GPS Performance Tracker: ભારતીય ક્રિકેટરો પોતાની ફિટનેસ અને મેદાન પરના પ્રદર્શન પર સતત નજર રાખે છે. આ માટે તેઓ વિવિધ ટેક્નોલોજી અને ટ્રેકિંગ ડિવાઇસનો ઉપયોગ કરે છે. હાલમાં સોશિયલ મીડિયા પર વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યાના ફોટાનો એક કોલાજ વાયરલ થઈ રહ્યો છે. આ તસવીરોમાં ખેલાડીઓની પીઠ પર એક નાનું ડિવાઇસ જોવા મળી રહ્યું છે. જેને લઈને લોકોના મનમાં સવાલ છે કે આખરે આ ડિવાઇસ શું છે અને તેનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે?
પીઠ પર લગાવેલું ડિવાઇસ શું છે?
આ પ્રકારનું ડિવાઇસ સામાન્ય રીતે GPS Performance Tracking Unit તરીકે ઓળખાય છે. તેને ખેલાડી ખભા વચ્ચે અથવા પીઠના ઉપરના ભાગમાં કમ્પ્રેશન વેસ્ટની અંદર પહેરે છે. આ ડિવાઇસ ખેલાડીની મેદાન પરની હિલચાલ અને શારીરિક પ્રવૃત્તિનો ડેટા એકત્ર કરે છે. આ ડિવાઇસનો ઉપયોગ માત્ર ભારતીય ક્રિકેટરો જ નહીં, પરંતુ અનેક પ્રોફેશનલ સ્પોર્ટ્સમાં ખેલાડીઓના પ્રદર્શનનું વિશ્લેષણ કરવા માટે કરવામાં આવે છે.
ડિવાઇસથી શું ટ્રેક થાય છે?
GPS ટ્રેકિંગ યુનિટ ખેલાડીની મેદાન પરની હિલચાલ અંગે અનેક પ્રકારનો ડેટા આપે છે. તેમાં મુખ્યત્વે ખેલાડીએ કેટલું અંતર કાપ્યું, કેટલી ઝડપે દોડ્યો અને તેની એક્ટિવિટી કેટલી રહી જેવી માહિતી સામેલ હોય છે. કેટલાક ટ્રેકિંગ સિસ્ટમમાં હાર્ટ રેટ અને ખેલાડીના કુલ વર્કલોડ જેવી માહિતી પણ મોનિટર કરવામાં આવે છે. આ ડેટા દ્વારા કોચિંગ અને સપોર્ટ સ્ટાફ ખેલાડીના શારીરિક ભારનું વિશ્લેષણ કરી શકે છે.
ક્રિકેટરોને તેનો શું ફાયદો થાય છે?
આ ડેટા ટીમના સપોર્ટ સ્ટાફ માટે ખૂબ ઉપયોગી બને છે. ખેલાડીએ પ્રેક્ટિસ કે મેચ દરમિયાન કેટલો વર્કલોડ લીધો છે તેની માહિતી મળવાથી ટ્રેનિંગને તે મુજબ મેનેજ કરી શકાય છે. સતત મળતા ડેટાના આધારે ખેલાડીની ફિટનેસ પર નજર રાખવામાં, ટ્રેનિંગનું આયોજન કરવામાં અને વધુ પડતા શારીરિક ભારને ટાળવામાં મદદ મળી શકે છે. આ રીતે ઈજાના જોખમને ઘટાડવા માટે પણ સપોર્ટ સ્ટાફને નિર્ણય લેવામાં મદદ મળે છે.
2019થી ભારતીય ક્રિકેટમાં GPS ટેક્નોલોજીનો ઉપયોગ
ભારતીય ક્રિકેટ ટીમે 2019માં GPS ટ્રેકિંગ ટેક્નોલોજીનો ઉપયોગ શરૂ કર્યો હતો. તે સમયે STATSports જેવી કંપનીની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે, વાયરલ થયેલા ફોટામાં દેખાતું વર્તમાન ડિવાઇસ ચોક્કસપણે STATSportsનું જ છે એવી પુષ્ટિ આ તસવીરો પરથી થતી નથી. ભારતીય ક્રિકેટમાં Catapult જેવી અન્ય GPS ટેક્નોલોજીનો પણ ઉપયોગ થયો છે. એટલે વાયરલ તસવીરોમાં દેખાતું ચોક્કસ મોડલ કયું છે તે નક્કી કરવું મુશ્કેલ છે, પરંતુ તેનો મુખ્ય હેતુ ખેલાડીના પ્રદર્શન અને શારીરિક પ્રવૃત્તિનો ડેટા ટ્રેક કરવાનો હોય છે.








