Vaibhav Suryavanshi Smashed 27 Sixes In One Week: ICC અંડર-19 વર્લ્ડ કપ 2026ના પ્રારંભ પહેલા જ ભારતીય ટીમની નવી રન મશીન વૈભવ સૂર્યવંશીએ વિશ્વભરના બોલરો માટે ખતરાની ઘંટડી વગાડી દીધી છે. માત્ર 14 વર્ષની નાની ઉંમરે અદભૂત પરિપક્વતા બતાવતા વૈભવે શનિવારે સ્કોટલેન્ડ સામેની પ્રેક્ટિસ મેચમાં રનનો વરસાદ કરી દીધો હતો. બુલાવાયો એથ્લેટિક ક્લબ ખાતે રમાયેલી આ મેચમાં તેણે સ્કોટિશ બોલરોની લાઇન-લેન્થ બગાડી નાખી હતી.
સ્કોટલેન્ડ સામે વિનાશક બેટિંગ
શનિવારે રમાયેલી મેચમાં વૈભવ સૂર્યવંશીએ માત્ર 50 બોલમાં 96 રનની તોફાની ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગ દરમિયાન તેણે મેદાનની ચારેબાજુ આક્રમક શોટ્સ ફટકાર્યા હતા, જેમાં 9 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થાય છે. તેણે માત્ર 27 બોલમાં એક ગગનચુંબી છગ્ગા સાથે પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. જોકે, તે પોતાની સદીથી માત્ર 4 રન દૂર રહી ગયો હતો, પરંતુ તેની આ ઇનિંગે ભારતને મજબૂત સ્થિતિમાં મૂકી દીધું હતું.
ભારતને આક્રમક શરૂઆત અપાવી
વૈભવે કેપ્ટન આયુષ મ્હાત્રે સાથે પ્રથમ વિકેટ માટે માત્ર 42 બોલમાં 70 રન જોડીને ભારતને આક્રમક શરૂઆત અપાવી હતી. ત્યારબાદ તેણે એરોન જ્યોર્જ (61 રન) સાથે મળીને 56 બોલમાં 78 રનની મહત્વની ભાગીદારી નોંધાવી હતી.
છેલ્લા 7 દિવસમાં રનનું વાવાઝોડું
વૈભવ સૂર્યવંશી અત્યારે તેના કરિયરના સર્વોત્તમ ફોર્મમાં છે. છેલ્લા એક અઠવાડિયાના આંકડા જોઈએ તો તે કોઈ પણ બોલર માટે દુઃસ્વપ્ન સમાન સાબિત થયો છે. 3 જાન્યુઆરીથી શરૂ થયેલી સાઉથ આફ્રિકા સામેની શ્રેણીમાં તેણે ભારતને 2-0થી જીત અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. વૈભવે છેલ્લા 7 દિવસમાં 4 મેચમાં 27 છગ્ગા અને 21 ચોગ્ગા ફટકાર્યા છે. સાઉથ આફ્રિકા સામે 10 છગ્ગા સાથે 74 બોલમાં 127 રન બનાવ્યા હતા. તેણે આ શ્રેણીમાં સૌથી વધુ 206 રન બનાવીને અંડર-19 વર્લ્ડ કપ માટે પોતાની દાવેદારી મજબૂત કરી છે.
વર્લ્ડ કપમાં ભારતનું મિશન ‘ટાઈટલ-6’
ભારતીય ટીમ હવે 15 જાન્યુઆરીએ બુલાવાયોના ક્વીન્સ સ્પોર્ટ્સ ક્લબ ખાતે યુનાઇટેડ સ્ટેટ્સ (USA) સામે પોતાના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. ભારતને ગ્રુપ-A માં બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ અને USA સાથે રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભારત અંડર-19 વર્લ્ડ કપના ઇતિહાસમાં 5 ટાઇટલ સાથે સૌથી સફળ ટીમ છે અને વૈભવનું આ ફોર્મ જોતા ભારત છઠ્ઠું ટાઇટલ જીતવા માટે પ્રબળ દાવેદાર મનાય છે. વૈભવની આક્રમક બેટિંગ સ્ટાઈલને કારણે તેની સરખામણી અત્યારથી જ દિગ્ગજ ઓપનરો સાથે થવા લાગી છે. હવે જોવાનું એ રહેશે કે તે વર્લ્ડ કપની મુખ્ય મેચોમાં આ લય જાળવી રાખે છે કે નહીં.








