Zimbabwe beat Australia for second time in ICC T20 World: ઝિમ્બાબ્વેએ ICC T20 વર્લ્ડ કપ 2026નો સૌથી મોટી મેચ સૌથી રોમાંચક રીતે રમી અને, ઓસ્ટ્રેલિયાને 23 રને હરાવ્યું. T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં આ બીજી વખત છે જ્યારે ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. ઝિમ્બાબ્વેએ છેલ્લે 2007માં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. આ બીજી વખત છે જ્યારે ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને કચડીને ઇતિહાસ રચ્યો છે.
અનુભવી ખેલાડીઓ વિના કર્યું શાનદાર પ્રદર્શન
કોલંબોમાં રમાયેલી આ મેચમાં ઝિમ્બાબ્વેએ પહેલા બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 169 રન બનાવ્યા હતા. જવાબમાં, મેથ્યુ રેનશોની ફિફ્ટી છતાં, કાંગારૂઓ 19.3 ઓવરમાં ફક્ત 146 રન જ બનાવી શક્યા હતા. આમ, ઝિમ્બાબ્વેએ અનુભવી ખેલાડીઓ વિના શાનદાર પ્રદર્શન કર્યું.
કાંગારુઓએ ઝિમ્બાબ્વેની બોલિંગ સામે ઝૂક્યું
170 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે, ઓસ્ટ્રેલિયા ઝિમ્બાબ્વેની બોલિંગ સામે સરળતાથી હાર માની ગયું. ઝિમ્બાબ્વેના ફાસ્ટ બોલર, બ્લેસિંગ મુઝરબાનીએ પોતાના ચાર ઓવરના સ્પેલમાં 17 રન આપીને 4 વિકેટ લીધી. આ પ્રદર્શન માટે તેમને પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યા. મુઝરબાની ઉપરાંત, બ્રેડ ઇવાન્સે પણ ઝિમ્બાબ્વે માટે શાનદાર બોલિંગ કરી. તેણે 4 ઓવરમાં માત્ર 23 રન આપીને ત્રણ વિકેટ લીધી. વેલિંગ્ટન મસાકાદ્ઝા અને રાયન બર્લે એક-એક વિકેટ લીધી.
ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોએ ફક્ત એક આંકડાનો સ્કોર બનાવ્યો
ઝિમ્બાબ્વે સામેની મેચમાં ઓસ્ટ્રેલિયાની બેટિંગ ફ્લોપ રહી હતી. મેચમાં ઓસ્ટ્રેલિયાના સાત બેટ્સમેન બે આંકડા સુધી પહોંચી શક્યા ન હતા. મેથ્યુ રેનશો એકમાત્ર બેટ્સમેન હતા જેણે ટીમ માટે અંત સુધી લડત આપી હતી, પરંતુ તે પણ 44 બોલમાં 65 રન બનાવ્યા બાદ છેલ્લા ઓવરોમાં આઉટ થઈ ગયો હતો. ગ્લેન મેક્સવેલે પણ 32 બોલમાં 31 રન બનાવી પેવેલિયન પરત ફર્યો , જ્યારે ટ્રેવિસ હેડ ફક્ત 17 રન બનાવી શક્યો હતો. આમ, આખી ટીમ ફક્ત 146 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ઝિમ્બાબ્વેએ શાનદાર સ્કોર બનાવ્યો
ઝિમ્બાબ્વેએ ટોસ હારી ગઈ અને તેને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું. પહેલા બેટિંગ કરતા, ઝિમ્બાબ્વેએ શાનદાર શરૂઆત કરી. તાદિવાનાશે મારુમાની અને બ્રાયન બેનેટે પહેલા વિકેટ માટે 61 રનની ભાગીદારી નોંધાવી. તાદિવાનાશે મારુમાની 21 બોલમાં 35 રન બનાવીને આઉટ થયો, જ્યારે બ્રાયન બેનેટે 56 બોલમાં 64 રન બનાવ્યા. રાયન બર્લે પણ 35 અને કેપ્ટન સિકંદર રઝાએ 25 રન બનાવીને ટીમને 169 રન સુધી પહોંચાડી.








