PM Modi meets Suryakumar Yadav family: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવ અને તેમના પરિવાર સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન સૂર્યકુમાર યાદવની પુત્રી રિદ્ધિએ વડાપ્રધાનને રામભજન સંભળાવ્યું હતું. નાની બાળકીનું ભજન સાંભળીને પીએમ મોદી ખુશ થયા હતા અને તાળીઓ પાડીને તેનો ઉત્સાહ વધાર્યો હતો. વડાપ્રધાને આ ખાસ ક્ષણનો વીડિયો પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ શેર કર્યો હતો.
વર્લ્ડ કપ 2026નો ગોલ્ડ મેડલ પહેરીને પહોંચ્યા
મુલાકાત દરમિયાન સૂર્યકુમાર યાદવ ICC T20 વર્લ્ડ કપ 2026નો ગોલ્ડ મેડલ પહેરીને પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ પણ મેડલ હાથમાં લઈને ભારતીય ક્રિકેટ ટીમની સફળતાની ઉજવણી કરી હતી. આ મુલાકાતમાં તેમણે સૂર્યકુમારનાં બાળકો સાથે પણ સમય વિતાવ્યો હતો. પરિવાર સાથેની આ મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો છે.ૉ
રામભજન સાંભળીને ખુશ થયા વડાપ્રધાન
સૂર્યકુમાર યાદવની પુત્રી રિદ્ધિએ વડાપ્રધાનની હાજરીમાં રામભજન રજૂ કર્યું હતું. બાળકીના ભજન દરમિયાન પીએમ મોદી ધ્યાનથી સાંભળતા અને પછી તાળીઓ પાડીને તેને પ્રોત્સાહિત કરતા જોવા મળ્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાને રામ, સરયૂ નદી અને દિવાળીના આધ્યાત્મિક મહત્ત્વનો ઉલ્લેખ કરતી પોસ્ટ પણ શેર કરી હતી. તેમણે આ ભાવનાત્મક ક્ષણને તહેવારના પવિત્ર માહોલ સાથે જોડી હતી.
સૂર્યકુમાર યાદવની ક્રિકેટ કારકિર્દી
સૂર્યકુમાર યાદવ ભારતના જાણીતા T20 બેટ્સમેનોમાંના એક છે. તેમણે 2022 અને 2023માં સતત બે વખત ICC મેન્સ T20 ક્રિકેટર ઑફ ધ યરનો પુરસ્કાર જીત્યો હતો. ઓક્ટોબર 2022માં તેઓ T20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં વિશ્વના નંબર-1 બેટ્સમેન બન્યા હતા. 2024માં ખેલાડી તરીકે T20 વર્લ્ડ કપ જીત્યા બાદ 2026માં પોતાની કેપ્ટનશિપ હેઠળ ભારતને ફરી વિશ્વ ચેમ્પિયન બનાવવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. ક્રિકેટની સિદ્ધિઓ ઉપરાંત પરિવાર સાથેની આ મુલાકાતે પણ સૂર્યકુમાર યાદવને ચર્ચામાં લાવ્યા છે. પુત્રી રિદ્ધિનું રામભજન અને વડાપ્રધાનની પ્રતિક્રિયાવાળો વીડિયો ચાહકો માટે ખાસ આકર્ષણ બન્યો છે.








