Under-19 Asia Cup 2026 Schedule: ક્રિકેટ ચાહકો માટે મોટા અને રોમાંચક સમાચાર સામે આવ્યા છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા અંડર-19 એશિયા કપ 2026ના શેડ્યૂલની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આ વખતે આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટનું આયોજન ઓમાનમાં કરવામાં આવ્યું છે. આગામી 5 નવેમ્બરથી શરૂ થઈ રહેલી આ ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ 14 નવેમ્બરે રમાશે. એશિયાની શ્રેષ્ઠ 8 યુવા ટીમો વચ્ચે આ ટ્રોફી જીતવા માટે જોરદાર ટક્કર જોવા મળશે.
ભારત-પાકિસ્તાન મહામુકાબલો: 8 નવેમ્બરે હાઈ-વોલ્ટેજ મેચ
વર્લ્ડ કપ અને સીનિયર એશિયા કપ બાદ હવે અંડર-19 સ્તરે પણ ભારત અને પાકિસ્તાનની ટીમો સામસામે ટકરાવા માટે તૈયાર છે. લીગ સ્ટેજમાં જ બંને કટ્ટર હરીફ ટીમો એક જ ગ્રુપમાં સામેલ છે. શેડ્યૂલ મુજબ, ભારત અને પાકિસ્તાન વચ્ચેનો આ મહામુકાબલો 8 નવેમ્બરના રોજ રમાશે. આ મેચને લઈને અત્યારથી જ ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ અને રોમાંચ જોવા મળી રહ્યો છે.
અંડર-19 એશિયા કપ 2026નું સંપૂર્ણ શેડ્યૂલ
આ ટુર્નામેન્ટમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, યુએઈ (UAE), નેપાળ અને મલેશિયા એમ કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ શ્રીલંકા અને મલેશિયા વચ્ચે રમાશે.
5 નવેમ્બર: શ્રીલંકા vs મલેશિયા, બાંગ્લાદેશ vs અફઘાનિસ્તાન
6 નવેમ્બર: પાકિસ્તાન vs UAE, ભારત vs નેપાળ
7 નવેમ્બર: અફઘાનિસ્તાન vs મલેશિયા, શ્રીલંકા vs બાંગ્લાદેશ
8 નવેમ્બર: UAE vs નેપાળ, ભારત vs પાકિસ્તાન
9 નવેમ્બર: બાંગ્લાદેશ vs મલેશિયા, શ્રીલંકા vs અફઘાનિસ્તાન
10 નવેમ્બર: ભારત vs UAE, પાકિસ્તાન vs નેપાળ
સેમિફાઈનલ (12 નવેમ્બર): સેમિફાઈનલ-1 (A1 vs B2) અને સેમિફાઈનલ-2 (B1 vs A2)
ફાઈનલ (14 નવેમ્બર): ટાઈટલ મેચ
ભારતીય ટીમ સાત વખત બની છે ચેમ્પિયન, પાછલી હારનો બદલો લેવા ઉતરશે
અંડર-19 એશિયા કપના ઇતિહાસ પર નજર કરીએ તો ભારતીય ટીમ સૌથી સફળ ટીમ રહી છે. ટીમે રેકોર્ડ 7 વખત આ ટ્રોફી પોતાના નામે કરી છે. ભારતે 2018, 2019 અને 2021માં સતત ત્રણ વખત આ ખિતાબ જીત્યો હતો.
જોકે, છેલ્લી 2025ની ફાઈનલમાં ભારતીય ટીમને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તે ફાઈનલ મેચમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 347 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતીય ટીમ માત્ર 156 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને પાકિસ્તાને 191 રને જીત મેળવી હતી. સતત બે ફાઈનલ હારી ચૂકેલી ભારતીય ટીમ આ વખતે પાકિસ્તાનને હરાવીને ફરી એકવાર ટ્રોફી પર પોતાનો કબજો જમાવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.








