Saaniya Chandhok Veterinary Technician: મહાન ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રવધૂ અને અર્જુન તેંડુલકરની પત્ની સાનિયા ચંડોકે પોતાની વ્યાવસાયિક સફરમાં પ્રેરણાદાયી માઇલસ્ટોન હાંસલ કર્યો છે. સાનિયા હવે એક સર્ટિફાઇડ વેટરનરી ટેકનિશિયન બની ગઈ છે. તેણે WVS (Worldwide Veterinary Service) ના 'ABC પ્રોગ્રામ' હેઠળ આ સર્ટિફિકેટ પ્રાપ્ત કર્યું છે. સાનિયાએ આ સિદ્ધિની ખુશી વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો પણ શેર કરી છે, જેમાં તે એક ક્લિનિકલ વાતાવરણમાં શ્વાનની સારસંભાળ અને સારવાર કરતી જોવા મળે છે.
નણંદ સારા તેંડુલકરે પોસ્ટ લાઈક કરી લૂંટાવ્યો પ્રેમ
સાનિયા ચંડોકની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ફેન્સ તેના પ્રત્યે ભારે પ્રેમ અને શુભેચ્છાઓ વરસાવી રહ્યા છે. ખાસ વાત એ છે કે, તેની નણંદ અને સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરે પણ આ પોસ્ટને લાઈક કરીને પોતાની ભાભી માટે પ્રેમ દર્શાવ્યો છે. સાનિયા અને સારા વચ્ચે ખૂબ જ સારો અને જૂનો સંબંધ હોવાનું માનવામાં આવે છે. સર્ટિફિકેશન દરમિયાન સાનિયાની ટ્રેનિંગનો મુખ્ય હેતુ પ્રાણીઓના સ્વાસ્થ્ય અને તેમની પ્રાથમિક તબીબી પ્રક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો હતો. આ પોસ્ટથી સ્પષ્ટ થાય છે કે, પેટ્સ (Pets) પ્રત્યેનો તેનો પ્રેમ માત્ર સોશિયલ મીડિયા પૂરતો સીમિત નથી, પરંતુ તે આ ક્ષેત્રમાં પ્રોફેશનલી સક્રિય છે.
પેટ કેર બિઝનેસ પણ ચલાવે છે સાનિયા ચંડોક
સાનિયા માત્ર સર્ટિફાઇડ વેટરનરી ટેકનિશિયન જ નથી પરંતુ, તે એક સફળ મહિલા ઉદ્યોગસાહસિક (Entrepreneur) પણ છે. તેણે મુંબઈમાં 'મિસ્ટર પોઝ પેટ સ્પા એન્ડ સ્ટોર એલએલપી'ની સ્થાપના કરી છે. આ એક એવો સ્ટોર છે જે પાલતુ પ્રાણીઓની ગરૂમિંગ, સ્કીનકેર અને વેલનેસ જેવી સેવાઓ પૂરી પાડે છે. સાનિયાએ પાલતુ પ્રાણીઓની સંભાળને માત્ર એક બિઝનેસ તરીકે નથી અપનાવ્યો, પરંતુ તેના માટે યોગ્ય પ્રોફેશનલ ટ્રેનિંગ લઈને પોતાના કામ પ્રત્યેની નિષ્ઠા દર્શાવી છે.
મુંબઈના નામાંકિત બિઝનેસ પરિવાર સાથે ધરાવે છે સંબંધ
સાનિયા ચંડોક મુંબઈના ખૂબ જ જાણીતા અને પ્રતિષ્ઠિત બિઝનેસ પરિવારમાંથી આવે છે. તે ગ્રેવિસ ગ્રુપના ચેરમેન રવિ ઘઈની પૌત્રી છે. તેમનો પરિવાર મુખ્યત્વે હોસ્પિટાલિટી અને ફૂડ સેક્ટરના બિઝનેસ સાથે જોડાયેલો છે. આ પરિવાર 'ધ બ્રુકલિન ક્રીમરી' અને જાણીતી આઈસ્ક્રીમ બ્રાન્ડ 'બાસ્કીન રોબિન્સ' જેવા મોટા બ્રાન્ડ્સ સાથે સંકળાયેલો છે. મોટા પરિવારની પુત્રી હોવા છતાં સાનિયાએ પોતાની અલગ ઓળખ બનાવી છે. તેણે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ (LSE) માંથી બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ પૂર્ણ કર્યો અને ત્યારબાદ પોતાના પેશન એટલે કે પેટ કેર સેક્ટરમાં કદમ મૂક્યો.
માર્ચ 2026માં અર્જુન તેંડુલકર સાથે થયા હતા લગ્ન
સાનિયા ચંડોક અને ભારતીય ક્રિકેટર અર્જુન તેંડુલકરના લગ્ન 5 માર્ચ, 2026ના રોજ યોજાયા હતા. અર્જુન તેંડુલકર એ મહાન બેટ્સમેન સચિન તેંડુલકર અને અંજલિ તેંડુલકરનો પુત્ર છે. મુંબઈની એક આલીશાન હોટેલમાં યોજાયેલા આ લગ્ન સમારોહમાં ક્રિકેટ, બૉલીવુડ, બિઝનેસ અને રાજકારણ જગતની અનેક મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. લગ્ન પહેલાં પણ બંનેના અફેરની વાતો ચર્ચામાં રહી હતી.
અર્જુન તેંડુલકરની ક્રિકેટ સફર
બીજી તરફ અર્જુન તેંડુલકરના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો તેણે પોતાની હોમ ટીમ મુંબઈથી સ્થાનિક ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું અને પાછળથી ગોવા રાજ્યની ટીમ તરફથી રમવાનો નિર્ણય લીધો હતો. આઈપીએલ (IPL) માં તેને સૌથી પહેલાં મુંબઈ ઈન્ડિયન્સે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ આઈપીએલ ડેબ્યૂ માટે તેણે 2023 સુધી રાહ જોવી પડી હતી. અર્જુને મુંબઈ ઈન્ડિયન્સ માટે ૫ મેચ રમી છે જેમાં 3 વિકેટ અને 13 રન નોંધાવ્યા છે. 2026ની આઈપીએલ સીઝન માટે તેને લખનૌ સુપર જાયન્ટ્સે 30 લાખ રૂપિયાની ઓલ-કેશ ડીલમાં મુંબઈ ઈન્ડિયન્સ પાસેથી ટ્રેડ કર્યો છે. સ્થાનિક ક્રિકેટના આંકડા જોઈએ તો અર્જુને 24 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 685 રન અને 52 વિકેટ ઝડપી છે. 24 લિસ્ટ-એ મેચોમાં 160 રન સાથે 26 વિકેટ મેળવી છે. જ્યારે 29 ટી-20 મેચોમાં તેના નામે 189 રન અને 35 વિકેટ નોંધાયેલી છે. આમ, અર્જુન મેદાન પર પોતાની ઓળખ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, જ્યારે તેની પત્ની સાનિયા પેટ કેર અને વેટરનરી ક્ષેત્રે પોતાની અલગ વ્યાવસાયિક સફર ખેડી રહી છે.








