RCB Play In M Chinnaswamy Stadium: IPLની ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ આગામી સીઝન માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ભાવનાત્મક જાહેરાત કરી છે. લાંબા સમયના વિવાદ અને અટકળો બાદ, ફ્રેન્ચાઇઝીએ સ્પષ્ટ કર્યું છે કે આઈપીએલ 2026 માં ટીમ ફરી એકવાર પોતાના હોમ ગ્રાઉન્ડ એટલે કે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમતી જોવા મળશે. આરસીબીએ જાહેર કરેલા શિડ્યુલ મુજબ, ટીમ પોતાની 7 હોમ મેચો પૈકી 5 મેચ બેંગલુરુમાં અને બાકીની 2 મેચ રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમશે.
દુર્ઘટના બાદ વાપસી અંગે હતા સવાલો
ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આરસીબીની વાપસી એટલા માટે ચર્ચાનો વિષય બની હતી કારણ કે અગાઉ સ્ટેડિયમમાં થયેલી એક કમનસીબ ભાગદોડની ઘટનામાં 11 ચાહકોએ જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટના બાદ સ્ટેડિયમની સુરક્ષા અને મેનેજમેન્ટ પર ગંભીર સવાલો ઉઠ્યા હતા. પરિણામે, આ મેદાન પર રણજી ટ્રોફી, વિજય હજારે ટ્રોફી કે મહારાજા ટ્રોફી જેવી કોઈ મોટી સ્થાનિક મેચોનું આયોજન કરવામાં આવ્યું નહોતું. જોકે, આરસીબી મેનેજમેન્ટ અને કર્ણાટક સરકાર વચ્ચે મહિનાઓ સુધી ચાલેલી ચર્ચા બાદ હવે સુરક્ષાના કડક પ્રોટોકોલ સાથે મેચો યોજવાની મંજૂરી મળી ગઈ છે.
સખત મહેનત અને ચર્ચા બાદ લેવાયો નિર્ણય
મંગળવારે જારી કરાયેલી પ્રેસ રિલીઝમાં આરસીબીએ જણાવ્યું હતું કે, "આ નિર્ણય તમામ સંબંધિત અધિકારીઓ સાથેની મહિનાઓની સખત મહેનત અને ચર્ચાનું પરિણામ છે. અમારો મુખ્ય ધ્યેય ચાહકો માટે રમતગમતને તેમના ઘરે પરત લાવવાનો છે." ફ્રેન્ચાઇઝીએ બેંગલુરુમાં મેચોનું સુરક્ષિત આયોજન કરવા માટે કર્ણાટક સરકાર, કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન (KSCA) અને કર્ણાટક પોલીસનો વિશેષ આભાર માન્યો હતો.
આરસીબીની ઓળખ
આરસીબીના સીઈઓ (CEO) રાજેશ મેનને આ જાહેરાત પર ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ માત્ર અમારું હોમ ગ્રાઉન્ડ નથી, પરંતુ તે અમારી ઓળખ છે. બેંગલુરુના ચાહકોની જે ઉર્જા છે, તે ખેલાડીઓ માટે સૌથી મોટો પ્રેરણા સ્ત્રોત છે. અમારા ચાહકોએ દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં ટીમનો સાથ આપ્યો છે, અને તેઓ પોતાની ટીમને ઘરઆંગણે રમતી જોવાના સંપૂર્ણ હકદાર છે."
ડિફેન્ડિંગ ચેમ્પિયન હોવાથી સીઝનની પહેલી મેચ પણ અહીં જ
આઈપીએલની પરંપરા મુજબ, સીઝનની પ્રથમ મેચ હંમેશા ગત વર્ષની વિજેતા ટીમના હોમ ગ્રાઉન્ડ પર રમાય છે. આરસીબી 2025 ની ચેમ્પિયન હોવાથી, આઈપીએલ 2026 ની ઉદ્ઘાટન મેચ હવે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં જ યોજાશે તે નિશ્ચિત બન્યું છે. સુરક્ષાના કારણોસર રાયપુરને સેકન્ડરી હોમ ગ્રાઉન્ડ તરીકે પસંદ કરવામાં આવ્યું છે, જ્યાં બે મહત્વની મેચો રમાશે. આ સમાચારથી આરસીબીના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.








