપયોગ કરે છે.

સુવિધાઓનો ખર્ચ ક્યાંક સામાન્ય લોકોના વીજળી બિલ પર નહી થોયાય ને?

આ જ કારણ છે કે સ્થાનિક લોકો પૂછી રહ્યા છે કે જો કોઈ વિસ્તારમાં મોટી સંખ્યામાં ડેટા સેન્ટર્સ બનશે, તો ત્યાંના ઘરો, વેપાર-ધંધા અને અન્ય ઉદ્યોગો માટે વીજળી અને પાણી કેટલા બચશે. તેમને એ પણ ચિંતા છે કે આ સુવિધાઓનો ખર્ચ ક્યાંક સામાન્ય લોકોના વીજળી બિલ પર તો નહીં થોપવામાં આવે.

આયર્લેન્ડમાં વીજ વપરાશને લઈને મોટી ચિંતા
ડેટા સેન્ટર કંપનીઓ માટે આયર્લેન્ડ યુરોપના મુખ્ય કેન્દ્રોમાં સામેલ છે. માઇક્રોસોફ્ટ, એમેઝોન અને ગૂગલ જેવી કંપનીઓએ ત્યાં મોટું રોકાણ કર્યું છે. પરંતુ ઝડપથી વધી રહેલા ડેટા સેન્ટર્સને લીધે વીજ વપરાશ પર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. આયર્લેન્ડની એજન્સીના આંકડા મુજબ, 2025માં દેશના કુલ મીટર થયેલા વીજ વપરાશનો 23 ટકા હિસ્સો માત્ર ડેટા સેન્ટરોએ વાપર્યો હતો. આ આંકડો દર્શાવે છે કે ડેટા સેન્ટર્સ હવે વીજ વ્યવસ્થાનો કેટલો મોટો ભાગ બની ચૂક્યા છે. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે જ્યારે સામાન્ય લોકો મોંઘી વીજળીના ભાવનો સામનો કરી રહ્યા છે, ત્યારે મોટી ટેક કંપનીઓ માટે આટલી બધી વીજળી પૂરી પાડવી એ પ્રાથમિકતા હોવી જોઈએ કે નહીં તે અંગે ચર્ચા થવી જોઈએ. ડબલિનમાં વિરોધ પ્રદર્શન દરમિયાન વીજળી બિલ, પાણી અને સ્થાનિક સમુદાયો પર અસર જેવા મુદ્દાઓ મુખ્ય રહ્યા હતા.

શું ડેટા સેન્ટરથી દેશને ફાયદો પણ થાય છે?
આ ચર્ચાનું બીજું પાસું પણ છે. ડેટા સેન્ટર બનાવવા અને ચલાવવા પાછળ કંપનીઓ અબજો રૂપિયાનું રોકાણ કરે છે. તેનાથી બાંધકામ દરમિયાન રોજગારી ઊભી થાય છે, સ્થાનિક વ્યવસાયોને કામ મળે છે અને સરકારને ટેક્સની આવક થાય છે. ક્લાઉડ કમ્પ્યુટિંગ અને AI જેવી સેવાઓ માટે ડેટા સેન્ટર્સ જરૂરી ડિજિટલ માળખું પણ પૂરું પાડે છે. આયર્લેન્ડ સરકાર દ્વારા કરાયેલા એક રિપોર્ટ અનુસાર, 2010 પછી ડેટા સેન્ટર ઉદ્યોગે દેશના અર્થતંત્રમાં 22 અબજ યુરોનું યોગદાન આપ્યું છે અને લગભગ 17 હજાર વધારાની નોકરીઓનું સર્જન કર્યું છે. રિપોર્ટમાં 2.8 અબજ યુરોના ટેક્સ યોગદાનનો પણ ઉલ્લેખ છે. આયર્લેન્ડ સરકાર ડેટા સેન્ટરોને દેશ માટે વ્યૂહાત્મક તક માને છે.

AIની રેસમાં યુરોપ સામે નવો પડકાર
અમેરિકા અને ચીનની સામે AI ક્ષેત્રે પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે યુરોપ પણ મોટા રોકાણોને પ્રોત્સાહન આપી રહ્યું છે. કંપનીઓ નવા ડેટા સેન્ટર્સ બનાવી રહી છે અને સરકારો તેને ડિજિટલ અર્થતંત્ર માટે જરૂરી માને છે. પરંતુ સ્થાનિક સ્તરે થઈ રહેલો વિરોધ હવે આ વિસ્તરણની ગતિ સામે મોટો પડકાર બની રહ્યો છે.

એક જગ્યાએ પર્યાવરણીય મંજૂરીઓ પૂર્વે જ જંગલો સાફ કરવાના આક્ષેપ
ફિનલેન્ડમાં પણ ડેટા સેન્ટરોના વિસ્તરણ સામે સવાલો ઊઠ્યા છે. ગૂગલે સપ્ટેમ્બરમાં દેશમાં 13 અબજ યુરોના રોકાણની જાહેરાત કરી હતી, જેમાં હાલના ડેટા સેન્ટરનું વિસ્તરણ અને બે નવા ડેટા સેન્ટર્સ બનાવવાની યોજના સામેલ છે. આ દરમિયાન એક બાંધકામ સ્થળે પર્યાવરણીય મંજૂરીઓ પૂર્ણ થાય તે પહેલાં જ જંગલો સાફ કરવા અને જમીન તૈયાર કરવાના આક્ષેપો સામે આવ્યા છે, જેની તપાસ પણ શરૂ થઈ ચૂકી છે. યુરોપમાં થઈ રહેલા આ વિરોધનો અર્થ એ નથી કે લોકો AI ટેક્નોલોજીનો સંપૂર્ણ અંત લાવવા માંગે છે. પ્રદર્શનકારીઓની મુખ્ય માંગ નવા મોટા ડેટા સેન્ટરોના નિર્માણ પર અસ્થાયી રોક લગાવવાની અને તેની અસરોનું પારદર્શક આકલન કરવાની છે. તેઓ ઈચ્છે છે કે આવા નિર્ણયોમાં સ્થાનિક સમુદાયોની રાય પણ સામેલ કરવામાં આવે.

Tags:
Microsoft Data CentreIrelandGreen TechWater ScarcityAI Sustainability
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026