Vaibhav Suryavanshi Duleep Trophy DRS: ચેન્નાઈ ખાતે ઈસ્ટ ઝોન અને સાઉથ ઝોન વચ્ચે દલીપ ટ્રોફી 2026નો ફાઈનલ મેચ રમાઈ રહ્યો છે. આ મેચ દરમિયાન ઈસ્ટ ઝોનના 15 વર્ષીય વાઈસ કેપ્ટન વૈભવ સૂર્યવંશી ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. આ વખતે તેઓ માત્ર પોતાની બેટિંગ માટે જ નહીં, પરંતુ મેદાન પર લીધેલા સચોટ અને ચતુર નિર્ણયો માટે પ્રશંસા મેળવી રહ્યા છે. મેદાન પર તેમણે લીધેલા DRS નિર્ણયોએ સાબિત કરી દીધું છે કે તેમનામાં એક ફ્યુચર કેપ્ટન માઇન્ડસેટ રહેલું છે.
રિકી ભુઈ સામે લીધો શાર્પ રિવ્યૂ, અમ્પાયરે બદલવો પડ્યો નિર્ણય
દલીપ ટ્રોફી ફાઈનલના ત્રીજા દિવસે સાઉથ ઝોન સામેની મેચમાં મુકેશ કુમારના બોલ પર સાઉથ ઝોનના બેટ્સમેન રિકી ભુઈ સામે વિકેટકીપર પાછળ કેચની જોરદાર અપીલ થઈ હતી. અમ્પાયરે આ અપીલને નકારી કાઢીને નોટઆઉટનો નિર્ણય આપ્યો હતો. આ સમયે 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ તરત જ કેપ્ટન ઈશાન કિશનને રિવ્યૂ લેવા માટે મનાવ્યા હતા. રિવ્યૂમાં અલ્ટ્રાએજ પર સ્પષ્ટ દેખાયું કે, બોલ બેટની કિનારીને લાગીને ગયો હતો. પરિણામે અમ્પાયરે નિર્ણય બદલીને રિકી ભુઈને 1 રનના સ્કોર પર આઉટ જાહેર કરવા પડ્યા હતા.
સેમિફાઈનલમાં પણ ઇન્સ્ટિંક્ટ પર બતાવ્યો હતો સંપૂર્ણ ભરોસો
વૈભવની DRS લેવાની આ કળા માત્ર ફાઈનલ પૂરતી સીમિત ન હતી. સેન્ટ્રલ ઝોન સામેની સેમિફાઈનલ મેચમાં સ્ટેન્ડ-ઈન કેપ્ટનની ભૂમિકા ભજવતી વખતે પણ તેમણે પોતાના નિર્ણયથી સૌને પ્રભાવિત કર્યા હતા. મુકેશ કુમારના બોલ પર આયર્ન જુયાલ સામે કેચની અપીલ થઈ હતી અને DRS માટેનો સમય ઝડપથી પૂરો થઈ રહ્યો હતો. વૈભવે કોઈ પણ ખચકાટ વગર પોતાના આંતરિક ભરોસા (Instinct) પર વિશ્વાસ રાખીને DRS લીધું હતું. અલ્ટ્રાએજમાં સ્પાઈક દેખાતાં બેટ્સમેન આઉટ થયો હતો.
ધમાકેદાર બેટિંગ સાથે કેપ્ટનશિપ જેવી પરિપક્વ વિચારધારા
વૈભવ સૂર્યવંશી હંમેશા તેમની આક્રમક બેટિંગ માટે જાણીતા રહ્યા છે પરંતુ, દુલીપ ટ્રોફીના આ બંને મહત્ત્વના પ્રસંગોએ તેમણે દબાણ હેઠળ જે રીતે સચોટ નિર્ણયો લીધા છે, તેનાથી તેમની ક્રિકેટની ઊંડી સમજ છતી થાય છે. ભારતીય ક્રિકેટમાં પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને DRSના એક્સપર્ટ માનવામાં આવતા હતા અને DRSને રમૂજમાં 'ધોની રિવ્યૂ સિસ્ટમ' પણ કહેવામાં આવતું હતું. હવે વૈભવના આ સચોટ નિર્ણયો જોઈને ક્રિકેટ ફેન્સ તેમને ફ્યુચર માસ્ટરમાઇન્ડ તરીકે જોઈ રહ્યા છે. વૈભવે આ ટૂર્નામેન્ટમાં બેટિંગમાં પણ સારુ પ્રદર્શન આપતાં 2 મેચની 4 ઇનિંગ્સમાં 148 રન બનાવ્યા છે, જેમાં 12 ચોગ્ગા અને 9 છગ્ગા સામેલ છે.
વૈભવ સૂર્યવંશી અંગે વધારાની જાણકારી
દુલીપ ટ્રોફીના ઈતિહાસના સૌથી યુવા ફિફ્ટી પ્લસ સ્કોરર: 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ દલીપ ટ્રોફીમાં પોતાની શાનદાર ફિફ્ટી ફટકારીને પચાસ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે અને તેઓ આ ટૂર્નામેન્ટમાં અડધી સદી ફટકારનારા સૌથી નાની વયના ખેલાડી બન્યા છે.








