Faridkot Boy Naman Dhir Makes It to Team India: પંજાબના એક નાના અને શાંત શહેર ફરીદકોટમાં ગઈકાલે રાત્રે ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો. સ્થાનિક રમતપ્રેમીઓ અને ક્રિકેટ ચાહકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને આકાશ ફટાકડાની આતશબાજીથી ગૂંજી ઉઠ્યું હતું. આ ખુશીનું કારણ હતું 26 વર્ષના યુવા ઓલરાઉન્ડર નમન ધીરની ભારતીય ક્રિકેટ ટીમમાં થયેલી પ્રથમ વાર પસંદગી. વેસ્ટ ઈન્ડીઝ સામે રમાનારી ઘરઆંગણાની વન-ડે સીરિઝ માટે ભારતીય સિલેક્ટર્સે જ્યારે ટીમની જાહેરાત કરી, ત્યારે તેમાં નમન ધીરનું નામ જોઈને ચાહકોમાં રોમાંચ વ્યાપી ગયો હતો. 31 ડિસેમ્બર 1999ના રોજ જન્મેલો આ યુવા ખેલાડી જમણા હાથે તુફાની બેટિંગ કરવાની સાથે સાથે ઓફ-બ્રેક બોલિંગમાં પણ નિપુણ છે.
64 બોલમાં 173 રનની ઐતિહાસિક ઈનિંગે બદલી કિસ્મત
નમન ધીરની આ પસંદગી પાછળ તેની તાજેતરની એક ઐતિહાસિક ઈનિંગ જવાબદાર છે. શેર-એ-પંજાબ T20 ટૂર્નામેન્ટમાં અમૃતસર સૂરમાઝ ટીમ તરફથી રમતા નમન ધીરે મોહાલી કિંગ્સ સામે ક્રિકેટ જગતને ચોંકાવી દીધું હતું. તેણે માત્ર 37 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી અને કુલ 64 બોલમાં 270.31ના સ્ટ્રાઈક રેટથી 173 રન બનાવ્યા હતા. આ ઈનિંગ દરમિયાન તેના બેટથી 16 ચોગ્ગા અને 12 છગ્ગા ફટકાર્યા હતા. આ ધડાકાભેર પ્રદર્શનના કારણે તેને 'મેન ઓફ ધ ટૂર્નામેન્ટ'નો ખિતાબ મળ્યો હતો, અને આ જ સુંદર ફોર્મને ધ્યાનમાં રાખીને સિલેક્ટર્સે તેને રાષ્ટ્રીય ટીમની બ્લુ જર્સી એનાયત કરી છે.
ઘરેલુ ક્રિકેટમાં પંજાબને ચેમ્પિયન બનાવવામાં મહત્વનું યોગદાન
નમન ધીર કોઈ અચાનક ચમકેલો સિતારો નથી, પરંતુ તેણે ઘરેલુ ક્રિકેટમાં સતત મહેનત કરીને પોતાનું સ્થાન બનાવ્યું છે. 2023-24ની સીઝનમાં પંજાબની ટીમે જ્યારે BCCIની સૌથી પ્રતિષ્ઠિત T20 ટૂર્નામેન્ટ 'સૈયદ મુશ્તાક અલી ટ્રોફી' પોતાના નામે કરી, ત્યારે નમન ધીર તે ટીમનો મુખ્ય આધારસ્તંભ હતો. આ સુંદર પ્રદર્શને જ આઈપીએલ સ્કાઉટ્સનું ધ્યાન તેના તરફ ખેંચ્યું હતું. ઘરેલુ ક્રિકેટમાં સતત રન બનાવીને તેણે સાબિત કરી દીધું હતું કે તેની પાસે મોટા મંચ પર રમીને ટીમ માટે મેચ વિનિંગ ઈનિંગ્સ રમવાની અદ્ભુત ક્ષમતા છે.
IPLમાં 20 લાખથી 05.25 કરોડ સુધીની રોમાંચક સફર
આઈપીએલ 2024ના ઓક્શનમાં મુંબઈ ઈન્ડિયન્સે નમન ધીરને માત્ર 20 લાખ રૂપિયાની બેઝ પ્રાઈસ પર પોતાની સાથે જોડ્યો હતો. સૂર્યકુમાર યાદવની ઈજાગ્રસ્ત સ્થિતિમાં મુંબઈએ તેને ડેબ્યૂની તક આપી, જ્યાં તેણે પોતાની આક્રમક બેટિંગથી સહુને પ્રભાવિત કર્યા. લખનઉ સુપર જાયન્ટ્સ સામે માત્ર 28 બોલમાં 62 રનની ઈનિંગ તેની ક્ષમતાની સાબિતી હતી. જોકે, 2024ની સીઝન બાદ તેને રિલીઝ કરવામાં આવ્યો હતો, પરંતુ 2025ના મેગા ઓક્શનમાં મુંબઈ ઈન્ડિયન્સે 'રાઈટ ટુ મેચ' (RTM) કાર્ડનો ઉપયોગ કરીને તેને 5.25 કરોડ રૂપિયાની મોટી રકમ આપીને ફરી ખરીદ્યો હતો. 20 લાખથી સવા પાંચ કરોડ સુધીની આ સફર તેની મહેનત દર્શાવે છે.
મુંબઈ ઈન્ડિયન્સનો ભરોસાપાત્ર અને મુખ્ય ખેલાડી
આઈપીએલ 2025ની સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સે નમન ધીર પર પૂરો ભરોસો મૂક્યો અને ટીમના તમામ 16 મુકાબલામાં તેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપ્યું. મુંબઈ તરફથી તમામ મેચ રમનારા જૂજ ખેલાડીઓમાં નમન સામેલ હતો. તેણે ટીમ પ્રબંધનના વિશ્વાસ પર ખરા ઉતરીને 182.60ના તોફાની સ્ટ્રાઈક રેટ સાથે 252રન બનાવ્યા હતા અને તે ટીમનો બીજો સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન બન્યો હતો.
ઈન્ટરનેશનલ ડેબ્યૂ પર ક્રિકેટ પ્રેમીઓની નજર
હવે જ્યારે વેસ્ટ ઈન્ડીઝ સામેની ઘરઆંગણાની વન-ડે સીરિઝ માટે નમન ધીરને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, ત્યારે સમગ્ર ક્રિકેટ જગતની નજરો આ યુવા ઓલરાઉન્ડર પર ટકેલી રહેશે. નીચલા ક્રમે આવીને ઝડપી રન બનાવવાની અને પાર્ટ-ટાઈમ બોલિંગથી વિકેટ ઝડપવાની તેની આ કળા ભારતીય વન-ડે ટીમને વધુ મજબૂતી અને સંતુલન પ્રદાન કરશે તેમ માનવામાં આવી રહ્યું છે.








