Asian Games 2026: એશિયન ગેમ્સ 2026માં ભારતીય તીરંદાજોએ મેળવેલી ઐતિહાસિક જીત બાદ દેશભરમાં ઉજવણીનો માહોલ છે. પરંતુ આ જ શાનદાર જીત પાછળ મહેનત કરનાર વિદેશી કોચના પગારને લઈને એક મોટો વિવાદ સામે આવ્યો છે. ભારતને કમ્પાઉન્ડ તીરંદાજીમાં ગોલ્ડ મેડલ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર અમેરિકન કોચ ડેવ કઝિન્સ છેલ્લા 3 મહિના કરતાં વધુ સમયથી પોતાના પગારની રાહ જોઈ રહ્યા છે. આટલો સમય વીતી ગયા પછી પણ ચૂકવણી ન થતાં નારાજ થયેલા કોચે હવે ભારત છોડીને પોતાના દેશ પાછા ફરવાની ચેતવણી આપી દીધી છે.
અધિકારીઓએ આપી ઝડપી ચુકવણીની ખાતરી
આ મામલો સામે આવ્યા બાદ ખેલ જગતમાં ભારે ચર્ચા જાગી છે. સ્થિતિને ગંભીરતાથી લેતાં આર્ચરી એસોસિએશન ઓફ ઈન્ડિયા (AAI) અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI)ના અધિકારીઓએ પગાર ચૂકવવામાં થયેલા વિલંબનો સ્વીકાર કર્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, બેંક અને ટેક્નિકલ સમસ્યાઓના કારણે આ ચુકવણી અટકી પડી હતી. પરંતુ હવે આ સમસ્યાનો ઉકેલ આવી ગયો છે અને આગામી બે થી ત્રણ દિવસની અંદર કોચના બાકી નીકળતા નાણાં તેમના ખાતામાં જમા કરી દેવામાં આવશે.
વિશ્વ ચેમ્પિયનમાંથી ભારતીય ટીમના માર્ગદર્શક બન્યા
49 વર્ષીય ડેવ કઝિન્સ તીરંદાજીની દુનિયામાં એક જાણીતું નામ છે. તેઓ ભૂતકાળમાં વિશ્વના નંબર-1 તીરંદાજ રહી ચૂક્યા છે અને 1999 તેમજ 2003માં વર્લ્ડ આર્ચરી ચેમ્પિયનશિપનો ખિતાબ પણ પોતાના નામે કરી ચૂક્યા છે. મે 2026માં તેમને ભારતીય કમ્પાઉન્ડ તીરંદાજી ટીમના મુખ્ય વિદેશી કોચ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. કોઈ આંતરરાષ્ટ્રીય ટીમ સાથે મુખ્ય કોચ તરીકે આ તેમની પ્રથમ સફર હતી, જેમાં તેમણે ટૂંકા સમયમાં જ પોતાના કૌશલ્યનો પુરાવો આપ્યો છે.
શૂટ-ઓફમાં દક્ષિણ કોરિયાને હરાવી રચ્યો ઇતિહાસ
ડેવ કઝિન્સના માર્ગદર્શન હેઠળ ભારતીય ખેલાડીઓએ મેદાન પર અદ્ભુત પ્રદર્શન કર્યું છે. એશિયન ગેમ્સની કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં સાહિલ જાધવ અને ચિકિતા તાનિપાર્થીની જોડીએ દક્ષિણ કોરિયા સામે શૂટ-ઓફ સુધી ખેંચાયેલી રોમાંચક ફાઇનલમાં જીત મેળવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. આ ઐતિહાસિક સફળતાની સાથે જ ભારતે લોસ એન્જલસ ઓલિમ્પિક 2028 માટે કમ્પાઉન્ડ તીરંદાજીમાં પોતાનો પ્રથમ ક્વોટા પણ મેળવી લીધો છે.
ભવિષ્યની તૈયારીઓ વચ્ચે વહીવટી વહેવટ સામે સવાલો
એક તરફ ભારતીય તીરંદાજી ટીમ આગામી લોસ એન્જલસ ઓલિમ્પિક 2028ની તૈયારીઓમાં વ્યસ્ત છે, તો બીજી તરફ આવા સફળ વિદેશી કોચ સાથે થયેલા વ્યવહારને કારણે વહીવટી વ્યવસ્થા પર સવાલો ઊભા થઈ રહ્યા છે. રમતગમતના નિષ્ણાતોનું માનવું છે કે આવી ઘટનાઓથી ખેલાડીઓ અને કોચના મનોબળ પર નકારાત્મક અસર પડે છે. હવે જોવાનું એ રહેશે કે અધિકારીઓ પોતાના વચન મુજબ ડેવ કઝિન્સને સમયસર પગાર ચૂકવે છે કે નહીં અને તેઓ ભારતીય ટીમ સાથે પોતાની સફર આગળ ધપાવે છે કે નહીં.








