IPL 2026: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બગડતી રાજનૈતિક પરિસ્થિતિ છતાં, ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાન IPL 2026માં કોલકાતા નાઈટ રાઇડર્સ વતી રમે તેવી શક્યતા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ હાલમાં બાંગ્લાદેશી ખેલાડીઓ પર પ્રતિબંધ લાદવાની મનાઈ કરી છે અને 'વેટ એન્ડ વોચ' નીતિ અપનાવી છે અને સરકારી નિર્દેશોની રાહ જોઈ રહ્યું છે.
KKRને કરવો પડ્યો ટીકાનો સામનો
મુસ્તફિઝુર રહેમાન 2026 IPL માટે મીની ઓક્શનમાં વેચાયેલા એકમાત્ર બાંગ્લાદેશી ખેલાડી છે. મુસ્તફિઝુરને KKR દ્વારા 9.20 કરોડમાં કરારબદ્ધ કરવામાં આવ્યો હતો. ઓક્શન બાદ, KKRને સોશિયલ મીડિયા પર નોંધપાત્ર ટીકાનો સામનો કરવો પડ્યો. ચાહકો અને કેટલાક રાજકીય નેતાઓએ બાંગ્લાદેશી ખેલાડીઓના IPLમાં રમવાના અધિકાર પર સવાલ ઉઠાવ્યા છે.
સરકારી પરવાનગી વિના ખેલાડીઓ પર બેન નહીં
BCCIએ સ્પષ્ટપણે કહ્યું છે કે તે સરકારી પરવાનગી વિના બાંગ્લાદેશી ખેલાડીઓ પર પ્રતિબંધ મૂકશે નહીં. ગયા વર્ષે, BCCIએ ભારત સરકારના નિર્દેશ પર ટીમ ઈન્ડિયાનો બાંગ્લાદેશ ટૂર મુલતવી રાખ્યો હતો. ઓગસ્ટ 2024માં શેખ હસીનાની સરકારના પતન પછી, બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા વધી છે, જેના કારણે અનેક હિંસક ઘટનાઓ બની છે.
શું કહ્યું BCCIએ?
ડિસેમ્બરમાં, ઢાકામાં ભારતીય દૂતાવાસની બહાર વિરોધ પ્રદર્શનો થાય હતા, જેના કારણે ભારતે તેના વિઝા સેન્ટર બંધ કરી દીધા અને બાંગ્લાદેશે ભારતીય નાગરિકો માટે વિઝા બંધ કરી દીધા. આનાથી પરિસ્થિતિ વધુ વણસી. BCCIના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, "પરિસ્થિતિ સંવેદનશીલ છે. અમે સરકાર સાથે સતત સંપર્કમાં છીએ. હાલમાં, એવું કંઈ નથી જેનાથી બાંગ્લાદેશી ખેલાડીઓ પર પ્રતિબંધ લગાવી શકાય. મુસ્તફિઝુર IPLમાં રમશે. બાંગ્લાદેશ કોઈ દુશ્મન દેશ નથી.'
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ દ્વારા NOC આપવાનો ઇનકાર થઈ શકે છે
મુસ્તફિઝુરની ઉપલબ્ધતા સંપૂર્ણપણે નિશ્ચિત નથી. બાંગ્લાદેશે એપ્રિલમાં ન્યુઝીલેન્ડ સામે ODI અને T20 સીરિઝ રમવાની છે. જો BCB મુસ્તફિઝુરને NOC નહીં આપે, તો તે IPL 2026માં ઘણી મેચો ગુમાવી શકે છે. વર્તમાન રાજકીય વાતાવરણને જોતાં, એ પણ શક્ય છે કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ NOC આપવાનો ઇનકાર કરી શકે છે અથવા મુસ્તફિઝુર પોતાને પાછો ખેંચી લેવાનું નક્કી કરી શકે છે.
વર્લ્ડ કપ માટે વિઝા મળશે?
BCCI T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશી ખેલાડીઓના વિઝા અંગે ભારતીય વિદેશ મંત્રાલય (MEA) સાથે વાતચીત કરી રહ્યું છે. બાંગ્લાદેશ તેની ગ્રુપ-સ્ટેજ મેચ કોલકાતા અને મુંબઈમાં રમશે. IPL 2026 વર્લ્ડ કપ સમાપ્ત થયાના 10 દિવસની અંદર શરૂ થશે, તેથી એવી અપેક્ષા છે કે મુસ્તફિઝુર રહેમાનનો વિઝા વર્લ્ડ કપ દરમિયાન લંબાવવામાં આવશે. BCCIના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "મુસ્તફિઝુર રહેમાન T20 વર્લ્ડ કપ માટે વિઝા માટે અરજી કરશે, જે IPL માટે લંબાવવામાં આવશે. વિઝા કોઈ મોટો મુદ્દો રહેશે નહીં. NOC અંગે BCB તરફથી કોઈ નકારાત્મક સંકેતો મળ્યા નથી.'
બાંગ્લાદેશી ખેલાડીઓને બહાર કરવા ની માંગ વધી
બાંગ્લાદેશમાં બે હિન્દુઓની મોબ લિંચિંગ બાદ, IPL 2026 માંથી બાંગ્લાદેશી ખેલાડીઓને બહાર કરવાની માંગણીઓ વધુ તીવ્ર બની. IPL 2025ની ઓક્શનમાં બાંગ્લાદેશી ખેલાડીઓ પર કોઈ ફ્રેન્ચાઇઝી બોલી લગાવવામાં આવી ન હતી. જોકે, તાજેતરના ઓક્શનમાં, KKR એ મુસ્તફિઝુર પર કરોડો રૂપિયા ખર્ચ્યા, જેના કારણે તે IPL ઇતિહાસનો સૌથી મોંઘો બાંગ્લાદેશી ખેલાડી બન્યો.








