Yashasvi Jaiswal Headbutt Controversy: ક્રિકેટના મેદાન પર જોશ, સ્લેજિંગ અને વળતો જવાબ આપવો એ રમતનો એક ભાગ માનવામાં આવે છે પરંતુ જ્યારે આ બાબત શાબ્દિકમાંથી શારીરિક ટકરાવ સુધી પહોંચી જાય, ત્યારે સવાલો માત્ર ખેલાડીની ભૂલ પર નથી ઊભા થતા પરંતુ, રમતનું સંચાલન કરતી સંસ્થાઓ કેટલી કડક કાર્યવાહી કરે છે તેના પર ઊભા થાય છે. શ્રીલંકા સામેની ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલ અને શ્રીલંકન ફાસ્ટ બોલર અસિથા ફર્નાન્ડો વચ્ચે ગૌલ (Galle) ખાતે થયેલો વિવાદ હવે ગંભીર ચર્ચાનો વિષય બન્યો છે.
માંજરેકરનો સણસણતો સવાલ: સજા પૂરતી છે કે નહીં?
ગૌલ ટેસ્ટ દરમિયાન આઉટ થઈને પેવેલિયન તરફ પરત ફરી રહેલા યશસ્વી જયસ્વાલ અને અસિથા ફર્નાન્ડો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાત એટલી વધી ગઈ કે જયસ્વાલે ફર્નાન્ડોને માથા વડે ટક્કર (Headbutt) મારી દીધી હતી. ICCએ જયસ્વાલ પર મેચ ફીના 25 ટકા દંડ અને 1 ડિમેરિટ પોઈન્ટ ફટકાર્યો હતો પરંતુ, પૂર્વ ભારતીય બેટ્સમેન અને કોમેન્ટેટર સંજય માંજરેકર આ સજાથી અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું: "પહેલા વૈભવ, હવે જયસ્વાલ... જો તમે ખેલાડીઓને આવા વર્તનને હળવાશમાં લઈને તેમને છોડી દેશો તો તમે તેમને એ જ ભૂલ ફરી કરવા પ્રોત્સાહિત કરી રહ્યા છો. આ રમત માટે અને સૌથી મહત્વનું, તેમના પોતાના ભવિષ્ય માટે સારું નથી."
વૈભવ સૂર્યવંશીની જૂની ઘટનાનો ઉલ્લેખ
સંજય માંજરેકરે આ વિવાદમાં યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ વર્ષે જૂન મહિનામાં ભારત 'એ' અને શ્રીલંકા 'એ' વચ્ચેની સુપર ઓવર મેચ બાદ વૈભવ સૂર્યવંશી અને શ્રીલંકન ખેલાડી વિષેન હલંબેગે વચ્ચે તણાવ થયો હતો, જેમાં વૈભવે હલંબેગેને ધક્કો માર્યો હતો. તે સમયે પણ બંને ખેલાડીઓ પર 50 ટકા મેચ ફીનો દંડ લાગ્યો હતો. માંજરેકરનું માનવું છે કે, આવી ઘટનાઓ દર્શાવે છે કે ભારતીય યુવા ખેલાડીઓમાં મેદાન પરની શારીરિક આક્રમકતા 'ચલતા હૈ' કલ્ચરમાં બદલાઈ રહી છે.
'બેકઓફ નહીં કરવાનો' જયસ્વાલનો અંદાજ
શ્રીલંકા સામેની સીરીઝ દરમિયાન જ હર્ષા ભોગલેએ પણ જયસ્વાલના મેદાન પરના વર્તન અંગે ચિંતા વ્યક્ત કરી હતી, જેનો જવાબ આપતાં જયસ્વાલે સ્પષ્ટ કર્યું હતું કે જો કોઈ સીમા પાર કરશે તો ભારત વળતો જવાબ આપશે પરંતુ, માંજરેકરનો તર્ક છે કે શાબ્દિક વળતો જવાબ આપવો અને સામેથી શારીરિક રીતે હિંસક થવું (Physical Contact) એ બંને અલગ બાબતો છે.
મેદાન પર સતત વધતી તીખી નોકઝોંક
આ મેચ દરમિયાન માત્ર જયસ્વાલ જ નહીં પરંતુ, મોહમ્મદ સિરાજ અને કામિલ મિશારા વચ્ચે પણ તીખી નોકઝોંક થઈ હતી, જેમાં અમ્પાયરોએ હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. આ સિવાય સબ્સ્ટિટ્યૂટ ફિલ્ડર સરફરાઝ ખાન પણ ધનંજય ડી સિલ્વા અને નિરોશન ડિકવેલા સાથે ઉલઝતો જોવા મળ્યો હતો. માંજરેકરનો સંદેશ સ્પષ્ટ છે કે, આક્રમકતા બેટ અને બોલથી દેખાવી જોઈએ, હાથ કે માથું ઊંચું કરીને નહીં.
ICCનો પ્લેયર્સ કોડ ઓફ કંડક્ટ
લેવલ-1 અને લેવલ-2ના ગુના: રમતના નિયમો અનુસાર કોઈ ખેલાડી, અમ્પાયર કે સપોર્ટ સ્ટાફ સાથે બિનજરૂરી શારીરિક સ્પર્શ કરવો એ ICC કોડ ઓફ કંડક્ટના લેવલ-1 અથવા લેવલ-2 હેઠળ આવે છે.
ડિમેરિટ પોઈન્ટ સિસ્ટમ: જો કોઈ ખેલાડી 24 મહિનાની અંદર 4 કે તેથી વધુ ડિમેરિટ પોઈન્ટ્સ મેળવે છે તો તેને સસ્પેન્શન પોઈન્ટ્સમાં બદલીને 1 કે 2 મેચ માટે બેન (સસ્પેન્ડ) કરવામાં આવે છે.
માંજરેકરનો પ્રસ્તાવ: માંજરેકરનું માનવું છે કે, માત્ર નાણાકીય દંડ યુવા ખેલાડીઓ માટે પૂરતો નથી. જો શારીરિક આક્રમકતા રોકવી હોય તો શિસ્તભંગ કરનાર ખેલાડીને આગામી 1 કે 2 મેચ માટે ટીમમાંથી બહાર (Drop) કરી દેવો જોઈએ.








