Virat Kohli LinkedIn Post Viral:ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન અને 'કિંગ કોહલી' તરીકે જાણીતા વિરાટ કોહલીએ હવે બિઝનેસ અને કોર્પોરેટ જગતમાં સત્તાવાર રીતે કદમ મૂક્યો છે. સોશિયલ મીડિયાના અન્ય તમામ પ્લેટફોર્મ્સ પર કરોડો ફોલોઅર્સ ધરાવતા વિરાટે પ્રોફેસનલ નેટવર્કિંગ પ્લેટફોર્મ LinkedIn પર ડેબ્યૂ કર્યું છે. સામાન્ય રીતે LinkedInનો ઉપયોગ લોકો નોકરીની શોધ અને વ્યાવસાયિક જોડાણો માટે કરતા હોય છે, પરંતુ વિરાટ કોહલી અહીં એક ખેલાડી તરીકે નહીં પણ એક સફળ ઉદ્યોગસાહસિક (Entrepreneur) અને દૂરંદેશી રોકાણકાર તરીકે પ્રવેશ્યા છે. તેમનો આ નવો અવતાર સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
પહેલી જ પોસ્ટમાં રજૂ કર્યું દેશ માટેનું ભવ્ય વિઝન
LinkedIn પર શેર કરેલી પોતાની પ્રથમ પોસ્ટમાં વિરાટ કોહલીએ ભારતને રમતગમત ક્ષેત્રે 'ગ્લોબલ સ્પોર્ટ્સ પાવરહાઉસ' (વૈશ્વિક મહાસત્તા) બનાવવાની પોતાની ઈચ્છા અને વિઝન જાહેર કર્યું છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું કે, "મેં હંમેશાં એવા ભારતની કલ્પના કરી છે જ્યાં દરેક રમતને માત્ર જોવામાં કે અનુસરવામાં જ ન આવે, પરંતુ તેની ઉજવણી થાય અને દરેક વ્યક્તિ રમત સાથે જોડાય. આજે મને એ સ્વપ્ન પહેલાં કરતાં વધુ નજીક આવતું જણાઈ રહ્યું છે." તેમની આ વાતથી સ્પષ્ટ થાય છે કે તેઓ દેશના સ્પોર્ટ્સ કલ્ચરને એક નવા ઊંચા સ્તરે લઈ જવા માંગે છે.

રોકાણકાર અને સહ-સ્થાપક તરીકેની 'બીજી ઈનિંગ'
પોતાના બિઝનેસ વિઝનને વધુ સ્પષ્ટ કરતા કોહલીએ જણાવ્યું કે, રમતગમતના મેદાનની બહાર તેમની આ 'બીજી ઈનિંગ' માત્ર નવા અને વર્લ્ડ-ક્લાસ ખેલાડીઓ તૈયાર કરવા પૂરતી સીમિત નથી. તેઓ ભારતમાંથી જ વૈશ્વિક સ્તરની સ્પોર્ટ્સ બ્રાન્ડ્સ ઊભી કરવા ઈચ્છે છે. આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તેઓ 'એજિલિટાસ સ્પોર્ટ્સ' (Agilitas Sports) માં રોકાણકાર તરીકે જોડાયા છે અને પોતાની જાણીતી બ્રાન્ડ one8world ના સહ-સ્થાપક છે. તેમણે ઉમેર્યું કે, "વિઝન એકદમ સ્પષ્ટ છે—હવે કંઈક એવું બનાવવાનો સમય છે જે આપણા બધા પછી પણ કાયમ માટે ટકી રહે."
ફેન્સ અને સોશિયલ મીડિયા યુઝર્સની રસપ્રદ પ્રતિક્રિયાઓ
વિરાટ કોહલીની આ પોસ્ટ વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર નેટિઝન્સ અને તેમના ચાહકો તરફથી અલગ-અલગ પ્રતિક્રિયાઓનો ધોધ વછૂટ્યો હતો. કેટલાક લોકોએ કોહલીના આ દૂરંદેશી વિઝનને ખૂબ બિરદાવ્યું હતું, તો બીજી તરફ ઘણા યુઝર્સે મજાકના મૂડમાં કોમેન્ટ્સ કરી હતી. એક યુઝરે રમૂજ કરતાં લખ્યું, "એવું લાગે છે કે વિરાટ હવે 9 થી 5ની નોકરી કરવા જઈ રહ્યા છે." જ્યારે અન્ય એક યુઝરે પૂછ્યું કે, "શું તમારું ક્રિકેટ રમીને મન ભરાઈ ગયું છે?" આમ, વિરાટનો આ નવો બિઝનેસ અવતાર ઈન્ટરનેટ પર ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.








