Neeraj Chopra Injured Asian Games 2026: ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચનાર ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા માટે એશિયન ગેમ્સ હંમેશા ખાસ રહી છે. 2018 જર્કાતા અને 2023 હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારા નીરજ પાસેથી આ વખતે પણ દેશને મેડલની આશા હતી. જોકે, ટ્રેનિંગ દરમિયાન પગની ઘૂંટી (એંકલ) માં લાગેલી ગંભીર ઈજાને કારણે તેઓ એશિયન ગેમ્સ 2026માંથી બહાર થઈ ગયા છે. ઈજાના લગભગ એક મહિના બાદ સોશિયલ મીડિયા પર પોતાની લાગણીઓ વ્યક્ત કરતા નીરજે સ્વીકાર્યું હતું કે, દેશનું પ્રતિનિધિત્વ ન કરી શકવું તેમના માટે અત્યંત મુશ્કેલ છે અને હાલમાં તેઓ માનસિક રીતે સારી સ્થિતિમાં નથી.
નીરજની સ્પોર્ટ્સ કારકિર્દી
નીરજ ચોપરા માટે ઈજાઓ સાથે લડવું એ કોઈ નવી વાત નથી. 2019માં તેમને જમણા કોણીની સર્જરી કરાવવી પડી હતી, 2022માં ગ્રોઈન ઈન્જરીના કારણે તેઓ કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર રહ્યા હતા અને 2024માં એડક્ટર સ્નાયુની તકલીફે પણ તેમને પરેશાન કર્યા હતા. હવે ઘૂંટીના લિગામેન્ટની ઈજાના કારણે તેઓ એશિયન ગેમ્સ 2026 અને ડાયમંડ લીગ ફાઈનલ બંનેમાંથી બહાર થઈ ગયા છે. નીરજે જણાવ્યું કે મુશ્કેલ સમયમાં સાચા મિત્રોનો સાથ તેમને સકારાત્મક રાખે છે, કારણ કે તેમના મિત્રો ફોન કરીને ઈજા વિશે સવાલો પૂછવાને બદલે જૂની યાદો અને અન્ય વાતો કરીને તેમનું મન હળવું કરે છે.
એશિયન ગેમ્સ 2026 ઓપનિંગ સેરેમની
બીજી તરફ, જાપાનના આઈચી-નાગોયા ખાતે એશિયન ગેમ્સ 2026નો ભવ્ય પ્રારંભ 19 સપ્ટેમ્બરના રોજથી થઈ રહ્યો છે. એશિયાના આ સૌથી મોટા રમતગમતના મહાકુંભની શરૂઆત રંગારંગ ઓપનિંગ સેરેમની સાથે થશે. જાપાનના સ્થાનીય સમય મુજબ સાંજે 6 વાગ્યાથી શરૂ થનારો આ કાર્યક્રમ ભારતીય સમયાનુસાર બપોરે 2.30 વાગ્યાથી સાંજે 4.30 વાગ્યા સુધી યોજાશે. ભારતીય રમતપ્રેમીઓ માટે આ ઓપનિંગ સેરેમનીનું સીધું પ્રસારણ સોની સ્પોર્ટ્સ નેટવર્કની વિવિધ ટીવી ચેનલો પર અલગ-અલગ ભાષાઓમાં અને સોની લિવ (SonyLIV) એપ પર ડિજિટલ સ્ટ્રીમિંગ દ્વારા ઉપલબ્ધ રહેશે.
યુવા એથ્લેટ્સ પર મેડલ મેળવવાની મોટી જવાબદારી રહેશે
જાપાનના આઈચી-નાગોયા શહેરમાં યોજાઈ રહેલી આ 20મી એશિયન ગેમ્સમાં 45થી વધુ એશિયન દેશોના હજારો એથ્લેટ્સ ભાગ લઈ રહ્યા છે. ભારત તરફથી શૂટિંગ, બેડમિન્ટન, કુશ્તી, રેસલિંગ અને એથ્લેટિક્સ જેવા ખેલમાં મોટી ટુકડી મોકલવામાં આવી છે. જોકે નીરજ ચોપરાની ગેરહાજરીથી જેવલિન થ્રોમાં ભારતને મોટો ઝાટકો લાગ્યો છે, તેમ છતાં કિશોર જેના અને અન્ય યુવા એથ્લેટ્સ પર મેડલ મેળવવાની મોટી જવાબદારી રહેશે. આઈચી-નાગોયા ગેમ્સમાં પ્રથમ વખત ઈ-સ્પોર્ટ્સ અને કેટલીક નવી આધુનિક રમતોને પણ સત્તાવાર સ્પર્ધા તરીકે સામેલ કરવામાં આવી છે.








