Rishabh Pant Breaks MS Dhoni Record: ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોના સિંહલી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ઋષભ પંતે શાનદાર સિદ્ધિ પોતાના નામે કરી છે. પંતે વિદેશી અને ન્યૂટ્રલ વેન્યૂ પર ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય વિકેટકીપર તરીકે સૌથી વધુ રન બનાવવાના મામલે મહેન્દ્ર સિંહ ધોનીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. પંતના નામે હવે વિદેશી અને ન્યૂટ્રલ મેદાનો પર રમાયેલી ટેસ્ટ મેચોમાં 2,501 રન થઈ ગયા છે. જ્યારે ધોનીએ પોતાની ટેસ્ટ કારકિર્દીમાં આવા મેદાનો પર કુલ 2,496 રન બનાવ્યા હતા. આ સાથે પંતે ધોનીને પાછળ છોડીને ભારતીય વિકેટકીપર બેટ્સમેનોની યાદીમાં પ્રથમ સ્થાન મેળવી લીધું છે.
પંતની એવરેજ પણ સૌથી શાનદાર
વિદેશી અને ન્યૂટ્રલ વેન્યૂ પર ભારતીય વિકેટકીપર તરીકે સૌથી વધુ ટેસ્ટ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં પંત હવે ટોચ પર છે.
ઋષભ પંત – 2,501 રન
એમએસ ધોની – 2,496 રન
ફરોખ એન્જિનિયર – 1,209 રન
સૈયદ કિરમાની – 1,109 રન
કિરણ મોરે – 901 રન
ખાસ વાત એ છે, કે પંતે આ આંકડો 41.68ની શાનદાર બેટિંગ એવરેજ સાથે હાંસલ કર્યો છે, જે આ યાદીમાં સામેલ ભારતીય વિકેટકીપરોમાં સૌથી વધુ છે.
ઈજા બાદ પંતે ફરી મેદાનમાં ઉતરી બતાવી મક્કમતા
બીજી ટેસ્ટના પ્રથમ દિવસે પંતને ડાબા હાથમાં ઈજા થઈ હતી. શ્રીલંકાના ફાસ્ટ બોલર લાહિરુ કુમારાએ શોર્ટ બોલ ફેંક્યો હતો, જેને પંતે બિહાઇન્ડ સ્ક્વેર રમવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બોલ તેના ડાબા હાથ પર વાગ્યો હતો. ઈજા બાદ ભારતીય ટીમના ફિઝિયોથેરાપિસ્ટે તરત જ પંતની સારવાર કરી હતી. શરૂઆતમાં તેના હાથ પર આઈસ પેક લગાવવામાં આવ્યો અને ત્યારબાદ પાટો બાંધવામાં આવ્યો હતો. અસ્વસ્થતા વધતાં પંતને મેદાન છોડવું પડ્યું હતું. પંતે 15 બોલમાં 3 રન બનાવ્યા બાદ ભારતની ઇનિંગ્સની 58મી ઓવરમાં ફિઝિયોથેરાપિસ્ટ સાથે મેદાનની બહાર જવું પડ્યું હતું.
બીજા દિવસે ફરી બેટિંગ કરવા ઉતર્યો
જો, કે બીજા દિવસે શ્રીલંકાએ ભારતની છઠ્ઠી વિકેટ ઝડપી ત્યારબાદ પંત ફરી બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યો હતો. તેણે ધ્રુવ જુરેલ સાથે મળીને ભારતીય ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો. શ્રીલંકાના બોલરોએ પંત સામે સતત શોર્ટ-પિચ બોલિંગ કરી હતી. કેટલાક બોલ તેના ખભા પર પણ વાગ્યા હતા. તેમ છતાં પંતે મક્કમતા દર્શાવી અને જુરેલ સાથે મહત્વપૂર્ણ ભાગીદારી કરીને ભારતીય ઇનિંગ્સને સંભાળવામાં મદદ કરી. ઈજા વચ્ચે મેદાનમાં પરત ફરીને પંતે માત્ર પોતાની લડાયક ભાવના જ નહીં, પરંતુ ધોનીનો મોટો રેકોર્ડ તોડીને ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં પોતાનું નામ વધુ મજબૂત રીતે નોંધાવ્યું છે.








