Cricket controversy Colombo Test: ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબો ખાતે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં મેદાન પર બનેલી એક ઘટનાએ હવે સોશિયલ મીડિયા પર મોટું રૂપ ધારણ કરી લીધું છે. પ્રથમ દિવસે ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલ અને શ્રીલંકાના ફાસ્ટ બોલર અસિથા ફર્નાન્ડો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને શારીરિક બોડી-કોન્ટેક્ટ જોવા મળ્યો હતો. હવે આ સમગ્ર મામલે યશસ્વી જયસ્વાલે પોતે મૌન તોડીને વિવાદ પર સ્પષ્ટતા આપી છે અને અનુભવી ક્રિકેટ કમેન્ટેટર હર્ષા ભોગલેની ટીકાનો સણસણતો જવાબ આપ્યો છે.
શું હતો સમગ્ર બનાવ?
કોલંબો ટેસ્ટ મેચના પ્રથમ દિવસે જ્યારે યશસ્વી જયસ્વાલ 45 રન પર બેટિંગ કરી રહ્યો હતો ત્યારે અસિથા ફર્નાન્ડોએ તેને બોલ્ડ કર્યો હતો. આઉટ કર્યા બાદ ફર્નાન્ડોએ ખૂબ જ આક્રમક અંદાજમાં જશ્ન મનાવ્યો હતો અને યશસ્વી સામે કંઈક ટિપ્પણી કરી હતી. પેવિલિયન તરફ જઈ રહેલો જયસ્વાલ આનાથી ગુસ્સે થઈને પાછો ફર્યો હતો અને બંને ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી સાથે હેલમેટ અને માથા વચ્ચે સંપર્ક (બોડી કોન્ટેક્ટ) પણ થયો હતો.
હર્ષા ભોગલેની ટિપ્પણી અને ક્રિકબઝનો વીડિયો
આ ઘટના બાદ પ્રસિદ્ધ ક્રિકેટ કમેન્ટેટર હર્ષા ભોગલેએ જયસ્વાલના વર્તન સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો. ભોગલેનું માનવું હતું કે બોલર તરફથી ઉશ્કેરણી થઈ હોવા છતાં, આઉટ થયા પછી ભારતીય બેટ્સમેને પાવિલિયન તરફ જવું જોઈતું હતું અને વિવાદ વધારવો જોઈતો નહોતો. 'ક્રિકબઝ' (Cricbuzz) સોશિયલ મીડિયા હેન્ડલ પર ભોગલેના આ વીડિયોને શેર કરીને સવાલ પૂછવામાં આવ્યો હતો કે - "શું જયસ્વાલે પોતાની મર્યાદા (લાઈન) ક્રોસ કરી?"
યશસ્વી જયસ્વાલનો સોશિયલ મીડિયા પર પલટવાર
યશસ્વીએ આ જ પોસ્ટના કમેન્ટ સેક્શનમાં સીધો હર્ષા ભોગલેને જવાબ આપતા લખ્યું કે, "જો તમને એ નથી ખબર કે સામેવાળાએ શું કહ્યું હતું, તો કૃપા કરીને તમારો ચુકાદો ના આપો. જો કોઈ પોતાની હદ પાર કરશે, તો અમારે તેમને જણાવવું પડશે. આ નવું ભારત છે, અમે લડીશું અને સણસણતો જવાબ પણ આપીશું."
મેદાન પર વિવાદનું રહસ્ય અકબંધ
જયસ્વાલની આ પ્રતિક્રિયાથી સ્પષ્ટ થાય છે કે અસિથા ફર્નાન્ડો તરફથી એવી કોઈ ટિપ્પણી કરવામાં આવી હતી જેણે ભારતીય ઓપનરને ઉશ્કેર્યો હતો. જોકે, જયસ્વાલે પોતાની કમેન્ટમાં એ સ્પષ્ટ નથી કર્યું કે ફર્નાન્ડોએ કયા શબ્દો કહ્યા હતા. બંને ખેલાડીઓ વચ્ચે થયેલી વાતચીતનો ઓડિયો સામે આવ્યો ન હોવાથી શુરુઆતમાં કોણે મર્યાદા તોડી હતી તે અંગે સ્પષ્ટતા થઈ શકી નથી. હાલમાં આ મામલે ICC દ્વારા મેચ રેફરીના રિપોર્ટના આધારે ખેલાડીઓ પર શિસ્તભંગના પગલાં લેવાય છે કે નહીં તેના પર સૌની નજર ટકેલી છે.








