Pakistan Will Not Boycott T20 World Cup 2026: આગામી T20 વર્લ્ડ કપ 2026ને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી અને રમતગમતના તણાવમાં એક મોટો વળાંક આવ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના અધ્યક્ષ અને દેશના ગૃહમંત્રી મોહસીન નકવીએ આખરે પોતાનું વલણ નરમ પાડ્યું છે. લાંબા સમયથી ચાલી રહેલી બહિષ્કારની અફવાઓ પર પૂર્ણવિરામ મુકતા PCBના સૂત્રોએ ગુરુવારે પુષ્ટિ કરી છે કે પાકિસ્તાની ટીમ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે તૈયાર છે. આ સાથે જ 15 ફેબ્રુઆરીના રોજ યોજાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચ પર લટકતી તલવાર પણ દૂર થઈ ગઈ છે.
ટીમ ઈન્ડિયા સામે રમવા પાકિસ્તાન રવાના થશે શ્રીલંકા
બોર્ડના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, PCBએ વર્લ્ડ કપ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમ 2 ફેબ્રુઆરીની સવારે કોલંબો જવા રવાના થશે. ટુર્નામેન્ટના શેડ્યૂલ મુજબ, પાકિસ્તાનની તમામ મેચો શ્રીલંકામાં રમાવાની છે. સૂત્રએ તર્ક આપ્યો કે, "જ્યારે પાકિસ્તાનનો આખો વર્લ્ડ કપ શેડ્યૂલ શ્રીલંકામાં જ છે અને જો તેઓ ક્વોલિફાય થાય તો ફાઈનલ પણ ત્યાં જ રમાશે, તો બહિષ્કારનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી." PCB આવતીકાલે એટલે કે શુક્રવારે સત્તાવાર રીતે પોતાની ભાગીદારીની પુષ્ટિ કરે તેવી પ્રબળ શક્યતા છે.
ત્રિપક્ષીય કરાર અને તટસ્થ સ્થળનું સમીકરણ
નોંધનીય છે કે BCCI, PCB અને ICC વચ્ચે એક વિશેષ ત્રિપક્ષીય કરાર થયેલો છે. આ કરાર મુજબ, 2027 સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચેની તમામ ICC મેચો માત્ર તટસ્થ સ્થળો પર જ રમાશે. પાકિસ્તાને સ્પષ્ટ કર્યું છે કે તેઓ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની સુરક્ષા ચિંતાઓનું સમર્થન કરે છે પરંતુ ICC સાથેના પોતાના સંબંધો બગાડવા માંગતા નથી. ભારત સરકારે ભલે તેની ટીમને પાકિસ્તાન મોકલવાની મનાઈ કરી હોય, પરંતુ તટસ્થ સ્થળોએ રમવા પર કોઈ પ્રતિબંધ નથી, તેથી પાકિસ્તાન માટે બહિષ્કાર કરવો તાર્કિક રીતે અશક્ય હતો.
નકવી અને શાહબાઝ શરીફ વચ્ચેની મુલાકાત નિર્ણાયક
પાકિસ્તાનનું વલણ બદલાવા પાછળ રાજકીય મંથન મુખ્ય કારણ મનાય છે. PCB અધ્યક્ષ મોહસીન નકવીએ વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન નક્કી કરવામાં આવ્યું હતું કે પાકિસ્તાન ક્રિકેટના સમૃદ્ધ ભવિષ્ય માટે ICC અને અન્ય સભ્ય બોર્ડ સાથે સારા સંબંધો જાળવવા અનિવાર્ય છે. પીએમ શરીફ તરફથી લીલી ઝંડી મળ્યા બાદ જ બોર્ડના આક્રમક તેવર ઠંડા પડ્યા છે.
અફવાઓ પર પૂર્ણવિરામ
છેલ્લા કેટલાક અઠવાડિયાથી મીડિયામાં એવી અટકળો તેજ હતી કે પાકિસ્તાન ભારત સામે રમવાનો ઇનકાર કરીને ટુર્નામેન્ટમાંથી ખસી જશે. જોકે, PCBના આંતરિક સૂત્રએ આ અહેવાલોને સદંતર પાયાવિહોણા ગણાવ્યા છે. પાકિસ્તાને હંમેશા સ્ટેન્ડ લીધું છે કે રાજકારણને રમતગમતથી અલગ રાખવું જોઈએ, અને હવે તે જ રસ્તે ચાલીને તેઓ વિશ્વકપમાં મેદાનમાં ઉતરશે. ક્રિકેટ જગતના ચાહકો માટે આ મોટા સમાચાર છે, કારણ કે 15 ફેબ્રુઆરીએ દુનિયા ફરી એકવાર કોલંબોના મેદાન પર ભારત-પાક જંગની સાક્ષી બનશે.








