KKR vs LSG Playing 11: IPL 2026ની રોમાંચક જંગ હવે કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર જોવા મળશે, જ્યાં ગુરુવારે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) પોતાની પ્રથમ જીતની તલાશમાં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) સામે મેદાનમાં ઉતરશે. અત્યાર સુધીની સીઝન KKR માટે નિરાશાજનક રહી છે, કારણ કે રમાયેલી ત્રણ મેચોમાંથી બેમાં તેમને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો છે, જ્યારે એક મેચ વરસાદને કારણે રદ થઈ હતી. પોઈન્ટ ટેબલમાં પોતાનું ખાતું ખોલાવવા માટે હવે KKR પર દબાણ વધી રહ્યું છે.
નારાયણની વાપસીથી KKRને રાહત
સીઝનની 15મી મેચ પહેલા KKR કેમ્પમાંથી મિશ્ર સમાચાર આવ્યા છે. ટીમનો દિગ્ગજ ઓલરાઉન્ડર સુનીલ નારાયણ સંપૂર્ણપણે ફિટ થઈ ગયો છે અને લખનઉ સામેની મેચમાં પસંદગી માટે ઉપલબ્ધ છે. નારાયણની હાજરીથી ટીમના સ્પિન વિભાગ અને ઓપનિંગ વ્યૂહરચનામાં મોટો ફાયદો મળી શકે છે. જોકે, ટીમ માટે ચિંતાનો વિષય લેગ સ્પિનર વરુણ ચક્રવર્તી છે, જે આંગળીની ઈજાથી ઝઝૂમી રહ્યો છે. જો વરુણ બહાર રહે છે, તો ટીમ મેનેજમેન્ટ ન્યૂઝીલેન્ડના ઉભરતા સ્ટાર રચિન રવિન્દ્રને પ્લેઈંગ-11માં સામેલ કરી શકે છે, જે બોલ અને બેટ બંનેથી મેચનું પાસું પલટવાની ક્ષમતા ધરાવે છે.
કેમેરોન ગ્રીનનો ‘ઓલરાઉન્ડ’ અવતાર જોવા મળશે
કોલકાતા માટે સૌથી સારા સમાચાર કેમેરોન ગ્રીનને લઈને આવ્યા છે. અત્યાર સુધી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના વર્કલોડ મેનેજમેન્ટ પ્રોટોકોલ હેઠળ ગ્રીન માત્ર બેટિંગ કરી રહ્યો હતો, પરંતુ હવે તે બોલિંગ કરવા માટે પણ તૈયાર છે. ગ્રીન હાર્ડ-લેન્થ પર બોલિંગ કરવા માટે જાણીતો છે અને તેની વાપસીથી KKRના પેસ એટેકને નવી ધાર મળશે. આ ઉપરાંત, ટોપ ઓર્ડરમાં સતત નિષ્ફળતા બાદ અજિંક્ય રહાણે અને ફિન એલનની જોડીમાં ફેરફાર થઈ શકે છે. શક્ય છે કે ટીમ ન્યૂઝીલેન્ડના ટિમ સીફર્ટને તક આપીને કીવી ઓપનિંગ જોડી અજમાવે.
વિજયના રથ પર સવાર પંત એન્ડ કંપની
બીજી તરફ, લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ પાછલી મેચમાં શાનદાર વિજય મેળવીને આત્મવિશ્વાસથી લબરેજ છે. કેપ્ટન ઋષભ પંત શાનદાર ફોર્મમાં છે, જેણે છેલ્લી મેચમાં ત્રીજા નંબરે બેટિંગ કરતા અણનમ 68 રન ફટકાર્યા હતા. LSG પાસે મિચેલ માર્શ, એડન માર્કરમ અને નિકોલસ પૂરન જેવા વિસ્ફોટક બેટર્સ છે, જે કોઈપણ બોલિંગ એટેકની લાઈન-લેન્થ બગાડવાની ક્ષમતા ધરાવે છે. મોહમ્મદ શમીની આગેવાનીમાં લખનઉનો બોલિંગ એટેક પણ ઘણો સંતુલિત દેખાઈ રહ્યો છે.
વરસાદનું વિઘ્ન અને હવામાનની આગાહી
ઈડન ગાર્ડન્સમાં રમાનારી આ મેચ પર વરસાદનું જોખમ તોળાઈ રહ્યું છે. બંગાળના મેદાની વિસ્તારોમાં સર્જાયેલા લો-પ્રેશરને કારણે છેલ્લા ત્રણ દિવસથી કોલકાતામાં સતત વરસાદ પડી રહ્યો છે. જોકે, હવામાન વિભાગના મતે મેચના સમયે વરસાદની તીવ્રતા ઓછી રહી શકે છે. તેમ છતાં, જો ઓવરોમાં કાપ મૂકવામાં આવે તો ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે, કારણ કે ડકવર્થ લુઈસ નિયમમાં રન રેટનો પીછો કરવો આસાન રહે છે. આ મેચ સાંજ 7:30 વાગ્યે શરૂ થશે. શું KKR ઘરઆંગણે પોતાની પ્રથમ જીત નોંધાવશે કે પછી લખનઉ પોતાનો વિજયી સિલસિલો જાળવી રાખશે, તે જોવું રસપ્રદ રહેશે.
બંને ટીમોની સંભવિત પ્લેઈંગ-11
કોલકાતા નાઈટ રાઈડર્સ: ફિન એલન, અજિંક્ય રહાણે (કેપ્ટન), કેમેરોન ગ્રીન, અંગક્રિશ રઘુવંશી (વિકેટકીપર), રિંકુ સિંહ, રમનદીપ સિંહ, અનુકુલ રોય, રચિન રવિન્દ્ર/સુનીલ નારાયણ, વરુણ ચક્રવર્તી (જો ફિટ હોય તો), વૈભવ અરોરા, બ્લેસિંગ મુઝરાબાની.
લખનઉ સુપર જાયન્ટ્સ: મિચેલ માર્શ, ઋષભ પંત (કેપ્ટન/વિકેટકીપર), એડન માર્કરમ, નિકોલસ પૂરન, અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, મણીમરન સિદ્ધાર્થ, અવેશ ખાન, મોહમ્મદ શમી, દિગ્વેશ સિંહ રાઠી, પ્રિન્સ યાદવ.








