Tilak Varma injury update: ટી20 વર્લ્ડ કપ 2026 શરૂ થવા માટે માત્ર એક મહિનો બાકી છે, ત્યારે ટીમ ઇન્ડિયાને મોટો આઘાત લાગ્યો છે. એશિયા કપ 2025 ફાઇનલના હીરો અને મિડલ ઓર્ડરના આક્રમક બેટ્સમેન તિલક વર્મા પેટ સંબંધિત ગંભીર ઈજાને કારણે 3થી 4 અઠવાડિયા માટે બહાર થઈ શકે છે.
શું થયું હતું તિલક વર્માને?
23 વર્ષીય ડાબા હાથના બેટ્સમેન તિલક વર્મા વિજય હજારે ટ્રોફીમાં હૈદરાબાદ તરફથી રાજકોટમાં રમતા હતા, ત્યારે તેમને અચાનક ભારે દુખાવો થયો હતો. તેમને તરત જ ગોકુલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં તપાસ દરમિયાન ટેસ્ટિક્યુલર ટોર્શન હોવાનું જાણવા મળ્યું. ડોક્ટરોએ તાત્કાલિક સર્જરી કરવાની સલાહ આપી.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ક્ષે શું કહ્યું?
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ જયદેવ શાહે જણાવ્યું હતું કે, તિલકની સર્જરી સફળ રહી છે અને હવે તેઓ ઠીક છે. આ ઈજાને કારણે તિલક 21 જાન્યુઆરીથી શરૂ થનારી ન્યૂઝીલેન્ડ સામેની ટી20 સિરીઝમાંથી બહાર રહી શકે છે અને વર્લ્ડ કપ પર પણ જોખમ ઊભું થયું છે. તેમની જગ્યાએ શ્રેયસ અય્યરની ટી20 ટીમમાં વાપસી શક્ય છે, પરંતુ શુભમન ગિલને તક મળવાની શક્યતા ઓછી છે. તિલક છેલ્લા એક વર્ષથી ભારતના ટી20 સેટઅપનો મહત્વનો ભાગ રહ્યા છે. તેમણે એશિયા કપ 2025ની ફાઇનલમાં પાકિસ્તાન સામે 69 રન બનાવીને ટીમને ખિતાબ અપાવ્યો હતો.
શ્રેયસ અય્યર સંપૂર્ણ રીતે ફિટ
ભારતના વનડેના ઉપકેપ્ટન અને મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યરને બેંગ્લોર સ્થિત સેન્ટર ઓફ એક્સેલન્સની મેડિકલ ટીમે મેચ માટે ફિટ જાહેર કર્યા છે. શ્રેયસે વિજય હજારે ટ્રોફીના એક લીગ મેચમાં મુંબઈ તરફથી હિમાચલ પ્રદેશ સામે જયપુરમાં રમતાં 53 બોલમાં 82 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન તેમને કેચ લેતા સમયે સ્પ્લીનમાં ઈજા થઈ હતી.








