Jio vs Starlink Satellite internet India: ભારતના મોટાભાગના વિસ્તારોમાં આજે ફાઈબર કેબલ દ્વારા ઈન્ટરનેટ પહોંચી ચૂક્યું છે. પરંતુ હજુ પણ ઘણા એવા પહાડી, જંગલી અને અંતરિયાળ વિસ્તારો છે જ્યાં કેબલ બિછાવવું અત્યંત મુશ્કેલ છે. હવે આવા વિસ્તારોમાં સીધું આકાશમાંથી 'સેટેલાઇટ બેસ્ડ ઈન્ટરનેટ' પહોંચાડવામાં આવશે. ભારત સરકારે આ માટે મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો, ઈલોન મસ્કની સ્ટારલિંક અને એરટેલની વનવેબ એમ ત્રણ મોટી કંપનીઓને લાયસન્સ આપી દીધું છે. સિક્યોરિટી ક્લિયરન્સ અને સ્પેક્ટ્રમની હરાજી બાદ ટૂંક સમયમાં ભારતમાં આ સેવાઓ શરૂ થશે.
ફાઈબર કેબલ અને સ્ટારલિંકના ઈન્ટરનેટ પ્લાનની કિંમતમાં તફાવત
ભારતમાં હાલ રિલાયન્સ જિયો અને એરટેલ જેવી કંપનીઓ ફાઈબર કેબલ દ્વારા સસ્તું ઈન્ટરનેટ પૂરું પાડે છે. બંને કંપનીઓના શરૂઆતી પ્લાનની વાત કરીએ તો, 100mbpsની સ્પીડ આપતો પ્લાન દર મહિને માત્ર 599 રૂપિયામાં મળી રહે છે. બીજી તરફ, ભારતમાં સેટેલાઇટ ઈન્ટરનેટના પ્લાનની કિંમત હજુ જાહેર થઈ નથી, પરંતુ સ્ટારલિંક અમેરિકામાં પોતાની સેવાઓ આપી રહી છે. અમેરિકાના શિકાગોમાં સ્ટારલિંકનો શરૂઆતી 100 MBPSનો રેસિડેન્શિયલ પ્લાન 60.50 ડોલર (અંદાજે 5,600 રૂપિયા) પ્રતિ માસનો છે, જે ફાઈબર કરતા ઘણો મોંઘો છે.
ઇન્સ્ટોલેશન ચાર્જ: ફાઈબર મફત, જ્યારે સેટેલાઇટમાં ચૂકવવા પડશે પૈસા
ભારતમાં ફાઈબર કેબલનું ઇન્સ્ટોલેશન (રાઉટર અને વાયરિંગ) લગભગ મફત હોય છે. મોટાભાગની કંપનીઓ 3 મહિનાનો એડવાન્સ પ્લાન લેવા પર ઇન્સ્ટોલેશન ફ્રી આપે છે પરંતુ, સેટેલાઇટ ઈન્ટરનેટ માટે ઘરની છત પર એક ખાસ 'ટર્મિનેટર' (ડિશ જેવું ઉપકરણ) લગાવવું પડે છે. સ્ટારલિંકના અમેરિકન પોર્ટલ મુજબ, હાર્ડવેરની કિંમત ઝીરો છે (પરંતુ સર્વિસ બંધ થતાં પાછું આપવું પડે છે), જ્યારે પ્રોફેશનલ ઇન્સ્ટોલેશનનો ચાર્જ 99 ડોલર (લગભગ 9,000 રૂપિયા) થાય છે.
સેટેલાઇટથી તમારા ઘર સુધી ઈન્ટરનેટ કેવી રીતે પહોંચે છે?
સેટેલાઇટ ઈન્ટરનેટ માર્કેટમાં ઈલોન મસ્કની 'સ્ટારલિંક' સૌથી જૂની અને મોટી ખેલાડી છે. સ્ટારલિંક પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં (Low Earth Orbit - LEO) હજારો નાના સેટેલાઇટનો સમૂહ સ્થાપિત કરે છે. આ તમામ સેટેલાઇટ અવકાશમાં એકબીજા સાથે જોડાઈને વિશાળ નેટવર્ક બનાવે છે. ગ્રાહકના ઘરની છત પર લગાવેલું ટર્મિનેટર સીધું આ સેટેલાઇટના સિગ્નલ ઝીલે છે અને કેબલ મારફતે ઘરના વાઈ-ફાઈ (Wi-Fi) રાઉટર સુધી પહોંચાડે છે. આ રાઉટર આખા ઘરમાં વાયરલેસ ઈન્ટરનેટ પૂરું પાડે છે.
સેટેલાઇટ ઈન્ટરનેટનો સૌથી મોટો ફાયદો કોને થશે?
સેટેલાઇટ ઈન્ટરનેટની ટેકનોલોજીનો સૌથી મોટો ફાયદો દેશના સીમાવર્તી, પહાડી અને આદિવાસી વિસ્તારોને થશે જ્યાં મોબાઈલ ટાવર કે ફાઈબર લાઈન નથી. આ સેવા શરૂ થતાં ગામડાંના વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ મળશે, ટેલિમેડિસિન દ્વારા આરોગ્ય સેવાઓ સુધરશે અને વર્ક ફ્રોમ હોમ કરતા પ્રોફેશનલ્સને રિમોટ એરિયામાંથી પણ સીમલેસ કનેક્ટિવિટી મળશે.
જિયો અને એરટેલનો મોટો યુઝરબેઝ
ભારતમાં જિયો અને એરટેલનો અત્યંત મોટો અને વફાદાર ગ્રાહક વર્ગ છે. અન્ય વિકસિત દેશોની સરખામણીમાં ભારતમાં ડેટાના ભાવ વિશ્વમાં સૌથી સસ્તા છે. ભારતીય ગ્રાહકો માત્ર નવી ટેકનોલોજીથી જ પ્રભાવિત થતા નથી, પરંતુ 'કિંમત' તેમના માટે સૌથી મોટું પરિબળ છે. ઈલોન મસ્કની સ્ટારલિંક અત્યાધુનિક ટેકનોલોજી ધરાવે છે, પરંતુ જો તેને ભારતમાં સફળ થવું હશે તો તેના પ્લાન અને ઇન્સ્ટોલેશન ચાર્જ જિયો અને એરટેલની હરીફાઈમાં પરવડે તેવા રાખવા પડશે. ટૂંક સમયમાં TRAI દ્વારા સ્પેક્ટ્રમ ફાળવણીના નિયમો સ્પષ્ટ થયા બાદ કંપનીઓ પોતપોતાના પેકેજ જાહેર કરશે.








