Tiger Woods DUI Arrest: વિશ્વના ભૂતપૂર્વ નંબર વન ગોલ્ફર અને 15 વખતના મેજર ચેમ્પિયન ટાઇગર વુડ્સ ફરી એકવાર કાયદાકીય વિવાદમાં ફસાયા છે. અમેરિકાના ફ્લોરિડા સ્થિત જ્યુપિટર આઇલેન્ડ પાસે તેમની લેન્ડ રોવર કારને અકસ્માત નડ્યા બાદ પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે. વુડ્સ પર નશાની હાલતમાં વાહન ચલાવવા (DUI) અને તપાસમાં અસહકાર આપવાના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે.
ઓવરટેક કરવા જતાં સર્જાયો અકસ્માત
પોલીસ અહેવાલ અનુસાર, શુક્રવારે બપોરે ટાઇગર વુડ્સ પોતાની લેન્ડ રોવર કાર બે લેન ધરાવતા રસ્તા પર અત્યંત પૂરઝડપે ચલાવી રહ્યા હતા. એક વર્ક ટ્રક કે જે ટ્રેલરને ખેંચી રહી હતી, તેને ઓવરટેક કરવાના પ્રયાસમાં વુડ્સે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. તેમની કાર ટ્રેલરના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી, જેના પરિણામે કાર પલટી મારી ગઈ હતી. સદનસીબે, આ ગમખ્વાર અકસ્માતમાં ટાઇગર વુડ્સ કે અન્ય કોઈ વાહન ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી નથી. અકસ્માત બાદ વુડ્સ જાતે જ પેસેન્જર બાજુનો દરવાજો ખોલીને બહાર નીકળ્યા હતા.
બ્રેથ એનાલાઈઝર ટેસ્ટ નેગેટિવ, પણ ડ્રગ્સની આશંકા
ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ટાઇગર વુડ્સને કસ્ટડીમાં લઈ તેમનો બ્રેથ એનાલાઈઝર ટેસ્ટ કર્યો હતો, જેમાં આલ્કોહોલનું પ્રમાણ મળ્યું ન હતું. જોકે, તપાસ અધિકારીઓને શંકા છે કે વુડ્સ કોઈ નશીલા પદાર્થ અથવા એવી દવાઓના પ્રભાવ હેઠળ હતા જેના કારણે તેમનું માનસિક સંતુલન જોખમાયું હતું અને અકસ્માત સર્જાયો હતો. જ્યારે પોલીસે તેમને પેશાબ પરીક્ષણ (Urine Test) માટે વિનંતી કરી, ત્યારે વુડ્સે તેનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. ફ્લોરિડાના કાયદા મુજબ તપાસ માટે નમૂના આપવાનો ઈન્કાર કરવો એ એક અલગ ગુનો ગણાય છે.
કડક નિયમોને કારણે જેલવાસ અને જૂનો રેકોર્ડ
ફ્લોરિડાના કડક કાયદા મુજબ, નશામાં વાહન ચલાવવાના આરોપસર ધરપકડ કરાયેલ વ્યક્તિએ જામીન પર મુક્ત થતા પહેલા ઓછામાં ઓછા આઠ કલાક જેલમાં વિતાવવા પડે છે. વુડ્સ પર અત્યારે DUI, મિલકતને નુકસાન અને મેડિકલ ટેસ્ટનો ઈન્કાર કરવા જેવા અનેક આરોપો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ટાઇગર વુડ્સ માટે આ પ્રથમ ઘટના નથી. આ પહેલા 2017માં પણ જ્યુપિટરમાં જ તેમની ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં તેમણે બેદરકારીથી વાહન ચલાવવાનો ગુનો કબૂલ્યો હતો. આ ઘટના બાદ ટાઇગર વુડ્સની કારકિર્દી અને તેમની છબી પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે. રમતજગતના આ દિગ્ગજ ખેલાડીની આ હરકતથી તેમના ચાહકોમાં નિરાશા જોવા મળી રહી છે.








