Prithvi Shaw controversy: ભારતીય ટીમમાંથી લાંબા સમયથી બહાર રહેલા ઓપનર પૃથ્વી શૉએ પૂર્વ ક્રિકેટર અને યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહના નિવેદનનો જવાબ આપ્યો છે. યોગરાજ પોતાના બેબાક નિવેદનો માટે જાણીતા છે. તેમણે કહ્યું હતું કે, પાર્ટી કરવી, દારુ પીવું અને ખોટી સંગતના કારણે પૃથ્વી શૉનું કરિયર ખરાબ થયું. તેમણે પૃથ્વી શૉની તુલના પૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલી સાથે પણ કરી હતી. પૃથ્વી શૉને આવનારો સચિન તેંદુલકર માનવામાં આવતો હતો. 2018માં તેમણે ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કરીને સદી ફટકારી હતી. 2021 બાદ પૃથ્વી શૉને ભારત માટે રમવાની તક નથી મળી.
યોગરાજ સિંહે શું કહ્યું હતું?
યોગરાજ સિંહે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'પૃથ્વી શૉનું કરિયર ગબડવાનું કારણ તેની લાઇફસ્ટાઇલ હતી. પૃથ્વી શૉનું કરિયર કેમ ખરાબ થયું? આ પહેલાં વિનોદ કાંબલી સાથે પણ આવું જ થયું હતું. તેનું કારણ હતું પાર્ટી, મહિલાઓ સાથે ફરવું, સિગારેટ અને દારૂ.'
Instagram Embed
વિનોદ કાંબલી સાથે કરી સરખામણી
વિનોદ કાંબલી સાથે જોડાયેલો એક કિસ્સો સંભળાવતા યોગરાજ સિંહે કહ્યું કે, 'મેં એકવાર કાંબલીને પૂછ્યું હતું કે, આટલા ટેલેન્ટ બાદ પણ તું રાત્રે અઢી વાગ્યે પોતાના રૂમમાં કેમ પરત આવે છે? જેનો કાંબલીએ જવાબ આપ્યો હતો કે, મારો દોર હવે ખતમ થઈ ગયો છે અને હવે હું અલગ પ્રકારનું ક્રિકેટ રમી રહ્યો છું. બીજા દિવસે વેસ્ટઇન્ડીઝના કર્ટની વૉલ્શે કાંબલીને આઉટ કરી દીધો અને ભારત મેચ હારી ગયું. કાંબલીને દારૂ-સિગારેટમાં સાથ આપનારા એ લોકો ક્યાંય ન મળ્યા.' તેમણે આ વાત કરીને પૃથ્વી શૉને ચેતવણી આપી હતી.
Instagram Embed
પૃથ્વી શૉ એ કાનૂની કાર્યવાહીની આપી ધમકી
મહારાષ્ટ્ર માટે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમી રહેલા પૃથ્વી શૉ એ કહ્યું કે, 'મને મારા ભૂતકાળને લઈને કોઈ મુશ્કેલી નથી. પરંતુ, આ સહન નહીં કરૂ કે કોઈ મારા નામ અને નિજી જીવનનો ઉપયોગ કરીને ખોટી વાતો ફેલાવે. મારો ભૂતકાળ મારી જિંદગીનો ભાગ છે અને મને તેને સંતાડવા કે તેના પર શરમ કરવાની કોઈ જરૂર નથી. પરંતુ, હું કોઈને પણ મારૂં નામ, નિજી જીવન અથવા ભૂતકાળનો ઉપયોગ કરીને નકારાત્મક વાતો ફેલાવવા, કારણ વિના વિવાદ ઊભો કરવા, મારી છબી ખરાબ કરવા કે પબ્લિસિટી મેળવવાની મંજૂરી નહીં આપું.'
મારી ચુપ્પી કમજોરી નથીઃ પૃથ્વી શૉ
પૃથ્વી શૉ મુજબ તે પોતાની ઇજ્જત, નિજી જીવન અને છબી બચાવવા માટે કાયદાકીય પગલાં લેવાથી પીછેહઠ નહીં કરે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, 'મારી ચુપ્પીને મારી કમજોરી સમજવું ન જોઈએ. પોતાનો મત મૂકવો અલગ વાત છે અને કોઇકને નિશાનો બનાવવા માટે ખોટી વાતો ફેલાવવી અલગ. આ પ્રકારેની હરકત કરનાર કોઈપણ વ્યક્તિ કે પ્લેટફોર્મ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી શકે છે. હું મારી ઇજ્જત, નિજી જીવન અને છબીની રક્ષા માટે કાયદાકીય કાર્યવાહી કરવાનો અધિકાર ધરાવું છું. મારી ચુપ્પીને ત્યારેય કમજોરી ન સમજવી. હું મારા જીવનમાં આગળ વધવા ઇચ્છું છું, પરંતુ જરૂર પડ્યે મારા માટે અવાજ ઉઠાવવાથી પીછેહઠ નહીં કરૂ.'








