Cricket Rules Change: ક્રિકેટમાં બોલિંગ અને બેટ્સમેનને આઉટ આપવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ક્રિકેટના નિયમો ઘડતી સંસ્થા મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC) દ્વારા બોલ્ડના નિયમમાં મહત્ત્વનો સુધારો કરવામાં આવ્યો છે. નવા નિયમ મુજબ, જો બોલ નોન-સ્ટ્રાઈકર એન્ડના સ્ટમ્પ સાથે અથડાઈને ત્યારબાદ બેટિંગ એન્ડના સ્ટમ્પને ફટકારે, તો બેટ્સમેનને બોલ્ડ જાહેર કરવામાં આવશે નહીં.
કેવી રીતે બદલાયો બોલ્ડનો નિયમ?
MCCના પ્રમુખ ફ્રેઝર સ્ટુઅર્ટે એક વીડિયો દ્વારા આ નિયમ સમજાવ્યો હતો. તેમના જણાવ્યા અનુસાર, જુનિયર કાઉન્ટી મેચ દરમિયાન એક બેટ્સમેને શોટ રમ્યો હતો. આ દરમિયાન બોલ નોન-સ્ટ્રાઈકર એન્ડના સ્ટમ્પ સાથે અથડાયો અને ત્યાંથી ફરીને બેટિંગ એન્ડના સ્ટમ્પને પણ વાગ્યો હતો. આ ઘટનામાં બેટ્સમેનને આઉટ આપવામાં આવ્યો હતો. જૂના નિયમ મુજબ આવી સ્થિતિમાં બેટ્સમેનને બોલ્ડ ગણવામાં આવી શકતો હતો. જોકે, સુધારેલા નિયમ હેઠળ હવે આ પ્રકારની ઘટનામાં બેટ્સમેનને આઉટ આપવામાં આવશે નહીં. આ ફેરફારનો હેતુ આવી અસામાન્ય પરિસ્થિતિમાં બેટ્સમેનને થતી અન્યાયી અસર દૂર કરવાનો છે.
MCCના અન્ય નિયમોમાં પણ ફેરફાર
MCC દ્વારા ક્રિકેટના અન્ય કેટલાક નિયમોમાં પણ સુધારા કરવામાં આવ્યા છે. આ ફેરફારો 1 ઓક્ટોબરથી અમલમાં આવ્યા છે.
જાણી લો નવા નિયમો:
સમય બગાડવા બદલ પેનલ્ટી: જો બેટ્સમેન ઇરાદાપૂર્વક આગામી બોલ રમવામાં વિલંબ કરે, તો તેને બીજી ચેતવણી આપવામાં આવશે. ત્રીજી વખત આવું થાય તો ફિલ્ડિંગ ટીમને પાંચ પેનલ્ટી રન મળી શકે છે.
ડે-ટાઇમ ટેસ્ટમાં ગુલાબી બોલ: બંને ટીમના કેપ્ટન સંમત થાય તો દિવસ દરમિયાન રમાતી ટેસ્ટ મેચમાં પણ ગુલાબી બોલનો ઉપયોગ કરી શકાશે.
દિવસની છેલ્લી ઓવરમાં વિકેટ પડે તો: જો છેલ્લી ઓવરમાં બેટ્સમેન આઉટ થાય, તો રમત તરત જ સમાપ્ત નહીં થાય. નવા બેટ્સમેનને ક્રીઝ પર આવવાની તક આપવામાં આવશે.








