T-20 Worldcup News: ટી-20 વર્લ્ડ કપ 2026માં આજે ભારત અને નામિબિયા વચ્ચે જંગ જામવાનો છે, પરંતુ તે પહેલા જ મેદાનની બહાર ‘પ્રેક્ટિસ વિવાદ’ ગરમાયો છે. નામિબિયાના કેપ્ટન ગેરહાર્ડ ઇરાસ્મસએ આયોજકો પર ગંભીર ભેદભાવના આક્ષેપ કરતા જણાવ્યું છે કે, ભારત જેવી જાયન્ટ ટીમ સામેની રાત્રિ મેચ પૂર્વે તેમની ટીમને એક પણ વાર ફ્લડ લાઈટ્સમાં પ્રેક્ટિસ કરવાની તક આપવામાં આવી નથી. કેપ્ટનનો આક્ષેપ છે કે શિડ્યુલ એવી રીતે બનાવાયું છે કે જેથી નામિબિયા જેવી નાની ટીમોને પૂરતી તૈયારીનો મોકો જ ન મળે.
નામિબિયાને બપોરે 2 વાગ્યે મેદાનમાં મોકલાયા
વિવાદના મૂળમાં પ્રેક્ટિસનો સમય છે. નામિબિયાએ તેની છેલ્લી મેચ સવારે રમી હતી, જ્યારે ભારત સામેની મેચ રાત્રે 7 વાગ્યે છે. ઇરાસ્મસના જણાવ્યા મુજબ, ભારતને પ્રેક્ટિસ માટે સાંજે 6 થી 9 વાગ્યાનો અનુકૂળ સમય અપાયો હતો, જ્યારે નામિબિયાને બપોરે 2 થી 5 ના ધોમધખતા તાપમાં પ્રેક્ટિસ કરવા મજબૂર કરાયા હતા. રાત્રે રમાનારી મેચમાં બોલની ગતિ અને ઝાકળને સમજવા માટે નાઈટ સેશન અનિવાર્ય હોય છે, જેમાંથી નામિબિયાને વંચિત રાખવામાં આવ્યું હોવાની ફરિયાદ ઉઠી છે.
કેનેડાને મળી એન્ટ્રી પણ અમને કેમ નહીં?
ઇરાસ્મસે પ્રેસ કોન્ફરન્સમાં સૌથી મોટો ધડાકો કરતા કહ્યું કે, બુધવારે જ્યારે ભારત લાઈટ્સ હેઠળ પ્રેક્ટિસ કરી રહ્યું હતું ત્યારે તેની સાથે કેનેડાની ટીમ પણ ટ્રેનિંગમાં જોડાઈ હતી. નવાઈની વાત એ છે કે કેનેડાની મેચ શુક્રવારે બપોરે છે, છતાં તેમને નાઈટ પ્રેક્ટિસ મળી. જ્યારે અમારે ગુરુવારે જ રાત્રે મેચ રમવાની હોવા છતાં અમને લાઈટ્સમાં ઉતરવા દેવામાં આવ્યા નથી." આ વિરોધાભાસી વલણે ટૂર્નામેન્ટમાં મોટી ટીમોને અપાતા વિશેષ મહત્વ સામે સવાલો ઉભા કર્યા છે.
ફ્લડ લાઈટ્સ હેઠળ રમવાનો અનુભવ નથી
કેપ્ટને વધુમાં પોતાની મજબૂરી જણાવતા કહ્યું કે, નામિબિયામાં ફ્લડ લાઈટ્સ વાળા સ્ટેડિયમની અછત છે. જે ખેલાડીઓ આઈપીએલ જેવી ગ્લોબલ લીગમાં નથી રમતા, તેમના માટે ફ્લડ લાઈટ્સમાં બોલની હિલચાલ પારખવી મુશ્કેલ હોય છે. આવી મહત્વની મેચ પહેલા ઓછામાં ઓછું એક નાઈટ સેશન મળ્યું હોત તો ખેલાડીઓને વાતાવરણથી માહિતગાર થવાની તક મળી હોત. હવે નામિબિયાના ખેલાડીઓએ સીધા જ ભારત સામેની મેચમાં ઉતરવું પડશે.
અમે મેદાન પર પૂરી તાકાત લગાવીશું
ભલે નામિબિયન છાવણીમાં આયોજકો સામે ભારે રોષ હોય, પરંતુ કેપ્ટન ઇરાસ્મસે ભારતીય ટીમને પણ ચેતવણી આપી દીધી છે. તેમણે કહ્યું કે, સુવિધાઓમાં ભેદભાવ અમને માનસિક રીતે વધુ મજબૂત બનાવશે. તેમણે સ્પષ્ટ કર્યું કે ભલે અમને લાઈટ્સમાં પ્રેક્ટિસ ન મળી હોય, પણ અમે મેદાન પર અમારા ‘નામિબિયન અંદાજ’માં લડીશું અને ભારત સામે અપસેટ સર્જવા પૂરી તાકાત લગાવી દઈશું. આ નિવેદને મેચ પહેલાના તાપમાનમાં વધારો કરી દીધો છે.
વિવાદ બાદ આઈસીસીના વલણ પર નજર
આ મામલે આઈસીસી (ICC) કે સ્થાનિક આયોજકો તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા આવી નથી. ક્રિકેટ પંડિતો માની રહ્યા છે કે મોટી ટીમોની ડિમાન્ડ અને બ્રોડકાસ્ટિંગના હિતોને સાચવવા માટે ઘણીવાર સમય ફાળવણીમાં આવી ‘ચૂક’ થતી હોય છે. જોકે, નામિબિયા જેવા ઉભરતા ક્રિકેટ દેશના કેપ્ટને જે રીતે ખુલ્લેઆમ અવાજ ઉઠાવ્યો છે, તે જોતા ભવિષ્યમાં શેડ્યુલિંગની પ્રક્રિયા વધુ પારદર્શક બનાવવાની માંગ ઉઠશે તે નક્કી છે.








