1980s fashion craze on social media: સોશિયલ મીડિયા પર હાલ ‘What would I look like in the 80s?’ નામનો AI ફોટો ટ્રેન્ડ જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. લોકો પોતાની હાલની તસવીર AI ટૂલમાં અપલોડ કરીને પોતાને 1980ના દાયકાની ફિલ્મોના હીરો-હીરોઈન જેવા લુકમાં જોઈ રહ્યા છે. વિન્ટેજ હેરસ્ટાઇલ, જૂના જમાનાના કપડાં, જ્વેલરી, બેકગ્રાઉન્ડ અને ફિલ્મ કેમેરાની સ્ટાઇલ સાથે તૈયાર થતા આ ફોટા સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. આ ટ્રેન્ડની ચોક્કસ શરૂઆત અંગે સ્પષ્ટ પુરાવો નથી, પરંતુ ટ્રેન્ડ-ટ્રેકિંગ માહિતી મુજબ ઑગસ્ટ 2026ના અંતમાં Instagram Reel બાદ તેની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે અને 6 સપ્ટેમ્બર આસપાસ તે ઝડપથી વાયરલ થયો હતો.
AI 80s સ્ટાઇલમાં નવો ફોટો તૈયાર કરી શકે
ભારતમાં Promptgallery.ig જેવા Instagram પેજ પર દક્ષિણ ભારતીય કલાકારોના 1980ના દાયકાના કોલેજ ડ્રામા લુકવાળા AI ફોટા શેર થયા બાદ ટ્રેન્ડને વધુ વેગ મળ્યો હતો. ખાસ વાત એ છે કે આ ટ્રેન્ડ માટે લાંબો કે મુશ્કેલ પ્રોમ્પ્ટ લખવાની જરૂર નથી. પોતાની તસવીર અપલોડ કરીને માત્ર ‘What would I look like in the 80s?’ લખવાથી AI 80s સ્ટાઇલમાં નવો ફોટો તૈયાર કરી શકે છે. જોકે, વધુ ચોક્કસ પરિણામ માટે યુઝર્સ હેરસ્ટાઇલ, કપડાં, મેકઅપ, ચશ્માં, જ્વેલરી, લાઇટિંગ, બેકગ્રાઉન્ડ, કલર ટોન અથવા બ્લેક એન્ડ વ્હાઇટ લુક જેવી વધારાની સૂચનાઓ પણ આપી શકે છે. 1985 જેવા ચોક્કસ વર્ષનો ઉલ્લેખ કરીને તે સમયની ફોટોગ્રાફી જેવી તસવીર પણ બનાવી શકાય છે.
નેતાઓએ પણ ટ્રેન્ડમાં ભાગ લીધો હોવાનું જણાવાયું
આ ટ્રેન્ડ માત્ર સામાન્ય સોશિયલ મીડિયા યુઝર્સ પૂરતો સીમિત રહ્યો નથી. ભારતમાં કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા સહિતની સેલિબ્રિટીઓએ 80s સ્ટાઇલમાં AI તસવીરો શેર કરી છે, જ્યારે તમન્ના ભાટિયા, લિસા રે, સામંથા રૂથ પ્રભુ, ત્રિશા અને સાઈ પલ્લવીના વિન્ટેજ લુક પણ ચર્ચામાં રહ્યા છે. રાજકારણીઓમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે પોતાનો 80s લુક શેર કર્યો હતો. હેમંત બિસ્વા સરમા, શેહઝાદ પૂનાવાલા, રમેશ ચન્નિથલા અને એ.એ. રહીમ સહિતના નેતાઓએ પણ ટ્રેન્ડમાં ભાગ લીધો હોવાનું જણાવાયું છે. શ્રીલંકાના ક્રિકેટર લસિથ મલિંગા અને કવિ કુમાર વિશ્વાસે પણ પોતાના વિન્ટેજ AI ફોટા શેર કર્યા છે. બ્રાઝિલમાં તો એક સપ્તાહમાં આ ટ્રેન્ડના ઉપયોગમાં 5,000 ટકાનો વધારો નોંધાયો હોવાનું કહેવાય છે.
‘હું બીજા કોઈ જમાનામાં જીવતો હોત તો કેવો દેખાત?’
Instagram આ ટ્રેન્ડનું મુખ્ય કેન્દ્ર બન્યું છે, ખાસ કરીને Storiesમાં ‘Add Yours’ સ્ટિકરે લોકોને પોતાની તસવીરો શેર કરવા અને અન્ય લોકોને જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા છે. ત્યારબાદ આ ટ્રેન્ડ TikTok, Facebook અને X સુધી પણ પહોંચ્યો છે. તેની લોકપ્રિયતા પાછળ nostalgia, AI અને self-imageનું અનોખું મિશ્રણ છે. 80ના દાયકાની ફેશનમાં હાઈ-વેસ્ટ જીન્સ, પોલ્કા ડોટ અથવા પ્રિન્ટેડ શર્ટ, મોટી બુટ્ટીઓ, વોલ્યુમિનસ હેર, બેલ-બોટમ પેન્ટ અને વિન્ટેજ સનગ્લાસીસ જેવા લુક લોકોને આકર્ષી રહ્યા છે. ખાસ વાત એ છે કે આ જ ટેક્નોલોજીથી 50s, 60s, 70s, 90s કે 1920sના જમાનાનો લુક પણ બનાવી શકાય છે. એટલે ટ્રેન્ડનો મૂળ વિચાર માત્ર 80s નહીં, પરંતુ ‘હું બીજા કોઈ જમાનામાં જીવતો હોત તો કેવો દેખાત?’ એ કલ્પનાને AI મારફતે સાકાર કરવાનો છે.








