T20 world cup tickets: T20 વર્લ્ડ કપ 2026ની મેચોની ટિકિટનું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે. આ વચ્ચે કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સનું સંચાલન કરતી ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB)એ બુધવાર, 17 ડિસેમ્બરના રોજ અહીં યોજાનારી મેચોની ટિકિટના ભાવ જાહેર કર્યા છે. ગ્રુપ સ્ટેજ, સુપર આઠ અને સેમિફાઈનલ મેચો માટે અલગ-અલગ કિંમતો નક્કી કરવામાં આવી છે.
ફેઝમાં ઈડન ગાર્ડન્સમાં કોઈ મેચ રમવાની નથી
આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટની 10મી સીઝન 7 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. ક્રિકેટ ચાહકો માટે ખાસ વાત એ છે કે કેટલીક મેચોની ટિકિટ માત્ર 100 રૂપિયાથી શરૂ થાય છે. જોકે, આ ઓછી કિંમતો પર ભારતની મેચોની ટિકિટ ઉપલબ્ધ નહીં હોય, કારણ કે ટીમ ઈન્ડિયા લીગ ફેઝમાં ઈડન ગાર્ડન્સમાં કોઈ મેચ રમવાની નથી. બાંગ્લાદેશ vs ઈટાલી, ઈંગ્લેન્ડ vs ઈટાલી અને વેસ્ટ ઈન્ડિઝ vs ઈટાલી જેવી ગ્રુપ સ્ટેજ મેચો માટે સૌથી ઓછી કિંમતની ટિકિટ ઉપલબ્ધ રાખવામાં આવી છે. આ મેચોમાં અપર બ્લોકની ટિકિટ 100 રૂપિયા સુધીમાં મળશે, જ્યારે પ્રીમિયમ હોસ્પિટાલિટી ટિકિટની કિંમત 4,000 રૂપિયા રાખવામાં આવી છે.
ટિકિટના ભાવ સૌથી વધુ રાખવામાં આવ્યા
વેસ્ટ ઈન્ડિઝ vs બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડ vs બાંગ્લાદેશ જેવી વધુ લોકપ્રિય ગ્રુપ મેચો માટે ટિકિટના ભાવ ઊંચા રાખવામાં આવ્યા છે. અહીં પ્રીમિયમ હોસ્પિટાલિટી ટિકિટ 5,000 રૂપિયા સુધી પહોંચે છે, જ્યારે અપર બ્લોક માટે 300 રૂપિયા ચૂકવવા પડશે. ઈડન ગાર્ડન્સમાં રમાનારી સુપર આઠ મેચો અને સેમિફાઈનલ માટે ટિકિટના ભાવ સૌથી વધુ રાખવામાં આવ્યા છે. પ્રીમિયમ હોસ્પિટાલિટી ટિકિટ માટે 10,000 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે સૌથી ઓછી કિંમતની અપર બ્લોક ટિકિટ 900 રૂપિયામાં મળશે.








