BCCI Jay Shah criticism cricket politics: મુસ્તફિઝુર રહેમાનને IPLમાંથી બહાર કાઢ્યા બાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના ક્રિકેટ સંબંધોમાં તણાવ આવી ગયો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ ભારત સામે ન રમવાની બાબત લઈને ICC સુધી પહોંચી ગયું છે. હવે BCBના એક પૂર્વ સભ્યએ ICCના ચેરમેન જય શાહ વિશે મોટું નિવેદન આપ્યું છે.
ચેરમેન જય શાહ પર આકરા પ્રહાર
વિશ્વ ક્રિકેટમાં બાંગ્લાદેશ અને ભારત વચ્ચેના સંબંધો ખરાબ થઈ ગયા છે. BCCIએ બાંગ્લાદેશના ઝડપી બોલર મુસ્તફિઝુર રહેમાનને IPLમાંથી બહાર કરી દીધા છે. ત્યારબાદ ભારે વિવાદ ઉભો થયો હતો. બાંગ્લાદેશે BCCI વિરુદ્ધ ICCમાં ફરિયાદ કરી, પરંતુ ત્યાં પણ તેને નિરાશા મળી. આ બધાની વચ્ચે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પૂર્વ સંયુક્ત સચિવે BCCIના પૂર્વ સચિવ અને હાલના ICC ચેરમેન જય શાહ પર આકરા પ્રહાર કર્યા છે.
હિંદુઓ સામે થઈ રહેલા ગુનાઓને લઈને ભારતમાં ભારે રોષ
બાંગ્લાદેશમાં હિંદુઓ સામે થઈ રહેલા ગુનાઓને લઈને ભારતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને BCCIએ મુસ્તાફિઝુરને IPLમાં રમવાની મંજૂરી ન આપી. કોલકાતા નાઇટ રાઈડર્સે તેમને હરાજીમાં 9.20 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. BCCIના આ નિર્ણય બાદ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ICCને વિનંતી કરી હતી કે, આવતા મહિને ભારત અને શ્રીલંકાની સંયુક્ત મેજબાનીમાં યોજાનારા ટી20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશના મેચો ભારતની જગ્યાએ શ્રીલંકામાં રાખવામાં આવે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ICCએ આ માંગને સ્વીકારવાની ના પાડી દીધી છે.
જય શાહ પર સીધું નિશાન
ICCના ચેરમેન જય શાહ છે, જે ભારતના છે અને અગાઉ BCCIના સચિવ રહી ચૂક્યા છે. જય શાહને લઈને BCBના પૂર્વ સચિવ સૈયદ અશરફુલ હકએ તેમની ક્ષમતા પર સવાલ ઊભા કર્યા છે. હકએ કહ્યું, "ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ, દરેક જગ્યાએ ક્રિકેટને રાજકારણીઓએ હાઈજેક કરી લીધું છે. જરા વિચારો, જો આઈ.એસ. બિંદ્રા, માધવરાવ સિંધિયા, જગમોહન દલમિયા, એન.કે.પી. સાલ્વે અથવા એન. શ્રીનિવાસન જેવા લોકો હોત તો શું આવું થાત? ના, આવું ન થાત, કારણ કે તેઓ પરિપક્વ લોકો હતા. તેઓ રમતને સમજતા હતા અને તેના દરેક પાસાને સારી રીતે જાણતા હતા."
વર્લ્ડ કપનો બહિષ્કાર શક્ય નથી
હકએ કહ્યું કે, જે રીતે આઈપીએલનો બહિષ્કાર કરવામાં આવ્યો છે, એ રીતે વર્લ્ડ કપનો બહિષ્કાર શક્ય નથી. તેમણે જણાવ્યું, "ક્રિકેટને હવે સંપૂર્ણ રીતે હાઈજેક કરી લેવામાં આવ્યું છે. આજે એવા લોકો નિર્ણયો લઈ રહ્યા છે જેમણે ક્યારેય બેટ પણ હાથમાં લીધું નથી. તમારા મામલે એ વ્યક્તિ જય શાહ છે. અમારા રમત સલાહકારે કહ્યું છે કે, બાંગ્લાદેશે વર્લ્ડ કપ માટે ભારત જવું નહીં જોઈએ. જરા વિચારો. આ વર્લ્ડ કપ છે, IPL નથી. આઈપીએલ એક ઘરેલું ટૂર્નામેન્ટ છે, જ્યારે આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા છે. તમે આ પ્રકારના બિનજરૂરી નિવેદનો આપી શકતા નથી."








